લગ્નો-શાળાઓ પર ફરી પાબંદી લાગશે? કેન્દ્રે રાજ્યોને પત્ર લખીને ઓમિક્રોન બાબતે ચેતવ્યા

લગ્નો-શાળાઓ પર ફરી પાબંદી લાગશે? કેન્દ્રે રાજ્યોને પત્ર લખીને ઓમિક્રોન બાબતે ચેતવ્યા

12/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

લગ્નો-શાળાઓ પર ફરી પાબંદી લાગશે? કેન્દ્રે રાજ્યોને પત્ર લખીને ઓમિક્રોન બાબતે ચેતવ્યા

નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં કહેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. ભારતમાં પણ ધીમે-ધીમે આ વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. દેશના 14 રાજ્યોમાં 224 કેસ સામે આવી ચુક્યા છે. ઓમિક્રોનના સંક્રમણ પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરી રહી છે. 

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સચિવે ઓમિક્રોન વેરિયન્ટને ડેલ્ટાથી વધુ સંક્રામક ગણાવતા ત્વરિત અને યોગ્ય પગલાંઓ લેવા માટે તાકીદ કરી છે.  કેન્દ્રે રાજ્યોને સ્થાનિક અને જિલ્લા સ્તરે તમામ અપડેટ પર નજર રાખી, યોગ્ય એક્શન લેવા માટે સૂચના આપી છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવના પત્રમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો પાસેથી મળેલી માહિતી અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ સંક્રામક છે. એટલું જ નહીં, ભારતના ઘણા ભાગોમાં ડેલ્ટાના કેસ પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે.

કેન્દ્રે તમામ રાજ્યોને ટેસ્ટ અને ચેકિંગ વધારવા ઉપરાંત, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નાઇટ કર્ફ્યુ લાદવા, મોટા મેળાવડા પર પ્રતિબંધ, લગ્ન અને અંતિમ સંસ્કારમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવા જેવા પગલાં લેવા માટે તાકીદ કરી છે. તેમજ જિલ્લા સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા, કન્ટેઈનમેન્ટ ઝોનની મર્યાદા નક્કી કરવા, કેસોની સતત સમીક્ષા કરવા, હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા જેવા જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે. 

કેન્દ્રે કહ્યું છે કે રાજ્યો ટૂંક સમયમાં તેમના વોર રૂમ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સક્રિય કરે અને કેસની સંખ્યાની સમીક્ષા કરે. કેસ ઓછા હોય તોપણ જિલ્લા અને સ્થાનિક સ્તરે એલર્ટ રહેવા અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે. 


આ ઉપરાંત જિલ્લા પ્રશાસને વિદેશથી આવતા પ્રવાસીઓ પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. તમામ રાજ્યોએ બેડ અને એમ્બ્યુલન્સની સંખ્યા વધારવા ઉપરાંત હોસ્પિટલોમાં જરૂરી અન્ય મશીનરી, ઓક્સિજન અને દવાઓનો બફર સ્ટોક વધારવા માટે પણ આદેશ અપાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં સ્પષ્ટપણે કહ્યું કે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને નેશનલ ક્લિનિક મેનેજમેન્ટ પ્રોટોકોલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. હોમ આઇસોલેશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને હોમ આઇસોલેશનમાં રહેતા વ્યક્તિમાંથી અન્ય લોકોમાં ચેપ ન ફેલાય તેની ખાસ કાળજી લેવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top