ગુજરાતના ખેડૂતો આપઘાત કરવા મજબુર! કમોસમી વરસાદે લીધો સૌરાષ્ટ્રના આટલા ખેડૂતોનો જીવ! જાણો વિગતો
કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લાં એક અઠવાડિયામાં ચાર ખેડૂતોએ આપઘાતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે લોકોમાં દુ:ખની સાથે સાથે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા અને ઉનામાં બે ખેડૂતોના આપઘાત બાદ રાજકોટના બે ખેડૂતોએ પણ પાકની બરબાદીને કારણે આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું છે.
રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના લાખો ખેડૂતો દેવાદાર બની ગયા છે. જો કે સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે. જેમાં 16 હજાર ગામના 13 લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22 હજાર વળતર ચૂકવવામાં આવશે. પરંતુ સમય રહેતા આ વળતર ખેડૂતોને મળેને તેઓ દેવાંમાંથી બહાર આવી શકે તે કહી શકાય તેમ નથી. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ઉનાના ખેડૂતનો આપઘાત
કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ગીરસોમનાથ જિલ્લાના એક ખેડૂતે પણ આત્મહત્યા કરી હોવાના સમાચાર છે. રેવદ ગામના 49 વર્ષીય ખેડૂત ગફાર મુસા ઉનડે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ખેડૂતે કૂવામાંથી તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટૂકડો બાંધી દીધો હતો. માહિતી મુજબ પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીઓની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય રહ્યું છે.
રહેવાણીયા ગામે ખેડૂતનો આપઘાત
માવઠાના કારણે નુકસાન થતા દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના આધડે પણ આપઘાત કર્યો છે. મૃતકે 14 વીઘા તુવેર અને મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતે ખેડૂતે પાક બરબાદ થતા આર્થિક સંકટમાં આવતા આપઘાત કર્યો હોવાનો પરિવારનો દાવો છે. પોતાના ઘરમાં દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું છે. પાક નુકસાનને લઇ આત્મહત્યા કરી છે કે કેમ તે અંગે વિંછીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અરડોઈ ગામના ખેડૂતનો આપઘાત
કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ આપઘાત કર્યો છે. પાકની નુકસાનીને કારણે દિલીપભાઈ ચિંતામાં રહેતા હોવાનો પરિવારનો દાવો છે. મૃતકનું સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવવામાં આવ્યું છે. જો કે પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે. આ ખેડૂતના આત્મહત્યાના કારણ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકાના ખેડૂતનો આપઘાત
દ્વારકાના ભાણવડના માનપર વિસ્તારના 37 વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ પણ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂત પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે આ દુ:ખદ પગલું ભર્યુ હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp