ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામું!

ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામું!

09/11/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામું!

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધું છે. મુખ્યમંત્રી વિજયભાઈ મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજીનામું આપ્યું હતું. વિજયભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતની જાણકારી આપી છે.

વિજયભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાજ્યપાલને મળીને મેં રાજીનામું સોંપ્યું છે. મારા જેવા સામાન્ય કાર્યકરને તક આપી તે બદલ હું કેન્દ્રીય નેતૃત્વનો આભારી છું. પાર્ટી મને જે આગળ જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.

વિજયભાઈએ કહ્યું, ગુજરાતની વિકાસયાત્રામાં મને જે યોગદાનનો અવસર મળ્યો તે માટે હું નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ગુજરાતના વિકાસની આ યાત્રા નવા ઉત્સાહ અને નેતૃત્વ સાથે આગળ વધવી જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપની આ પરંપરા રહી છે કે સમય સાથે કાર્યકર્તાઓની જવાબદારીઓ બદલાતી રહે છે. જે પાર્ટી તરફથી જવાબદારી આપવામાં આવે છે, કાર્યકર્તા તેનું પાલન કરે છે. હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને પાર્ટી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મને જે જવાબદારી સોંપવામાં આવે, તે હું નિભાવીશ.

શું સંગઠન સાથે કોઈ ટકરાવ છે તેમ પ્રશ્ન કરતા તેમણે કહ્યું કે, સંગઠન અમારા માટે સર્વોપરી છે. સંગઠન સાથે કોઈ ટકરાવ નથી, અમે બધાએ મળીને કામ કર્યું છે અને બધી ચૂંટણીઓ જીતી છે. મેં મારી રાજીખુશીથી રાજીનામુ આપ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપમાં કોઈ પદ નહીં પણ જવાબદારી આપવામાં આવે છે. મને જે જવાબદારી સોંપવામાં આવી, મેં તે નિભાવી છે.

આજે સરદારધામમાં કાર્યક્રમ બાદ જ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ બની હતી. વિજયભાઈ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા તો મંત્રીમંડળના અન્ય મંત્રીઓ નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરેને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ તેમજ પાર્ટીના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં એક બેઠક પણ થઇ હતી. 

આ પહેલા આનંદીબેન પટેલે વર્ષ 2016માં રાજીનામુ ધરી દીધા બાદ ભાજપે તત્કાલીન પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વિજય રૂપાણીની સરકારે હાલમાં જ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. પરંતુ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય કર્યો છે. જોકે, હવે પ્રશ્ન એ છે કે આગામી સીએમ કોણ બનશે. આ માટે અનેક નામો ચર્ચામાં છે. ટૂંક સમયમાં પાર્ટી નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top