પંજાબ ચૂંટણી પહેલા ‘કેપ્ટન’ નવી ‘ટીમ’ બનાવશે? આ બાબતો એ તરફ જ ઈશારો કરી રહી છે

પંજાબ ચૂંટણી પહેલા ‘કેપ્ટન’ નવી ‘ટીમ’ બનાવશે? આ બાબતો એ તરફ જ ઈશારો કરી રહી છે

09/30/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

પંજાબ ચૂંટણી પહેલા ‘કેપ્ટન’ નવી ‘ટીમ’ બનાવશે? આ બાબતો એ તરફ જ ઈશારો કરી રહી છે

પોલિટીકસ ડેસ્ક: પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. પહેલા કેપ્ટન અમરિંદર સિંઘ અને નવજોત સિંઘ સિદ્ધુ વચ્ચે ચાલતો વિવાદ દિલ્હી સુધી પહોંચી ગયો હતો અને કેપ્ટને સિદ્ધુને પાર્ટીમાં કોઈ પદ આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, તેમ છતાં પાર્ટી હાઈકમાન્ડે તે અવગણીને જુલાઈમાં સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવી દીધા હતા. ત્યારબાદ લાગી રહ્યું હતું કે બંને વચ્ચેનો વિવાદ ખતમ થઇ ગયો છે.

પરંતુ ત્યારબાદ પણ પાર્ટીમાં અંદરોઅંદર વિવાદ સતત ચાલતો રહ્યો અને સિદ્ધુના સમર્થક ધારાસભ્યોએ હાઈકમાન્ડને પત્ર લખીને માગ કરી હતી કે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે. ત્યારથી જ તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘની ખુરશી ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું. અને આખરે એ જ થયું. આ મહિને પંજાબમાં વિધાયક દળની બેઠક મળી અને તેમાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા થઇ. બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા અને સાંજે અમરિંદર સિંઘે રાજીનામુ આપી દીધું.

કેપ્ટન અમરિંદર સિંઘ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ સીધી અને આડકતરી રીતે નવજોત સિંઘ સિદ્ધુ અને પાર્ટી પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. જોકે, તેમણે ત્યારે પાર્ટીમાંથી રાજીનામુ નહતું આપ્યું. તેમણે સિદ્ધુને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ ગણાવ્યા હતા તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિનઅનુભવી કહ્યા હતા. જોકે, અગાઉ પણ તેઓ કહી ચુક્યા હતા કે જો તેમનું અપમાન થશે તો તેઓ પાર્ટી છોડી દેશે.


કેપ્ટન ભાજપમાં નથી જોડાઈ રહ્યા તો તેમનું આગામી પગલું શું હશે?

ગઈકાલે તેઓ પંજાબથી દિલ્હી આવવા રવાના થયા ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે. ત્યારબાદ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની મુલાકાત થયા બાદ આ અટકળોને બળ મળ્યું અને આજે સવારે તેમણે જ જાહેર કરી દીધું કે તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે. અનુમાન છે કે આવતા એક-બે દિવસમાં તેઓ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામુ સુપરત કરશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા નથી.

અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કેપ્ટન અમરિંદર સિંઘ ભાજપમાં જોડાઈ રહ્યા નથી તો તેમનું આગામી પગલું શું હશે? કારણ કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવાના સંકેતો આપ્યા છે. માર્ચમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. આ સંજોગોમાં શક્ય છે કે તેઓ નવી પાર્ટી બનાવી શકે. તેઓ નવી પાર્ટી બનાવીને પંજાબની ચૂંટણીમાં ઉતરી શકે અને શક્યતા છે કે ભાજપ તેમને સમર્થન આપશે.

આજે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પહેલા તેઓ નવી પાર્ટી બનાવી રહ્યા છે? ત્યારે તેમણે સ્પષ્ટ ઇનકાર કરવાના બદલે કહ્યું હતું કે, આ અંગે લોકોને હવે પછી ખબર પડશે. જેથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ આ જ રસ્તો અપનાવે અને પોતાની જૂની પાર્ટી વિરુદ્ધ મોરચો માંડશે. તેઓ હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે જેથી એ શક્ય છે કે પંજાબમાં બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડે.


ભાજપને શા માટે તેમની જરૂર?

ભાજપને શા માટે તેમની જરૂર?

હાલની સ્થિતિ પ્રમાણે બંને પક્ષે એકબીજાની જરૂર છે. પંજાબમાં ભાજપનો વર્ષો જૂનો સાથી શિરોમણી અકાલી દળ કૃષિ કાયદાઓને લઈને છૂટો પડી ગયો છે, જેની સાથે પાર્ટી વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડતી આવી છે. અકાલી દળ સાથે ગઠબંધન હોવાના કારણે પાર્ટી પાસે અત્યાર સુધીમાં કોઈ મજબૂત ચહેરો નથી જેને આગળ કરીને ચૂંટણી લડી કે જીતી શકે. કેપ્ટન અમરિંદર સિંઘ પાર્ટી માટે સીધી કે આડકતરી રીતે એ ચહેરો બની શકે છે.

તદુપરાંત, કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદે છેલ્લા આઠ-દસ મહિનાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને તેમનું ખેડૂત આંદોલન કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે. સરકાર અનેક વખત પ્રયાસો કરી ચૂકી છે તેમ છતાં આ અંગે કોઈ ઉકેલ લાવી શકાયો નથી. ખેડૂતો સમયાંતરે એવા કાર્યક્રમો કરતા રહે છે જેનાથી સરકાર પર પ્રશ્નો સર્જાય છે. ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણીઓમાં આ આંદોલનની અસર થઇ શકે તેવો પણ ભાજપને ડર છે. જેથી ભાજપ અમરિંદર સિંઘને આ મુદ્દાનો ઉકેલ લાવવા મધ્યસ્થી બનાવવા પર વિચાર કરે તોપણ નવાઈ નહીં.


કેપ્ટન અમરિંદર સિંઘને પણ મજબૂત સમર્થનની જરૂર

કેપ્ટન અમરિંદર સિંઘ પહેલેથી પંજાબમાં એક લોકપ્રિય શાસક તરીકે ઓળખાયા છે અને સાડા નવ વર્ષો સુધી તેઓ સરકારના વડા રહ્યા છે. આર્મી જવાન છે તેમજ આટલા વર્ષોમાં તેમની ઉપર કોઈ મોટો આક્ષેપ થયો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં આંતરિક કલેશના કારણે તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેઓ પોતે જ કહી ચુક્યા છે કે તેમને અનેક વખત અપમાનિત હોવાનું અનુભવાયું છે. તેઓ નવી પાર્ટી બનાવે તો તેમને પણ મજબૂત સમર્થનની જરૂર પડશે. ભાજપ એ પૂરું પાડી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top