‘અચાનક વાસ આવી અને શ્રમિકો ટપોટપ પડવા લાગ્યા’ : સુરતની સચિન GIDCમાં દુર્ઘટના, 6 નાં મોત

‘અચાનક વાસ આવી અને શ્રમિકો ટપોટપ પડવા લાગ્યા’ : સુરતની સચિન GIDCમાં દુર્ઘટના, 6 નાં મોત

01/06/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘અચાનક વાસ આવી અને શ્રમિકો ટપોટપ પડવા લાગ્યા’ : સુરતની સચિન GIDCમાં દુર્ઘટના, 6 નાં મોત

સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલ કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા તેની ઝેરી અસરનાં કારણે છ લોકોનાં મોત થયા હતા તો અન્ય 20 થી વધુ કારીગરોને પણ અસર થઇ હતી. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, GIDC માં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરવામાં આવેલ કેમિકલ ટેન્કરથી થોડા જ અંતરે કેટલાક કારીગરો સૂતા હતા. દરમ્યાન, અચાનક ટેન્કરની ડ્રેનેજ પાઈપ લીક થઇ જતા કેમિકલની ઝેરી અસરનાં કારણે શ્રમિકોનાં ગૂંગળામણનાં કારણે મોત થયા હતા તો અન્ય ઘણાંને ઝેરી ગેસની અસર થતા ત્યાં જ ઢળી પડ્યા હતા. છ લોકોના મોત થયા છે જ્યારે હોસ્પિટલમાં દાખલમાંથી 4ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


આ ઘટના મળસ્કે લગભગ સવા ચાર વાગ્યે બની હતી. પ્રથમ કોલ સચિન એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધુ હોવાના કારણે આસપાસના વિસ્તારની એમ્બ્યુલન્સને પણ મોકલવામાં આવી હતી. કુલ 10 એમ્બ્યુલન્સ મારફતે 29 જેટલા અસરગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર જણાવે છે કે, સવારે પાંચ વાગ્યાની આસપાસ ગેસ લીકેજની દુર્ઘટનાનો ફોન આવ્યો અને તમામ તૈયારીઓ કરી સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 20 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા, જેમાંથી 6 નાં મૃત્યુ થઇ ગયા છે જ્યારે બાકીના સારવાર લઇ રહ્યા છે. જેમાંથી કેટલાકની હાલત સારી છે તો કેટલાક ગંભીર છે.


વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજરે જણાવ્યું કે, મિલની બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભેલું હતું, જેનો એક પાઈપ બાજુનાં ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક કેમિકલ લીક થતા મિલના કારીગરો જમીન પર પડવા લાગ્યા અને આખી મિલમાં ઝેરી અસર થઇ ગઈ હતી. જ્યારે સાડીની મિલમાં કામ કરતા એક કારીગરે કહ્યું કે, અચાનક કંઇક વાસ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા હતાં.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અસરગ્રસ્તોને ઝડપથી સારવાર આપવી એ પ્રાથમિકતા છે. ઘટનાની તપાસ માટે પોલીસ કમિશ્નર દ્વારા બે-ત્રણ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top