નાગરિકતા મામલે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને કોર્ટે ફટકારી નોટીસ? શું છે સમગ્ર વિવાદ? જાણો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને દિલ્હી પોલીસને નાગરિકતા મામલે નોટિસ જારી કરી છે. આ કેસ એ આરોપ સાથે સંબંધિત છે કે, ભારતીય નાગરિકતા મેળવતા પહેલા સોનિયા ગાંધીનું નામ નવી દિલ્હી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. કોર્ટ આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરી, 2026 ના રોજ કરશે.
સોનિયા ગાંધીના નાગરિકતા વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વકીલ વિકાસ ત્રિપાઠીએ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. તેમણે આરોપ લગાવ્યો છે કે, સોનિયા ગાંધીને 30 એપ્રિલ 1983 ના રોજ ભારતીય નાગરિકતા મળી હતી. પરંતુ તેમનું નામ ત્રણ વર્ષ પહેલા જ 1980ની મતદાર યાદીમાં હતું. અરજદાર દલીલ કરે છે કે, ફક્ત ભારતીય નાગરિકતા ધરાવતા લોકોને જ મતદાર યાદીમાં સામેલ કરી શકાય છે તેથી 1980ની યાદી પોતે જ શંકા ઊભી કરે છે. એડવોકેટ વિકાસ ત્રિપાઠીએ અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સોનિયા ગાંધીનું નામ 1982માં યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને 1983માં નાગરિકતા મળ્યા પછી ફરીથી ઉમેરવામાં આવ્યું હતું. અરજદારે આ ત્રણ પગલાં - પ્રથમ સમાવેશ, પછી દૂર કરવું અને પછી ફરીથી સમાવેશ - ને ગંભીર અનિયમિતતાઓ ગણાવ્યા છે.
જો કે આ પહેલા પણ વકીલ વિકાસ ત્રિપાઠીએ સપ્ટેમ્બર 2025માં, મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે, અરજદાર તેના આરોપોને સમર્થન આપવા માટે પૂરતા અને નક્કર પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગયો છે. જો કે, હવે રિવિઝન અરજીની સુનાવણી કરતી વખતે, રાઉઝ એવન્યુ કોર્ટે એક નવી નોટિસ જારી કરી છે, જેમાં કેસને પ્રથમ દ્રષ્ટિએ તપાસને લાયક ગણાવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે, બંને પક્ષોના જવાબો સાંભળ્યા વિના આગળની કાર્યવાહી નક્કી કરવી યોગ્ય રહેશે નહીં.
કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધ નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં તેમનું નામ કથિત રીતે છેતરપિંડીથી સામેલ કરવા બદલ દાખલ કરાયેલી સુધારણા અરજી પર જવાબ માંગવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp