વધુ એક રાજ્યના સીએમ બદલાશે? આ વખતે કોંગ્રેસશાસિત રાજ્યમાં ખેંચતાણ, બપોરે ધારાસભ્યોની બેઠક મળશે

વધુ એક રાજ્યના સીએમ બદલાશે? આ વખતે કોંગ્રેસશાસિત રાજ્યમાં ખેંચતાણ, બપોરે ધારાસભ્યોની બેઠક મળશે

09/18/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક રાજ્યના સીએમ બદલાશે? આ વખતે કોંગ્રેસશાસિત રાજ્યમાં ખેંચતાણ, બપોરે ધારાસભ્યોની બેઠક મળશે

ચંદીગઢ: ગુજરાતના મુખ્યમંત્રી બદલાયાને હજુ એક અઠવાડિયું થયું નથી ને અન્ય એક રાજ્યના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા શરૂ થઇ ગઈ છે. જોકે, આ વખતે રાજ્ય કોંગ્રેસશાસિત છે. પંજાબમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.


૪૦ ધારાસભ્યોએ કેપ્ટન વિરુદ્ધ બળવો કર્યો

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ સામે ૪૦ જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ શનિવારે પાર્ટીએ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંઘ પોતાનાં સમર્થક ધારાસભ્યો સાથે બપોરે બે વાગ્યે બેઠક કરવા જઈ રહ્યા છે.

ધારાસભ્ય દળની બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત સામેલ થશે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેશે. પાર્ટીએ કેન્દ્રમાંથી બે નિરીક્ષકો અજય માકન અને હરીશ ચૌધરીને પંજાબ મોકલ્યા છે, જે બંને પણ બેઠકમાં હાજર રહેશે. આજે સાંજે પાંચ વાગ્યે આ બેઠક થશે.


સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો

સિદ્ધુ જૂથના આશરે 40 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તૃપ્ત રાજેન્દ્રસિંહ બાજવાના નેતૃત્વમાં હાઇકમાન્ડને પત્ર લખીને વહેલી તકે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની વિનંતી કરી હતી. સિદ્ધુના સમર્થક ધારાસભ્યોએ કહ્યું છે કે તેમનું સરકારમાં સાંભળવામાં આવતું નથી અને સિદ્ધુને સમર્થન આપવાના કારણે તેમના વિસ્તારમાં તેમના માનીતા અધિકારીઓને બદલી નાંખવામાં આવ્યા હતા.

આ તમામ બાબતો આ ધારાસભ્યોએ પત્રમાં લખી હતી અને કેપ્ટન સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરતા સોનિયા ગાંધીને અપીલ કરી હતી કે વહેલી તકે બે કેન્દ્રીય નિરીક્ષકોની આગેવાનીમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવે.

આ અંગે માહિતી આપતા પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું હતું કે શનિવારે સાંજે યોજાનારી ધારાસભા પક્ષની બેઠક માટે મોટી સંખ્યામાં રજૂઆતો કરવામાં આવી હતી. હરીશ રાવત, અજય માકન અને હરીશ ચૌધરી સાથે આજે સાંજે ચંડીગઢ પહોંચશે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ માકન અને ચૌધરીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.


જો સીએમ પદથી હટાવાશે તો પાર્ટીમાંથી પણ રાજીનામુ આપી દઈશ : અમરિંદર સિંઘ

મીડિયાના અહેવાલો અનુસાર, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંઘે કમલનાથ અને મનીષ તિવારી સાથે વાત કરીને તેમને હાઈકમાન્ડ સુધી તેમનો સંદેશો પહોંચાડવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે પંજાબમાં જે ચાલી રહ્યું છે તેનો આજે જ નિવેડો લાવવામાં આવે અને એ પણ સ્પષ્ટતા કરી કે જો તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા તો પાર્ટીમાંથી પણ તેઓ રાજીનામુ આપી દેશે.

સૂત્રો અનુસાર, અમરિંદર સિંઘ ગઈકાલ રાત્રેથી સમર્થક ધારાસભ્યો સાથે બેઠકો કરી રહ્યા છે અને રણનીતિ બનાવવામાં આવી રહી છે. જાણવા મળ્યા અનુસાર, કેપ્ટન અમરિંદર સિંઘ આગળની રણનીતિ આજે બે વાગ્યાની બેઠક બાદ નક્કી કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોની સંખ્યા જોઈને રણનીતિ નક્કી કરવામાં આવશે.


સિદ્ધુના સલાહકારે કહ્યું- હવે સીએમ બદલવાનો સમય આવી ગયો

 પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ એક ટ્વીટ કરીને સીએમ બદલવાની વાતો અને અટકળોને વેગ આપ્યો છે. તેમણે કહ્યું, '૨૦૧૭ માં પંજાબે અમને ૮૦ ધારાસભ્યો આપ્યા પરંતુ દુઃખદ બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યને એક સારો મુખ્યમંત્રી ન આપી શકી. પંજાબના દુઃખ અને પીડાને જોતા હવે સમય આવી ગયો છે કે મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાંખવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top