ગોવિંદની તબિયત લથડી! હોસ્પિટલમાં દાખલ કરાયા, બેહોશ થઈને અચાનક પડી ગયા હતા અભિનેતા
બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા અને પૂર્વ સાંસદ ગોવિંદાને મંગળવારે રાત્રે જુહુની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 61 વર્ષીય અભિનેતા પોતાના ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના મિત્ર અને કાયદાકીય સલાહકાર લલિત બિંદલે આ માહિતી આપી હતી.
લલિત બિંદલે કહ્યું કે, ગોવિંદાજી અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને ક્રિટિકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડૉક્ટરોની દેખરેખમાં છે. અભિનેતાના તમામ મહત્ત્વપૂર્ણ પેરામીટર પર નજર રાખવામાં આવી રહી છે અને ડૉક્ટરો જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે.
ઘરે બેહોશ થઈ જતા રાત્રે લગભગ 1:00 વાગ્યે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવીનતમ અપડેટ મુજબ, અભિનેતાની તબિયત સારી છે અને તે ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના ઘણા મેડિકલ ટેસ્ટ થયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
રસપ્રદ વાત એ છે કે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવાયા તેના એક દિવસ અગાઉ જ તેઓ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમને રજા આપી દેવામાં આવી છે. હૉસ્પિટલની બહારથી ગોવિંદાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર પોતે ગાડી ચલાવીને હૉસ્પિટલ પહોંચતા ભાવુક થતો જોવા મળી રહ્યો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી. આ દરમિયાન તેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ચાલી હતી. ઘૂંટણની નીચે ઈજા થયા બાદ અભિનેતાને તેના જુહુના ઘરની નજીક ક્રિટિકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક કલાકની સર્જરી બાદ ગોળી કાઢવામાં આવી હતી.
તેમના મેનેજરના જણાવ્યા મુજબ, ગોવિંદા તેની લાયસન્સવાળી રિવોલ્વર કબાટમાં રાખી રહ્યો હતો ત્યારે તેની રિવોલ્વર પડી અને ગોળી વાગી. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ યાદ કરતાં કહ્યું કે, હું કોલકાતામાં એક શૉ માટે જઈ રહ્યો હતો અને સવારે લગભગ 5:00 વાગ્યા હતા... તે પડી અને ચાલી ગઈ... હું સ્તબ્ધ થઈ ગયો અને પછી મેં લોહીનો ફુવારો નીકળતો જોયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp