કમલમ્ ખાતે હોબાળો મચાવવા બદલ જેલભેગા થયેલા ‘આપ’ના 55 નેતાઓને આખરે 11 દિવસે જામીન

કમલમ્ ખાતે હોબાળો મચાવવા બદલ જેલભેગા થયેલા ‘આપ’ના 55 નેતાઓને આખરે 11 દિવસે જામીન

12/30/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કમલમ્ ખાતે હોબાળો મચાવવા બદલ જેલભેગા થયેલા ‘આપ’ના 55 નેતાઓને આખરે 11 દિવસે જામીન

ગાંધીનગર: હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના રાજીનામાની માગ સાથે ભાજપ મુખ્યમથક કમલમ્ ખાતે જઈને ધીંગાણે ચડવા બદલ પકડાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓને આખરે 11 દિવસે જામીન મળ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે ‘આપ’ના 55 નેતા-કાર્યકરોને શરતી જામીન આપ્યા છે. 

કમલમ્ ખાતે બનેલ હોબાળાની ઘટના બાદ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ તેમજ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. અગાઉ કોર્ટે કેટલાકને જામીન આપ્યા બાદ આજે બાકીનાને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. 


20 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ કમલમ્ ખાતે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. ભાજપ મહિલા કાર્યકરોએ તેમની સાથે છેડતી થયાના અને ઇસુદાન ગઢવી નશામાં હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. 

આ ઘટના બાદ ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરતા 500 ના ટોળા સામે કુલ 18 કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને 65 પુરુષો અને 28 મહિલા સહિત 93 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 28 મહિલાઓ અને 10 પુરુષોને શરતી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ બાકીનાનાં જામીન મંજૂર કરાયા ન હતાં. ત્યારબાદ આજે બાકીના 55 લોકોને પણ જામીન આપી દેવામાં આવ્યા છે. 

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા મુદ્દે આમ આદમી પાર્ટી પહેલેથી જ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ‘આપ’ નેતા યુવરાજસિંહે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું તો બીજી તરફ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના રાજીનામાની માગ સાથે ‘આપ’ નેતા મહેશ સવાણી ઉપવાસ પર ઉતર્યા હતા. જોકે, સરકારે નમતું ન મૂકતા આખરે મહેશભાઈ જ ઝૂકી ગયા હતા અને સંતોના હાથે પારણાં કરી લીધા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top