લાલબત્તી સમાન કિસ્સો : મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને વાત કરી રહી હતી કિશોરી, બ્લાસ્ટ થતા મોત

લાલબત્તી સમાન કિસ્સો : મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને વાત કરી રહી હતી કિશોરી, બ્લાસ્ટ થતા મોત

07/29/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લાલબત્તી સમાન કિસ્સો : મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને વાત કરી રહી હતી કિશોરી, બ્લાસ્ટ થતા મોત

બહુચરાજી: ઘણા લોકોને મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને ઉપયોગ કરવાની આદત હોય છે. પરંતુ આવી આદતો કેવી રીતે જાનલેવા સાબિત થઇ શકે છે તે દર્શાવતો કિસ્સો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી બહાર આવ્યો છે. જ્યાં એક કિશોરી મોબાઈલ ચાર્જિંગમાં મુકીને વાત કરી રહી હતી ત્યારે અચાનક ફોન ફાટતા તેનું મોત થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ ખાતે એક કિશોરી મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને વાત કરી રહી હતી. આ દરમિયાન અચાનક ફોનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકા બાદ કિશોરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું.

છેટાસણાના શંભુભાઈ દેસાઈની પુત્રી શ્રદ્ધા સવારે પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં ફોન ઉપર વાત કરી રહી હતી. દરમ્યાન ચાર્જિંગ ઓછું થતા ફોન ચાર્જિંગમાં મુક્યો હતો અને વાત ચાલુ રાખી હતી. પરંતુ થોડી વાર બાદ એક ભયંકર ધડાકો થયો હતો. જે સાંભળીને ઘરના પરિજનો તેમજ મહોલ્લામાંથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. લોકોએ રૂમમાં જઈને જોતા શ્રદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મૃત્યુ થઇ ગયું હતું.

કિશોરી જે રૂમમાં બેસીને વાત કરી રહી હતી ત્યાં ઘાસ પણ રાખવામાં આવ્યું હતું. ધડાકાના કારણે આ ઘાસ પણ સળગી ગયું હતું. હાજર લોકોએ પાણી વડે આ આગ બુઝાવી હતી.

ગ્રામજનોએ તલાટીને જાણ કરતા તલાટીએ આવીને ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. જોકે, આ ઘટના અકસ્માતે બની હોવાના કારણે પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું છે.

(તસવીર પ્રતીકાત્મક છે)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top