અમદાવાદ : ‘ભણવામાં રસ નથી, કંટાળી ગયો છું..’ કહીને 15 વર્ષીય કિશોર ઘર છોડી ગયો

અમદાવાદ : ‘ભણવામાં રસ નથી, કંટાળી ગયો છું..’ કહીને 15 વર્ષીય કિશોર ઘર છોડી ગયો

07/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ : ‘ભણવામાં રસ નથી, કંટાળી ગયો છું..’ કહીને 15 વર્ષીય કિશોર ઘર છોડી ગયો

અમદાવાદ: ભણતરના ભારના કારણે આપઘાત કરી લેતા કે ઘર છોડી જતા તરૂણો અને યુવાનોના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી (Amdavad) બહાર આવ્યો છે. જ્યાં એક 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીએ પોતે ભણતરથી કંટાળી ગયો છે તેમ કહીને ઘર છોડી દીધું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો એક કિશોર જ્યારે તેના માતા-પિતા ઘરે ન હતા ત્યારે અચાનક ઘર છોડી ગયો હતો. જતા પહેલા તે એક ચિઠ્ઠી લખી ગયો હતો અને ઘરમાંથી રૂ. ૬૦ હજાર પણ લઇ ગયો હતો. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘મોમ એન્ડ ડેડ, મેરે સિમ્પલ ફોન મેં એક રેકોર્ડિંગ હૈ, વો સુન લેના. બાય..ટેક કેર યોર સેલ્ફ.’ રેકોર્ડિંગમાં તે કહેતો સંભળાય છે કે, તેને ભણવામાં રસ નથી અને હવે ત્રાસી ગયો છે, જેથી ઘર છોડીને જાય છે.

ગુમ થયેલા કિશોરના પિતા એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરે છે. તેમજ તેમની પત્ની પણ નોકરી કરે છે. તેમનો એક 15 વર્ષીય પુત્ર બાપુનગરની શાળામાં અભ્યાસ કરે છે. આજે સવારે બંને નોકરીએ જતા ઘરે તેમનો દીકરો એકલો હતો. બપોરે જ્યારે બંને પરત ફર્યા તો તેમને ઘરનો મુખ્ય દરવાજો લોક જોવા મળ્યો હતો. ઘરની એક ચાવી તેમની પાસે અને એક પુત્ર પાસે રહેતી જેથી તે ટ્યુશન ગયો હશે તેમ વિચારી રાહ જોઈ છતાં કોઈ પત્તો ન લાગતા દીકરાને ફોન પણ કર્યો પરંતુ તે બંધ આવ્યો હતો.

ત્યારબાદ બંનેએ તાળું તોડીને અંદર જઈને જોતા કિશોરના રૂમમાં ટેબલ ઉપર એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી વાંચીને તેમણે ફોનમાં રેકોર્ડિંગ સાંભળ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું, ‘મને ભણવામાં રસ નથી. મારે ભણવું નથી અને હું કંટાળી ગયો છું, એટલે હવે પાછો નહીં આવું. હું અને મારો મિત્ર બંને સાથે જ છીએ.’

આ મામલે તેના પિતાએ દીકરાના મિત્રને પૂછતા તેણે કહ્યું હતું કે, બંને સવારે 11 વાગ્યે સિકલ લઈને નીકળ્યા હતા અને હીરાવાડી ચાર રસ્તા પાસે દાબેલી અને વડાપાઉં ખાધા હતા. ત્યારબાદ કિશોર હું દિલ્હી જાઉં છું કહીને રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે નીકળી ગયો હતો.

આ અંગે કિશોરના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(તસવીર પ્રતીકાત્મક છે)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top