FDTL નિયમો લાગૂ કરવામાં મુશ્કેલી, એર ટ્રાફિક... IndiGoએ સંકટ માટે કયા-કયા કારણો આપ્યા?
દેશની સૌથી મોટી એરલાઇન IndiGoએ સોમવારે DGCAની કારણદર્શક નોટિસનો જવાબ આપ્યો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને સાંજે 6:01 વાગ્યે સુપરત કરાયેલા આ જવાબમાં IndiGoના CEO પીટર એલ્બર્સ અને COO ઇસિડ્રો પોર્કેરાસના હસ્તાક્ષર છે. IndiGoએ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ઊંડો ખેદ વ્યક્ત કરતા માફી માંગી છે. એરલાઇને કહ્યું કે, અત્યારે આટલી મોટી ગરબડીનું સચોટ કારણ’ જણાવવાનું શક્ય નથી. સંપૂર્ણ તપાસમાં સમય લાગશે અને DGCA ના નિયમો 15 દિવસની સમયમર્યાદા આપે છે. IndiGoએ ખાતરી આપી હતી કે તે DGCAને સંપૂર્ણ સહકાર આપશે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન નિર્માણ થાય તે માટે જરૂરી પગલાં લેશે.
નાના ટેકનિકલ મુદ્દાઓ
શિયાળાના સમયપત્રકમાં ફેરફારની અસર
ખરાબ હવામાન
એર ટ્રાફિકમાં વધારો
FDTL ફેઝ-II એટલે કે નવા ક્રૂ રોસ્ટર નિયમોની અસર.
IndiGoએ કહ્યું હતું કે, FDTL નિયમો લાગૂ કરવામાં મુશ્કેલીઓ હતી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી છૂટ માંગી રહ્યા હતા. આ પરિબળોના સંયોજનથી ડિસેમ્બરની શરૂઆતમાં સમયસર કામગીરીમાં ઘટાડો થયો, જેના કારણે ક્રૂની ઉપલબ્ધતા પર અસર પડી. એરલાઇને જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરે IndiGoએ કડક પગલાં લીધાં, ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા અને એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરી.
કંપનીએ જણાવ્યું કે, આ ક્રૂ અને વિમાનને પુનઃસ્થાપિત કરવા માટે હતું. 6 ડિસેમ્બરે ફ્લાઇટ સેવાઓ ધીમે-ધીમે સામાન્ય થઈ ગઈ. IndiGoનો દાવો છે કે સમયસર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખોરાક, હોટેલ અને પરિવહન પૂરું પાડવામાં આવ્યું હતું, અને મોટાભાગના મુસાફરોને રિફંડ પણ કરવામાં આવ્યા હતા. DGCA હાલમાં જવાબનો અભ્યાસ કરી રહ્યું છે. નિયમો હેઠળ કોઈપણ જરૂરી કાર્યવાહી પછીથી કરવામાં આવશે. છેલ્લા 7 દિવસમાં IndiGoએ 3,900થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી અને હજારો ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી, જેના કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp