અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીનું સંદિગ્ધ મોત: પંખા સાથે લટકેલો મૃતદેહ મળ્યો

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીનું સંદિગ્ધ મોત: પંખા સાથે લટકેલો મૃતદેહ મળ્યો

09/20/2021 National

SidhiKhabar

SidhiKhabar

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીનું સંદિગ્ધ મોત: પંખા સાથે લટકેલો મૃતદેહ મળ્યો

પ્રયાગરાજ: અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું સોમવારે સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું. તેમનો મૃતદેહ પ્રયાગરાજ સ્થિત તેમના બાઘંબરી મઠમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસ દરવાજો તોડીને અંદર પહોંચી ત્યારે તેમને મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.

પોલીસે શરૂઆતની તપાસમાં મહંતે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. પોલીસ અનુસાર, અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાઘંબરી મઠમાં તેમના રૂમમાં પંખા સાથે નાયલોનના દોરડા વડે લટકેલી જોવા મળી હતી. પોલીસને આ અંગે સાંજે ૫:૨૦ વાગ્યે જાણકારી મળી હતી.


૬-૭ પાનાંની સ્યુસાઈડ નોટ મળી, શિષ્યોના નામનો ઉલ્લેખ

પોલીસે આ ઉપરાંત સ્થળ પરથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હોવાનું પણ કહ્યું છે. ૬-૭ પાનાની આ નોટમાં મહંતે તેમના એક શિષ્યનો ઉલ્લેખ કર્યો છે જેણે તેમને માનસિક રીતે હેરાન કર્યા હતા. પોલીસે આ માટે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રયાગરાજ પોલીસે જારી કરેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટનાસ્થળે ૬-૭ પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મહંત નરેન્દ્રગિરીએ આનંદ ગિરી અને અન્ય શિષ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે તેઓ અનેક કારણોથી પરેશાન હતા અને તેના કારણે જ જીવન ટૂંકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા ગર્વ સાથે જીવતા રહ્યા અને તેના વગર હવે તેઓ રહી શકે તેમ નથી.


તેમના જ હસ્તાક્ષર હોવાનું માલૂમ પડ્યું

તેમણે સ્યુસાઈડ નોટમાં શિષ્ય આનંદગિરીને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે અને અનેક પ્રકારની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી પ્રતીત થાય છે કે તેઓ પોતાના શિષ્ય આનંદ ગિરીથી દુઃખી હતા. રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસો પહેલા મહંતનો તેમના શિષ્ય સાથે ઝઘડો થયો હતો. પ્રયાગરાજના આઈજી કેપી સિંહે કહ્યું કે મહંતના નજીકના લોકોએ કહ્યું કે આ હસ્તાક્ષર તેમના જ છે. અમે ફોરેન્સિક તપાસ બાદ પત્ર જારી કરીશું તેમ પણ તેમણે જણાવ્યું હતું. પોલીસે આનંદ ગિરીને હિરાસતમાં લીધા છે.


આનંદ ગિરીએ કહ્યું- આ મોટું ષડ્યંત્ર, મને ફસાવવામાં આવી રહ્યો છે

બીજી તરફ, આનંદ ગિરીએ આઈજીની ભૂમિકાને સંદિગ્ધ ગણાવતા કહ્યું કે આ મોટું ષડ્યંત્ર છે. તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે. તેમજ એમ પણ કહ્યું કે જો તેઓ ગુનેગાર હોય તો સજા મેળવવા માટે તૈયાર છે. તેમણે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પણ કહ્યું કે આખો કેસ એક ષડ્યંત્ર છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમનો મહંત સાથે કોઈ વિવાદ ન હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top