ઝારખંડ : હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરતા જજની ઓટો વડે ટક્કર મારી હત્યા; જુઓ વિડીયો

ઝારખંડ : હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરતા જજની ઓટો વડે ટક્કર મારી હત્યા; જુઓ વિડીયો

07/29/2021 National

SidhiKhabar

SidhiKhabar

ઝારખંડ : હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરતા જજની ઓટો વડે ટક્કર મારી હત્યા; જુઓ વિડીયો

ધનબાદ: ઝારખંડના ધનબાદ (Dhanbad) શહેરમાં એક ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજની ઓટો વડે ટક્કર મારીને હત્યા (Murder) કરી નાંખવામાં આવી છે. જજ ગઈકાલે સવારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા ત્યારે એક ઓટોચાલકે જાણીજોઈને ટક્કર મારી દીધી હતી. જજ બહુચર્ચિત મર્ડર કેસની સુનાવણી કરી રહ્યા હતા અને કેટલાક દિવસો પહેલા 2 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

ન્યાયાધીશ ઉત્તમ આનંદે (Uttam Anand) 6 મહિના પહેલા જ ધનબાદના ન્યાયાધીશ તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. નિત્યકર્મ મુજબ તેઓ સવારે પાંચ વાગ્યે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા. દરમ્યાન, ધનબાદના રણધીર વર્મા ચોક પાસે એક ઓટોએ તેમને ટક્કર મારી અને ફરાર થઇ ગયા. ત્યારબાદ એક રાહદારીએ તેમને જોતા હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ત્યાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

જ્યાં સુધી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે ન આવ્યા ત્યાં સુધી લોકો આ ઘટનાને એક અકસ્માત તરીકે જ જોઈ રહ્યા હતા. પરંતુ સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ જણાય છે કે જજને જાણીજોઈને ટક્કર મારવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, ન્યાયાધીશ ઉત્તમ આનંદ રસ્તાની ડાબી તરફ જોગિંગ કરતા જઈ રહ્યા હતા. ત્યારે જ તેમની પાછળ ઓટોરિક્ષા આવે છે. જેની ડ્રાઈવર સીટ ઉપર બે લોકો બેઠેલા દેખાય રહ્યા છે. ઓટો અચાનક રસ્તા ઉપર ડાબી તરફ વળે છે અને ત્યારબાદ જોગિંગ કરી રહેલા ન્યાયાધીશ તરફ આગળ વધે છે. પાછળથી એક ટક્કર મારી તેમને રસ્તાની બાજુમાં ફેંકી દે છે અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આગળ નીકળી જાય છે.

બુધવારે સવારે 7 વાગ્યે પણ તેઓ ઘરે પરત ન ફરતા તેમના પરિજનોએ નજીકના પોલીસ મથકમાં સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરતા થોડીવાર બાદ તેમને હોસ્પિટલમાં અજાણ્યો મૃતદેહ આવ્યો હોવાની જાણકારી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ન્યાયાધીશના બોડીગાર્ડે તેમના મૃતદેહની ઓળખ કરી હતી. તેમના માથા પર ઘા જોવા મળ્યા હતા.

ન્યાયાધીશ ઉત્તમ આનંદ ચર્ચિત રંજય સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા. રંજયસિંહ ધનબાદના બાહુબલી નેતા અને ઝરિયાના પૂર્વ વિધાયક સંજીવસિંહના નજીકના માનવામાં આવતા. કેટલાક દિવસો પહેલા જ જજ ઉત્તમ આનંદે આ કેસમાં શૂટરોની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ ઘટના બાદ ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રીએ ધનબાદના ડીસી અને ધનબાદ પોલીસને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ બનાવીને તપાસ કરી એક અઠવાડિયાની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top