MBBSના અભ્યાસ બાદ આતંકી ટ્રેનિંગ, ગુજરાત ATSએ પકડેલા આ ત્રણેય અમદાવાદ-દિલ્હી-લખનૌમાં શું કરવાના હતા?
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવાના આરોપમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSનો દાવો છે કે તેમના પર એક વર્ષથી નજર રાખવામાં આવી હતી. તેઓ 9 નવેમ્બર રવિવારના રોજ હથિયારો સપલાઈ કરવાના હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ATS અનુસાર, તેઓ દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
ત્રણ શંકાસ્પદોની ઓળખ અહમદ મોહિઉદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી તરીકે થઈ છે. તેમાંથી એક, 35 વર્ષીય અહમદ મોહિઉદ્દીન ચીનથી MBBSનો અભ્યાસ કરી ચૂક્યો છે. તેના પર આરોપ છે કે તે ખતરનાક ISIS વિંગ ઇસ્લામિક સ્ટેટ-ખુરાસન પ્રોવીન્સ (ISKP) સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓના સંપર્કમાં હતો.
ATS અનુસાર, ગાંધીનગરના અડાલજ ટોલ પ્લાઝા નજીકથી આ ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજામાંથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર એરંડા તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) સુનિલ જોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘માહિતી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ અહમદ મોહીઉદ્દીન સૈયદ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે માટે અમદાવાદ આવવાનો હતો. તપાસમાં અમદાવાદમાં તેની પ્રવૃત્તિઓનો ખુલાસો થયો. ત્યારબાદ તેની અડાલજ નજીકના ટોલ પ્લાઝા પર ધરપકડ કરવામાં આવી. તે એક આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માગતો હતો જેનાથી ભારે નુકસાન થાય. તે ઘણા વિદેશીઓના સંપર્કમાં હતો. આમાંથી એકની અબુ ખાદીજા નામની ટેલિગ્રામ ID હતી, જે કથિત રીતે ISKP સાથે જોડાયેલી હતી.
DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, અહમદ મોહીઉદ્દીન સૈયદે રિસિન નામનું રાસાયણિક ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે એરંડાના બીજની પ્રક્રિયામાંથી બચેલા અવશેષોમાંથી બનાવી શકાય છે. DIG સુનિલ જોશીએ અન્ય 2 શંકાસ્પદો વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લખીમપુર અને શામલીના રહેવાસી આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાન બનાસકાંઠામાં હતા. બંને કટ્ટરપંથી છે અને વિદેશમાં વ્યક્તિઓના સંપર્કમાં હતા. તેમણે લખનૌ, દિલ્હી અને અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારોમાં જાસૂસી કામગીરી કરી હતી. કાશ્મીરમાં તેમની ગતિવિધિઓ પણ રેકોર્ડ કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે એક આરોપીને 17 નવેમ્બર સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. બાકીના બે આરોપીઓ 9 નવેમ્બરે કોર્ટમાં હાજર થશે. વધુ તપાસ ચાલુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp