કોંગ્રેસ પાર્ટીને આવતા વર્ષે મળશે નવા અધ્યક્ષ, જાણો CWC બેઠકમાં શું નિર્ણય લેવાયો

કોંગ્રેસ પાર્ટીને આવતા વર્ષે મળશે નવા અધ્યક્ષ, જાણો CWC બેઠકમાં શું નિર્ણય લેવાયો

10/16/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ પાર્ટીને આવતા વર્ષે મળશે નવા અધ્યક્ષ, જાણો CWC બેઠકમાં શું નિર્ણય લેવાયો

નવી દિલ્હી: દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક આજરોજ પાર્ટીના દિલ્હી સ્થિત કાર્યાલયે મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ પાર્ટીના પ્રમુખપદની ચૂંટણી અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારોની નિમણૂંક પણ ત્યારે જ કરવામાં આવશે. જેથી સ્પષ્ટ છે કે ત્યાં સુધી સોનિયા ગાંધી જ પાર્ટીના અધ્યક્ષ પદે કાર્યરત રહેશે.


રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યા બાદ સોનિયા ગાંધી ફરી અધ્યક્ષ બન્યા હતા

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પદે કાર્યરત છે. રાહુલ ગાંધીએ 2019 ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સતત બીજી હાર બાદ રાજીનામુ આપી દીધા બાદ સોનિયા ગાંધી જ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. નોંધવું જરૂરી છે કે રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યું તે પહેલા પણ સોનિયા ગાંધી જ પાર્ટીના અધ્યક્ષ હતા. છેલ્લા કેટલાય વર્ષોથી પાર્ટીનું અધ્યક્ષ પદ ગાંધી પરિવાર પાસે જ રહ્યું છે.

પાર્ટીમાં પૂર્ણકાલીન અધ્યક્ષના અભાવ અને અન્ય સમસ્યાઓને લઈને પાર્ટીના 23 જેટલા નેતાઓએ ગત વર્ષે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો અને પાર્ટીમાં ધરમૂળથી ફેરફાર લાવવાની અને પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવાની માગ કરી હતી. આ નેતાઓને ત્યારથી G-23 સમૂહ કહેવામાં આવે છે.


G-23 નેતાઓના પત્ર બાદ બેઠક બોલાવાઈ હતી

G-23 નેતાઓના આ પત્ર બાદ પાર્ટીએ CWC બેઠક બોલાવી હતી અને અધ્યક્ષ પદ મુદ્દે ચર્ચા થઇ હતી પરંતુ તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ પદે ચાલુ રહેશે અને 2021 માં ચૂંટણી કરવામાં આવશે. પરંતુ હવે ચૂંટણી 2022 સુધી ટાળી દેવામાં આવી છે.

સોનિયા ગાંધી બાદ પાર્ટીના અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચા અવારનવાર ચાલતી રહી છે. પાર્ટીનો એક મોટો વર્ગ ઈચ્છે છે કે રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બને. જ્યારે ક્યાંક એવી ચર્ચાઓ પણ ચાલે છે કે હવે પાર્ટીની કમાન ગાંધી પરિવારની બહાર અન્ય કોઈ નેતાને આપવી જોઈએ. જોકે, રાહુલ ગાંધી અધ્યક્ષ બનશે તેવી અટકળો છેલ્લા વર્ષોમાં અનેક વખત વહેતી થઇ છે પરંતુ તેઓ આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપતા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top