સરકાર રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ નહીં કરે : નાણામંત્રીની સ્પષ્ટતા

સરકાર રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ નહીં કરે : નાણામંત્રીની સ્પષ્ટતા

01/07/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સરકાર રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ નહીં કરે : નાણામંત્રીની સ્પષ્ટતા

ગુજરાત ડેસ્ક: કોરોનાનાં કેસમાં અચાનક આવેલો ઉછાળો જોઇને હમણાં સુધી રેલીઓમાં મહાલતા નેતાઓ અચાનક જાગ્યા છે અને સરકારે એક પછી એક નિર્ણયો ફટાફટ લેવા માંડ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, ફ્લાવર શો રદ કર્યા બાદ આજે મુખ્યમંત્રીએ પોતાના પણ તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. બીજી તરફ, આજે રાજ્યમાં લાગુ ગાઈડલાઈનનાં અમલનો પણ અંતિમ દિવસ છે. સાંજ સુધીમાં સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે.

સરકાર ગાઈડલાઈન જાહેર કરે તે પહેલા લોકોમાં ઉત્સુકતા છે તો બીજી તરફ ભયનો પણ માહોલ છે. જોકે, સરકારનાં નાણા મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, સરકાર પૂર્ણ કે આંશિક લોકડાઉન લાગુ કરવા જઈ રહી નથી.


તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે રીતે રસીકરણ થયું છે તેને જોતા સરકારનો આંશિક લોકડાઉનનો કોઈ વિચાર નથી. એક વખત શહેરના 70% નાગરિકોને બંને ડોઝનું રસીકરણ થઈ જાય તો લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જાય છે. પરંતુ સંક્રમણ આગળ વધશે તેના હિસાબે નિર્ણય કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલ જે કેસો સામે આવી રહ્યા છે તેમાં મૃત્યુ દર ઘણો ઓછો છે અને રિકવરી જલ્દી થાય છે. કોરોનાના કેસને લઈને હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. ઉપરાંત, દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડે છે. પેનિક ન કરીએ અને જે ગાઈડલાઈન છે તેનું પાલન કરીએ.


'બાળકોના શિક્ષણ મામલે શિક્ષણમંત્રી અને મંત્રાલય વિચાર કરી રહ્યા છે'

બાળકોમાં જોવા મળેલ કોરોના સંક્રમણ અને શાળાઓ ઓનલાઈન કરવા મામલે તેમણે કહ્યું હતું કે, આ મામલે શિક્ષણ મંત્રી અને શિક્ષણ મંત્રાલય વિચાર કરી રહ્યા છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા લાગુ રાત્રિ કર્ફ્યુ સહિતની ગાઈડલાઈનની મુદત આજે પૂર્ણ થાય છે. જેથી આજે સાંજે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધી શકે છે તો બીજી તરફ લારી-ગલ્લા અને શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ મામલે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. બાળકોના ઓફલાઈન શિક્ષણ મુદ્દે પણ સરકાર વિચાર કરી રહી છે. તે અંગે પણ અગત્યની જાહેરાત આજે શક્ય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top