લોકસભામાં વડાપ્રધાન મોદીના ભાષણથી વંદે માતરમ પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે. જ્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં બોલી રહ્યા હતા, ત્યારે એક TMC સાંસદે તેમને ટોકી દીધા, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે મજાક પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વંદે માતરમના મહત્ત્વ પર બોલી રહ્યા હતા. આ દરમિયાન તેઓ વંદે માતરમને લખનારા પ્રખ્યાત બંગાળી કવિ બંકિમ ચંદ્ર ચેટર્જીને ‘બંકિમ દા’ કહીને સંબોધિત કરી રહ્યા હતા. જોકે, વિપક્ષમાં બેઠેલા TMC સાંસદ સૌગત રોયને આ પસંદ ન આવ્યું અને તેમણે વડાપ્રધાન મોદીને ટોકી દીધા.
સૌગત રોયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, ‘તમે તેમને બંકિમ દા કહી રહ્યા છો. તમારે બંકિમ બાબુ કહેવા જોઈએ.’ વડાપ્રધાને તરત જ જવાબ આપ્યો- ‘આભાર. હું તમારી ભાવનાઓનો આદર કરું છું. હું તેમને બંકિમ બાબુ કહીશ.’ ત્યારબાદ વડાપ્રધાને મજાકમાં સૌગત રોયને પૂછ્યું, ‘શું હું તમને દાદા કહી શકું છું, કે તમને તેમાં પણ વાંધો છે?’
'દા' વાસ્તવમાં 'દાદા'નું ટૂંકું સ્વરૂપ છે, જેનો અર્થ ભાઈ થાય છે. બંગાળીઓ તેનો ઉપયોગ ભાઈઓ, મિત્રો અને પરિચિતોને સંબોધવા માટે કરે છે. તૃણમૂલ સાંસદે વાંધો ઉઠાવતા કહ્યું કે સાંસ્કૃતિક વ્યક્તિ માટે 'દા' શબ્દનો ઉપયોગ આદરપૂર્ણ નથી. એટલે, તેમણે વડાપ્રધાન મોદીને ટોકી દીધા.
બાદમાં તેમના સંબોધનમાં વડાપ્રધાને બંકિમચંદ્ર ચેટરજીનો ઉલ્લેખ બંકિમ બાબુ તરીકે કર્યો. તેમણે સ્વતંત્રતાથી લઈને કટોકટી સુધી, જીન્નાથી લઈને બંગાળના ભાગલા સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસની નીતિઓની ટીકા કરી. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે વંદે માતરમને ટુકડા કરી દીધા હતા.
બંગાળમાં જેને ‘બાબૂ’ કહેવામાં આવે છે, તેને જો તમે ‘દા’ કહેશો તો ગરબડ છે. લોકો તેના માટે વડાપ્રધાનને પણ ટોકે છે. બંગાળમાં બંને જ સંબોધનોનો સન્માન માટે પ્રયોગ કરવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરના જીવન પર આધારિત પુસ્તક ‘ઠાકુરબાડી’ના લેખક અનિમેષ મુખર્જી જણાવે છે કે ‘બાબૂ’ અને ‘દા’ બંને જ સન્માનનો મામલો છે. ‘દાદા’ અથવા ‘દા’નો અર્થ થાય છે મોટા ભાઈ. પરંતુ સુભાષચંદ્ર બોઝ, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર... આ બધાને મોટા ભાઈ કરતા વધુ પિતાતુલ્ય માનવામાં આવે છે એટલે બંકિમચંદ્રને ‘બંકિમ દા’ કહેવામાં આવતું નથી. બસ આટલી જ વાત છે, બીજું કંઈ નથી.