ગણેશ વિસર્જન : 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યા!'

ગણેશ વિસર્જન : 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યા!'

09/19/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ગણેશ વિસર્જન : 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યા!'

આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે. અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે. પછી તેને પૂરા આદર સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે અને ત્યારબાદ વિસર્જન કરાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કેમ કરાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. આવો જાણીએ તેના વિશે...


ગણેશ વિસર્જનની પૌરાણિક કથા

ગણેશ વિસર્જનની પૌરાણિક કથા

અનંત ચૌદશના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરી નાખવામાં આવે છે. કારણ કે તેઓ જળ તત્વના અધિપતિ છે. કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે. આ રીતે વેદ વ્યાસજી ભગવાન ગણેશને કથા સંભળાવતા હતાં અને બાપ્પા તે લખતા હતાં. કથા સંભળાવતી વખતે વેદ વ્યાસજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા. તેઓ 10 દિવસ સુધી કથા સંભળાવતા ગયા અને બાપ્પા તેને લખતા ગયાં. પરંતુ જ્યારે દસ દિવસ બાદ વેદ વ્યાસજીએ પોતાના નેત્ર ખોલ્યા તો ગણપતિજીના શરીરનું તાપમાન ખુબ વધી ગયું હતું. વેદ વ્યાસજીએ તેમનું શરીર ઠંડુ કરવા માટે તેમને જળમાં ડુબોડી દીધા જેથી કરીને તેમનું શરીર ઠંડુ પડી ગયું. કહેવાય છે કે ત્યારથી એવી માન્યતા ચાલી રહી છે કે ગણેશજીને શીતળ  કરવા માટે જ ગણેશ વિસર્જન કરાય છે. 


ગણપતિ વિસર્જનનું હાર્દ

ગણપતિ વિસર્જનનું હાર્દ

ગણપતિને આપણે  વાજતે ગાજતે ઘરમાં પધરાવીએ છીએ. અને ભક્તિ ભાવથી પૂજા-અર્ચના કરીએ છીએ. મોદક, પ્રસાદ, લાડુ ધરાવીએ છીએ. અને અનત ચતુર્દશીએ જયારે એ વિદાય લે છે ત્યારે પણ વાજતે ગાજતે વિસર્જન કરવા લઈ જઈએ છીએ. વિદાયના અશ્રુને બદલે 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યા' (ગણપતિ બાપ્પા, આવતા વર્ષે જલ્દી પધારજો) નાં ગગનભેદી નાદથી આવતા વર્ષે પાછા પધારવાનું આમંત્રણ આપીએ છીએ.

ગણપતિ વિસર્જન એ માનવી જીવનનું સત્ય દર્શન છે. જેનું સર્જન છે તેનું વિસર્જન નિશ્ચિત છે. સંસારમાં પ્રત્યેકનો વિયોગ નિશ્ચિત છે. જો વિયોગ નિશ્ચિત હોય, ટાળી શકવાનો ન જ હોય તો પછી હસતે મુખે વિદાય શા માટે ન આપવી? તેની આસક્તિ શા માટે રાખવી? 'જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ:'એ ગીતાવચનને ચરિતાર્થ કરવાનું આ શિક્ષણ છે. તેથી જ તો ગણપતિની મૂર્તિ માટીની છે. આપણો દેહ પણ પંચમહાભૂતની કાચી માટીનો છે. તે નષ્ટ થવાનો જ છે. તો પછી તે નષ્ટ થાય ત્યારે તેની આસક્તિ શા માટે રાખવાની? પંચમહાભૂતનો આ નશ્વર દેહ માટીમાં ભળી જવાનો છે ત્યારે આંસુ ન સારતા તેને હોંશે હોંશે વિદાય આપવી શું યોગ્ય નથી? -'ગણપતિ વિસર્જન' આપણને આ શિક્ષણ આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top