ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે રાહુલ ગાંધીએ મૂકી હતી આ શરત, આખરે બે નામો નક્કી થયા

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે રાહુલ ગાંધીએ મૂકી હતી આ શરત, આખરે બે નામો નક્કી થયા

12/03/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે રાહુલ ગાંધીએ મૂકી હતી  આ શરત, આખરે બે નામો નક્કી થયા

ગાંધીનગર: આખરે ગુજરાત કોંગ્રેસને નવું નેતૃત્વ મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં ફેરફારની કવાયત હાથ ધરાઈ હતી પરંતુ કોઈકને કોઈક કારણોસર નિર્ણય પાછળ ઠેલાતો રહ્યો હતો. આખરે ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્વયં પાર્ટી નેતાઓ સાથે બેઠક કરીને બે નામો ઉપર અંતિમ મહોર મારી હતી. 

અહેવાલો અનુસાર, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નામો નક્કી થયા છે. જે મુજબ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર હશે જ્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. બંને નામો નક્કી છે અને આજે પાર્ટી તરફથી ઔપચારિક જાહેરાત પણ કરી દેવામાં આવશે. 


ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી પહેલા રાહુલ ગાંધીએ શરત મૂકી હતી કે અધ્યક્ષ આગામી વિધાનસભા ચૂંટણી લડશે નહીં. તેથી તે પણ એક કારણ હોય શકે કે મોટાભાગના વરિષ્ઠ નેતાઓ રેસમાંથી બહાર નીકળી ગયા હતા. આખરે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાએ સહમતિ દર્શાવ્યા બાદ તેમની પસંદગી કરવામાં આવી હતી. 

ગઈકાલે આ બંને નેતાઓ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠક યોજી હતી. આ બેઠક બાદ બંનેના નામો નક્કી કરવામાં આવ્યા હતા. આજે આ બંને નેતાઓ ગુજરાત આવશે, જ્યાં પાર્ટી કાર્યકરો અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાશે. 

આજે સાંજે ચાર વાગ્યે વિધાનસભા હોલમાં ધારાસભ્યોની બેઠક મળશે અને ત્યાં જ નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની અધિકારીક જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત વધુ ત્રણ કાર્યકારી પ્રમુખો પણ નીમવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.


છેલ્લા બે-અઢી મહિનાથી નવા નેતૃત્વ માટેની કવાયત શરૂ થઇ હતી

ઉલ્લેખનીય છે કે પહેલા વિધાનસભાની પેટાચૂંટણીની આઠ બેઠકો અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીના નબળા પ્રદર્શન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા ધરી દીધા હતા. જોકે, બબ્બેવાર રાજીનામાં આપ્યા છતાં પાર્ટી હાઈકમાન્ડે એ સ્વીકાર્યા ન હતા. 

ત્યારબાદ છેલ્લા બે-અઢી મહિનાથી પાર્ટીના નવા નેતૃત્વની પસંદગી માટે કવાયત મંડાઈ હતી અને હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો હતો. સૌથી પહેલા હાર્દિક પટેલને જ સુકાન સોંપવાની વાતો ચાલી હતી પરંતુ વરિષ્ઠ નેતાઓના વિરોધ બાદ તેમનું નામ પડતું મૂકાયું હતું. 

આ ઉપરાંત, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામો પણ રેસમાં હતા પરંતુ તેમના નામોની પણ પસંદગી થઇ ન હતી. છેલ્લી ઘડીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નામ પણ ચાલ્યું હતું. આખરે પાર્ટીએ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા પર પસંદગી ઉતારી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top