ઊંચા આશાવાદ સાથે બજાર નવી ઊંચાઈએ, પડો એ પહેલાં નીકળી જજો

ઊંચા આશાવાદ સાથે બજાર નવી ઊંચાઈએ, પડો એ પહેલાં નીકળી જજો

12/21/2020 Business

જયેશ ચિતલીયા
માર્કેટ ટ્રેન્ડ
જયેશ ચિતલીયા
ફાયનાન્સીયલ એક્સપર્ટ

ઊંચા આશાવાદ સાથે બજાર નવી ઊંચાઈએ, પડો એ પહેલાં નીકળી જજો

શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેકસ સતત નવી ઊંચી સપાટી બનાવતા રહયા છે. વિદેશી રોકાણકારો એકધારી નેટ ખરીદી કરી રહયા છે. અમુક દેશોમાં વેકિસનનો અમલ શરુ થઈ ચુકયો છે, ભારતમાં પણ તૈયારી પુરજોશમાં છે.યુએસમાં નવા રાહત પેકેજની જાહેરાત ટુંકસમયમાંથવાની આશા છે. આર્થિક રિકવરીનાં સંકેત પણ સતત બહાર આવી રહયા છે. ભારતીય ઈકોનોમી અને માર્કેટ માટે ઊંચા આશાવાદ ચારેકોરથી વ્યકત થઈ રહયા છે.

ગયા સોમવારની શરૂઆત કંઈક કરેકશનના ટોનથી જ થઈ હતી. જોકે તેજીનો ટ્રેન્ડ ચાલુ રહયો હતો. દિવસ દરમ્યાન વધઘટ કરતું બજાર અંતમાં ઊંચું જ બંધ રહયું હતું. સેન્સેકસ ૧૫૪ પોઈન્ટ વધીને ૪૬,૨૫૩ અને નિફટી ૪૪ પોઈન્ટ વધીને ૧૩,૫૫૮ બંધ રહયો હતો. સોમવારે બર્ગર કિંગના શેરનું લિસ્ટીંગ ૧૩૦ ટકા ઊંચા ભાવે થયું હતું. આને પગલે આઈપીઓની માર્કેટને વધુ ઉત્તેજન મળવાની આશા રાખી શકાય. ગયા શુક્રવારે વડાપ્રધાને ફિકકીની સભામાં ઈકોનોમીક રિકવરી માટે જબ્બર આશાવાદ વ્યકત કર્યો હતો અને તે માટેના કારણ પણ પધ્ધતિસર આપ્યા હતા. આર્થિક સુધારા ચાલુ રહેવાના સંકેત સરકાર સતત આપતી રહી છે, એટલું જ નહીં, તે દિશામાં આગળ પણ વધતી રહી છે.

અમેરિકામાં વેકિસન આપવાની શરૂઆત થવાના સમાચારે વિદેશી બજારોમાં તેજીનો ટ્રેન્ડ હતો, જેની અસર રૂપે ભારતીય માર્કેટ પણ શરૂમાં ઘટયા બાદ પચાસ ટકા  રિકવર થયું હતું. મંગળવારે ફરી માર્કેટનો આરંભ નેગેટિવ થયો હતો અને સેન્સેકસ 300 પોઈન્ટ જેટલું કરેકશન પામ્યો હતો. બજારમાં  પ્રોફિટ બુકિંગનું ચલણ શરૂ થયું હોવાનું જણાતું હતું. મંગળવારે સતત સાધારણ વધઘટ બાદ અંતમાં 9 પોઈન્ટ જેવું નજીવું તો નજીવું પણ માર્કેટ પ્લસમાં બંધ રહયુંહતુ. જાણે માર્કેટને પોઝીટિવ રહેવા સિવાય ફાવતું ન હોય એવું લાગે છે.

યુએસ પેકેજની આશાએ ઉછાળો

બુધવારે માર્કેટે વધુ સકારત્મકતા સાથે શરૂઆત કરી તરત જ અઢીસો પોઈન્ટની સપાટી વટાવી દીધી હતી. એ પછી માર્કેટ વધઘટ કરતું રહી અચાનક જ ઉછળીને આગળ વધ્યું હતું. દિવસના અંતે સેન્સેકસ ૪૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬,૬૬૬ અને નિફટી ૧૧૪ પોઈન્ટ ઉછળીને ૧૩૬૮૨ બંધ રહયા હતા. બુધવારના માર્કેટના ઉછાળાનું કારણ યુએસમાં ટુંકમાં જ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાના નકકર સંકેતને પગલે ત્યાંની બજારમાં ઉછાળો આવ્યો હતો, જેની અસર રૂપે ભારતીય બજારે  પણ અચાનક જ મોટો કુદકો માર્યો હતો. બુધવારે એફઆઈઆઈએ 1981 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. આમ બજારને હાલ તેજીના ટ્રેન્ડને ચાલુ રાખવાના સતત એક યા બીજા કારણ મળી જાય છે. પરિણામે માર્કેટને કરેકશન પચતું નહી હોવાનું પ્રતિત થાય છે.

