સફેદ માવાનો કાળો કારોબાર! બજાર નકલી માવા બનાવતી ફેક્ટરીઓથી ધમધમી રહ્યું છે, જાણો હકીકત
તહેવારની સીઝન આવતાં જ ખાદ્ય સુરક્ષા મામલો ચર્ચામાં આવી જ જાય છે. ભાવનગરના આબલા ગામે એક નકલી માવો બનાવતી ફેક્ટરીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, ફેક્ટરીમાં બનતો નકલી માવો બજારમાં સાચા માવાની જેમ વેચાતો હતો. જો કે આ કાર્યવાહી બાદ ખાદ્ય સલામતી અને નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
કાર્યવાહીની મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાંથી અંદાજે 1185 કિલો માવો, તેલ અને ફટકડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને, પોલીસે 1030 કિલો નકલી મીઠો માવો, 140 કિલો નકલી થાબડી માવો અને 15 કિલો ફટકડીનો નાશ કર્યો છે. આ મુદ્દામાલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી ગણાય છે. કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાં રહેલા સાધનો અને ઉત્પાદન પ્રક્રિયા પણ નોંધાઈ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીના માલિક મિલન દવે નકલી માવો તૈયાર કરી તેને સામાન્ય માવાની જેમ બજારમાં પહોંચાડતો હતો. આ પ્રકારની નકલી માવા બનાવતી ફેક્ટરીઓ પર સતત દેખરેખ રાખવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને બનતી રોકી શકાય. જો કે પોલીસ દ્વારા હજુ વધુ તપાસ ચાલુ છે અને સંબંધિત અન્ય વ્યક્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે, કારણ કે નકલી ખાદ્ય સામગ્રીનું સેવન આરોગ્ય માટે ખતરનાક હોય છે. તેમાં જીવનું જોખમ પણ રહેલું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp