વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
તાજેતરમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે, આ વિજેતા ટીમના મહત્ત્વના ખેલાડીઓને જે તે રાજ્યની સરકારો સન્માનિત કરી રહી છે. એવી જ રીતે ગુજરાતના વડોદરાના સુરાધા (રાધા) યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સાલ ઓઢાડી રાધા યાદવનું સન્માન કર્યુ છે. સાથે જ મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પણ પાઠવી હતી. આ અવસર પર મહિલા અને બાળકલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જણાવી દઈએ કે, રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. રાધા યાદવને વર્ષ 2018માં પહેલીવાર ભારતીય મહિલા ટીમમાં સ્થાન મળ્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામે રમી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. રાધા યાદવે વન-ડે ક્રિકેટમાં 14 મેચમાં 13 વિકેટ ઝડપી છે. જ્યારે 89 T20 મેચમાં 103 વિકેટ અને 1967 રન ફટકાર્યા છે.
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે (આઠમી નવેમ્બર) રાત્રે તેના હોમટાઉન વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ પરથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ચાહકો અને શહેરના નાગરિકો ઉમટી પડ્યા હતા, જાણે આખું શહેર પોતાની દીકરીના ગૌરવમાં ઝૂમી ઊઠ્યું હોય.
પોતાના ભવ્ય સ્વાગતથી ભાવુક થયેલી રાધા યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, 'એક મહિલા ક્રિકેટર માટે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવી પહોંચશે તે ક્યારેય વિચાર્યું નહોતું. આ ક્ષણ માત્ર મારા માટે જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઊંચાઈ સર કરવા ઈચ્છતી દરેક દીકરી માટે ગર્વની ક્ષણ છે. હવે મહિલા ખેલાડીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ વધશે અને તેઓ ભારત દેશ માટે યોગદાન આપશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp