Video: દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ, 2 જૂથો વચ્ચે અથડામણ; જાણો કેવી

Video: દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ, 2 જૂથો વચ્ચે અથડામણ; જાણો કેવી છે પરિસ્થિતિ

10/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ, 2 જૂથો વચ્ચે અથડામણ; જાણો કેવી

રવિવારે ઓડિશાના કટકમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે શહેરના 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી અને 36 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. ભુવનેશ્વર-કટક પોલીસ કમિશનર ડૉ. સુરેશ દેવદત્ત સિંહે જણાવ્યું હતું કે પ્રતિબંધક હુકમ રવિવાર રાત્રે 10:00 વાગ્યાથી મંગળવાર સવાર સુધી અમલમાં રહેશે. ઇન્ટરનેટ સેવાઓ 5 ઓક્ટોબર સાંજે 7:00 વાગ્યાથી 6 ઓક્ટોબર સાંજે 7:00 વાગ્યા સુધી સ્થગિત રહેશે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમાં દરગાહ બજાર, મંગળબાગ, કેન્ટોનમેન્ટ, પુરીઘાટ, લાલબાગ, બિદનાસી, માર્કેટ નગર, CDA ફેઝ-2, માલગોદામ, બાદામબાડી, જગતપુર, 42 મૌઝા અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારોનો સમાવેશ થાય છે.


દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન હિંસા

દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન હિંસા

રવિવારે બપોરે 1:30 થી 2:00 વાગ્યાની વચ્ચે દરગાહબજારના હાથી પોખરી વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા કથાજોડી નદી કિનારે દેવીગડા ઘાટ તરફ આગળ વધી રહી હતી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મોટા અવાજે DJ વગાડવાને લઈને થયેલા વિવાદે હિંસક રૂપ ધારણ કરી લીધું. કેટલાક લોકોએ છત પરથી શોભાયાત્રા પર પથ્થરો અને બોટલો ફેંકવાનું શરૂ કર્યું, જેમાં અનેક ભક્તો ઇજાગ્રસ્ત થયા. કટકના DCP ખિલારી, ઋષિકેશ જ્ઞાનદેવ ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો, જેનાથી અનેક વાહનો અને રસ્તાની બાજુની દુકાનોને નુકસાન થયું. લગભગ ત્રણ કલાક સુધી વિસર્જન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી, અને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સવારે 9:30 વાગ્યા સુધીમાં બધી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.

શહેરમાં બાઇક રેલી યોજવાની મંજૂરી માંગી ત્યારે તણાવ વધુ વધ્યો, જેનો પોલીસે ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મંજૂરી ન મળ્યા બાદ, કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, જેમાં 8 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા. ભીડને વિખેરવા માટે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો.

પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને અફવાઓને કાબુમાં લેવા માટે, ગૃહ વિભાગે રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી સમગ્ર કટક શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સત્યબ્રત સાહુએ જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, 1885ની કલમ 5(2) અને જાહેર કટોકટી/સુરક્ષા નિયમો, 2017 હેઠળ લેવામાં આવ્યો છે.

સસ્પેન્શન હેઠળ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (અગાઉ ટ્વિટર), સ્નેપચેટ, મોબાઈલ ઈન્ટરનેટ, બ્રોડબેન્ડ અને ડાયલ-અપ કનેક્શન સહિતની તમામ ડેટા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ કટક મ્યુનિસિપલ કોર્પોરેશન (CMC), કટક ડેવલપમેન્ટ ઓથોરિટી (CDA) અને ૪૨ મૌઝા વિસ્તારોને લાગુ પડે છે. સત્યબ્રત સાહુએ કહ્યું કે, ‘ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવતા અસામાજિક તત્વોને રોકવા માટે આ પગલું જરૂરી હતું. અમારો ઉદ્દેશ્ય શાંતિ અને સુમેળ પુનઃસ્થાપિત કરવાનો છે.


આગ લગાવવા અને તોડફોડની ઘટનાઓ

આગ લગાવવા અને તોડફોડની ઘટનાઓ

ગૌરી શંકર પાર્ક નજીક 8-10 સ્થળોએ અસમાજિકતત્વોએ આગ લગાવી. આસિસ્ટન્ટ ફાયર ઓફિસર સંજીબ કુમાર બેહરાએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડે આગ ઓલવી નાખી હતી, પરંતુ અસમાજિકતત્વોએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે અને CCTV અને ડ્રોન ફૂટેજની મદદથી બાકીના લોકોની શોધ કરી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ સોમવારે સવારે 6:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. સંગઠને વહીવટીતંત્ર પર ‘કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો અને DCP અને કલેક્ટરની બદલીની માગ કરી હતી. આ દરમિયાન, પંડાલ સમિતિઓના સભ્યોએ પણ આરોપીઓની ધરપકડની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બીજુ જનતા દળ (BJD)એ હિંસાની નિંદા કરી હતી અને તેને શહેરની સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. CM મોહન ચરણ માઝીએ ઇજાગ્રસ્તોની મફત તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું અને જનતાને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘કટક શહેર ભાઈચારોનું ઉદાહરણ રહ્યું છે, પરંતુ કેટલાક બદમાશોએ શાંતિ ભંગ કરી છે. સરકાર આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.’

આ દરમિયાન, BJD સાંસદ સુલતા દેવે કહ્યું કે, "કટક ભાઈચારાનું શહેર છે, જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી બધા શાંતિથી રહે છે. હિંસા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે ગુનાઓમાં વધારો થયો છે.’

કટક-ભુવનેશ્વરના એડિશનલ પોલીસ કમિશનર નરસિંહ ભોલાએ કહ્યું, ‘પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. લોકો પોતાના ઘરમાંથી બહાર આવવા લાગ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. અમારી પ્રાથમિકતા શક્ય તેટલી વહેલી તકે સામાન્યતા પુનઃસ્થાપિત કરવાની છે. ભોલાએ નાગરિકો અને સમુદાયના નેતાઓને શાંતિ અને સુમેળ જાળવવામાં સહયોગ માટે અપીલ કરી છે. પ્રશાસને નાગરિકોને અફવાઓને અવગણવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ પોલીસને કરવા અપીલ કરી છે. પોલીસ અને વહીવટીતંત્ર કટક શહેરની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top