Budget 2022 : વાંચો ભારતીય બજેટ અંગેની જાણી-અજાણી વાતો અને ઇતિહાસ

Budget 2022 : વાંચો ભારતીય બજેટ અંગેની જાણી-અજાણી વાતો અને ઇતિહાસ

01/31/2022 Specials

SidhiKhabar

SidhiKhabar

Budget 2022 : વાંચો ભારતીય બજેટ અંગેની જાણી-અજાણી વાતો અને ઇતિહાસ

દર વર્ષે લોકસભામાં સરકાર દ્વારા રજૂ થતા બજેટ પર સામાન્ય માણસોથી લઈને અર્થશાસ્ત્રીઓ સુધી સૌની નજર રહે છે. બજેટ રજૂ કરવા માટે સંસદમાં એક વિશેષ સત્ર મળે છે, જેને બજેટ સત્ર કહેવાય છે. ભારતીય બજેટનો ઇતિહાસ દોઢસો વર્ષ જૂનો છે. આવતીકાલે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તે વિશેની જ કેટલીક જાણી-અજાણી વાતો પર નજર કરીએ. 

-ભારતનું પહેલું બજેટ સ્વતંત્રતા બાદ નહીં પણ તેના પણ લગભગ નેવું વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. 7 એપ્રિલ, 1860 ના દિવસે પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યારના અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. તે સમયે બ્રિટીશ સરકાર આર્થિક સંકટમાં ડૂબેલી હતી. આ બજેટની મદદથી તત્કાલીન સરકારને ઘણી મદદ મળી હતી. 


સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ પહેલા નાણામંત્રી આર. શન્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947 ના દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ કર્યું હતું. જોકે, તે પૂર્ણ બજેટ ન હતું. અંગ્રેજોના સમયથી બજેટ રજૂ કરવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો રહેતો હતો. તે પાછળનું કારણ એ હતું કે આખી રાત બજેટ તૈયાર કરનારા અધિકારીઓને આરામ મળી શકે. ૧૯૨૪ માં સર બેસિલ બ્લેકેટે આ પરંપરા શરૂ કરી હતી. 2001 માં અટલ બિહારી સરકારે સમય બદલ્યો ત્યારથી બજેટ બપોરે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે.

વર્ષ 1955 સુધી ભારતનું બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં જ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ વર્ષ 1956 થી સરકારે તેને હિન્દીમાં પણ પ્રકાશિત કરવાની શરૂઆત કરી હતી. 

દેશના ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે નોંધાયેલો છે. તેમણે દસ વખત બજેટ રજૂ કર્યું હતું. જેમાં બે વચગાળાના બજેટ સામેલ છે. તેમણે 1964 અને 1968 એમ બે વખત પોતાના જન્મદિન 29 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. મોરારજી દેસાઈ બાદ પી ચિદમ્બરમે સર્વાધિક 8 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રણવ મુખર્જી, યશવંત સિન્હા, વાય્બી ચૌહાણ અને સીડી દેશમુખે સાત-સાત વખત બજેટ રજૂ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ, યશવંત સિન્હા અને અરૂણ જેટલી સતત પાંચ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે.


વર્ષ ૨૦૧૭ સુધી રેલ બજેટને પૂર્ણ બજેટમાં સામેલ કરવામાં આવતું ન હતું. એટલે કે ત્યાં સુધી દર વર્ષે રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું. મોદી સરકારે 2017 માં રેલ બજેટ પૂર્ણ બજેટમાં સામેલ કરી દીધું હતું, ત્યારથી એક જ બજેટ રજૂ કરવામાં આવે છે. 2017 માં અન્ય એક પરંપરા તૂટી હતી. અરૂણ જેટલીએ 2017 માં બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યા બાદ દર વર્ષે એક ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવામાં આવે છે. 

વર્ષ 2019 માં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સિતારમને બ્રિટીશકાળથી ચાલતી આવતી પરંપરાને ખત્મ કરીને બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના કવરવાળી ફાઈલ- વહીખાતામાં દસ્તાવેજ લઈને સંસદ ભવન પહોંચ્યા હતા. તે પહેલા નાણામંત્રી બજેટ સબંધિત દસ્તાવેજો એક બ્રિફકેસમાં લઈને પહોંચતા. બજેટ રજૂ કરતા પહેલા હલવો બનાવવાની પરંપરા રહી છે. જોકે, આ વર્ષે કોરોનાના કારણે એ પરંપરા પણ તૂટી ગઈ હતી. 


ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર બે જ મહિલાઓએ બજેટ રજૂ કર્યું છે. જેમાં ઇન્દીરા ગાંધી અને નિર્મલા સિતારમનનો સમાવેશ થાય છે. ઇન્દીરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમની પાસે નાણા મંત્રાલયનો કારભાર પણ રહેતો જેથી તેમણે બજેટ રજૂ કર્યું હતું. તે સિવાય જવાહરલાલ નહેરુએ પણ વડાપ્રધાન પદ પર રહીને બજેટ રજૂ કર્યું હતું.

ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નિર્મલા સિતારમનના નામે છે. તેમણે 2020-21 નું બજેટ રજૂ કરતા 2 કલાક 42 મિનિટનું ભાષણ આપ્યું હતું. જ્યારે બજેટ ભાષણમાં સર્વાધિક શબ્દનો રેકોર્ડ ડૉ. મનમોહનસિંહના નામે બોલે છે. તેમના બજેટમાં 18,650 શબ્દો હતા, જયારે બીજું સ્થાન 16,604 શબ્દો સાથે અરૂણ જેટલીનું આવે છે. સૌથી નાનું ભાષણ 1977 માં તત્કાલીન વિત્તમંત્રી હીરૂભાઈ પટેલે આપ્યું હતું, જેમાં માત્ર 800 શબ્દો હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top