અમેરિકા: ૯/૧૧ હુમલામાં શું હતી સાઉદી સરકારની ભૂમિકા? FBIએ જારી કર્યા ગુપ્ત દસ્તાવેજો

અમેરિકા: ૯/૧૧ હુમલામાં શું હતી સાઉદી સરકારની ભૂમિકા? FBIએ જારી કર્યા ગુપ્ત દસ્તાવેજો

09/12/2021 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકા: ૯/૧૧ હુમલામાં શું હતી સાઉદી સરકારની ભૂમિકા? FBIએ જારી કર્યા ગુપ્ત દસ્તાવેજો

વોશિંગ્ટન: ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ (એફબીઆઈ) 11 સપ્ટેમ્બર, 2001 ના આતંકવાદી હુમલા માટે વિમાનનું અપહરણ કરનારા બે સાઉદી અરેબિયાના માણસો દ્વારા મેળવેલ લોજિસ્ટિકલ સપોર્ટ સંબંધિત 16 પાનાનો નવો દસ્તાવેજ બહાર પાડ્યો છે. દસ્તાવેજો સૂચવે છે કે હાઈજેકરો યુએસ સ્થિત સાઉદીના સાથીઓ સાથે સંપર્કમાં હતા, પરંતુ સાઉદી અરેબિયાની સરકાર આ કાવતરામાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી.

શનિવારે જારી કરવામાં આવેલા દસ્તાવેજોમાં ૨૦૧૫ માં એક એવા વ્યક્તિના ઇન્ટરવ્યૂની જાણકારી આપવામાં આવી છે જેણે અમેરિકી નાગરિકતા માટે આવેદન કર્યું હતું અને ઘણા વર્ષો પહેલા સાઉદી અરેબિયાના નાગરિકો સાથે અવારનવાર સંપર્ક કર્યા હતા. તપાસ એજન્સીનું કહેવું છે કે આ જ નાગરિકોએ હાઈજેકરોને અહમ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.


પીડિત પરિવારોના દબાણ બાદ બાઈડને દસ્તાવેજો જારી કરવાનો આદેશ આપ્યો હતો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ૯/૧૧ હુમલાના દસ્તાવેજો જારી કરવાના આદેશ આપ્યા બાદ શનિવારે હુમલાની ૨૦મી વર્ષગાંઠ ઉપર આ ૧૬ પાનાંનો એક દસ્તાવેજ જાહેરમાં મૂકવામાં આવ્યો હતો. આ દસ્તાવેજો વર્ષો સુધી ગોપનીય રાખવામાં આવ્યા હતા.

પીડિતોના પરિવારો દ્વારા અમેરિકી સરકાર પર હુમલાની તપાસ સબંધિત દસ્તાવેજો બહાર પાડવા સતત દબાણ થતું રહ્યું. તેઓ લાંબા સમયથી ન્યુયોર્કમાં ચાલી રહેલ ટ્રાયલમાં મદદરૂપ સાબિત થઈ શકે તેવા રેકોર્ડ બહાર પાડવાની માંગ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હુમલામાં વરિષ્ઠ સાઉદી અધિકારીઓ સામેલ હતા.


તમામ આરોપો પાયાવિહોણા, સાઉદીની ક્યાંય સંડોવણી નથી : સાઉદી અરેબિયા દૂતાવાસ

બીજી તરફ, સાઉદી અરેબિયાની સરકારે કોઇપણ પ્રકારની સંડોવણીને નકારી છે. વોશિંગ્ટનમાં સાઉદી દૂતાવાસે બુધવારે જણાવ્યું હતું કે તેઓ દસ્તાવેજો જાહેર કરવાનું સમર્થન કરે છે જેથી તેમની સરકાર સામે લાગેલા પાયાવિહોણા આરોપો હંમેશાં માટે ખતમ થઇ જાય. દૂતાવાસે કહ્યું કે સાઉદી અરબ ઉપર સંડોવણીનો કોઈ પણ આરોપ સ્પષ્ટ રીતે ખોટો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦ વર્ષ પહેલા અમેરિકાના ન્યુ-યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર ઉપર થયેલ આતંકવાદી હુમલામાં લગભગ ૩ હજાર લોકો માર્યા ગયા હતા. આ હુમલો તત્કાલીન અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેને કરાવ્યો હતો. જોકે, ૧૦ વર્ષ બાદ ૨૦૧૧ માં અમેરિકાએ લાદેનને પાકિસ્તાનમાંથી શોધી કાઢીને ઠાર કરી દીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top