સેન્સેકસ ૪૭ હજાર નજીક

ગુરુવારે પણ બજારનો આરંભ પોઝિટિવ જ થઈને સમગ્ર ટ્રેડિંગ સમય દરમ્યાન તેજીનું વલણ રહયું હતું. સેન્સેકસ ૨૨૪ પોઈન્ટ વધીને ૪૭ હજારની નજીક પહોંચી ગયો હતો, જયારે કે નિફટીએ ૫૮ પોઈન્ટ સુધરીને ૧૩,૭૦૦ ઉપરનું મહત્વનું લેવલ બનાવ્યું હતું. આમ ગુરુવારે વધુ એકવાર નવું હાઈ લેવલ બન્યું હતું. એચડીએફસી અને એચડીએફસી બેંક સતત લાઈમલાઈટમાં રહી હતી. આ સાથે સ્મોલ અને મિડકેપ સ્ટોકસ પણ ઊંચે જવાનો તાલ ચાલુ રહયો હતો. બર્ગર કિંગ્સ માત્ર ચાર દિવસમાં ૨૬૫ ટકા વધી ગયો હતો, જેમાં રોકાણ કરનાર ચાર દિવસમાં જ અઢળક કમાણીનો લાભ મેળવી શકયા હતા.


હવે તો પ્રોફિટ બુક કરો

હવે તો પ્રોફિટ બુક કરો

શુક્રવારે માર્કેટ સતત નાની-નાની વધઘટ કરતું રહયું હતું. એકંદરે બજાર ફલેટ રહયું હતું. નવા કારણોના અભાવે બજાર વધવા કે ઘટવા બાબતે મુંઝવણમાં હોવાનું લાગતું હતું. અલબત્ત, છઠ્ઠા દિવસે માર્કેટ પોઝિટીવ જ બંધ રહયું હતું. સેન્સેકસ ૭૦ પોઈન્ટ પ્લસ થઈને ૪૬,૯૬૦ બંધ રહયો અને નિફટી ૨૦ પોઈન્ટ પ્લસ સાથે ૧૩,૭૬૦ બંધ રહયો હતો. મજાની વાત એ છે કે હવે માર્કેટ જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ નવી ઊંચાઈ બનાવતું જાય છે. ઉપરથી માર્કેટને પ્રવાહિતાના સપોર્ટ સાથે આર્થિક રિકવરીનો સપોર્ટ પણ મળતો જાય છે. જો કે આમ છતાં રિપીટ વેલ્યૂ સાથે કહેવાનું મન થાય છે કે પ્રોફીટ બુક કરવાની તક ચુકવા જેવી નથી, કમ સે કમ આંશિક પ્રોફીટ પણ લઈ લેવા જેવો છે. કારણ કે કડાકો કે કરેકશન આવશે ત્યારે સંભવત એકધારો જ આવી શકે એમ છે. અલબત્ત, એ સમયે સિલેકટિવ બની ખરીદી ચોકકસ કરી શકાય.

શેરબજારને હવે કરેકશનની આવશ્યકતા હોવાની ચર્ચા  આપણે અહીં  સતત કરી રહયા છીએ. માર્કેટ પાસે તેજીના પરિબળ-કારણ ઉપલબ્ધ છે એ વાત સાચી, કિંતુ આ કારણો પણ હવે કરેકશન માગે છે. માર્કેટની તંદુરસ્તી માટે કરેકશન અનિવાર્ય છે. આમ તો હાલના દિવસોમાં આઇટી, ફાર્મા, બેંક, ફાઈનાન્સીયલ સ્ટોકસ, ઓટો, મેટલ્સ, વગેરેમાં વધઘટનો ટ્રેન્ડ ચાાલી રહયો છે. બજેટ બાદ નવા પરિબળો ઉમેરાશે અને પરિવર્તન પણ થશે.

ઈકોનોમી માટે સારા સમાચાર-સંકેત

 ભારતીય ફાઈનાન્સીયલ માર્કેટ અને ઈકોનોમી માટે એક સારા સમાચાર એ છે કે ટોચની ભારતીય કંપનીઓના વડા માને છે કે અર્થતંત્રની રિકવરી 2021માં વધુ ઝડપથી થશે. 2020ના અંતમાં જે મુજબ માગ નીકળી છે તેને ધ્યાનમાં રાખતા 2021 વધુ દમદાર બનવાની આશા ઊંચી છે.  આ કંપનીઓના સીઈઓના કરવામાં આવેલા સર્વેક્ષણમાં વ્યકત થયેલા મત અનુસાર 2021માં 7 થી 10 ટકાની રેન્જમાં ગ્રોથ રેટ હાંસલ થઈ શકશે. વેકિસનના અમલ બાદ આર્થિક ગતિવિધીને વેગ સાથે બળ પણ મળશે. મોટાભાગના સેકટરમાં આ સંકેત દેખાવાના શરૂ થઈ ગયા છે.


ગ્લોબલ સંસ્થાઓના સકારાત્મક અંદાજ

ગ્લોબલ સંસ્થાઓના સકારાત્મક અંદાજ

અર્થતંત્ર અને બજાર માટે વધુ એક સારા સંકેત એ છે કે ગ્લોબલ રેટિંગ એજન્સી એસ એન્ડ પી એ ભારતના જીડીપી દરમાં સુધારાની ધારણા દર્શાવી છે. આ કવાર્ટરમાં જીડીપી દર માઈનસ 9 ટકાને બદલે સુધારા સાથે માઈનસ 7.7 ટકા રહેશે એમ તેનો અભ્યાસ કહે છે. ભારતીય ઈકોનોમી બહુ ઝડપથી રિકવર થઈ રહી છે અને થશે એમ જણાવતા વધતી ડિમાંડ અને ઈન્ફેકશનના ઘટતા કેસ મુખ્ય પોઝિટિવ પરિબળ બની રહયા છે.  આ ઉપરાંત જપાનીસ રિસર્ચ કંપની અને અગ્રણી ફાઈનાન્સીયલ સંસ્થા નોમુરાએ ભારતીય અર્થંતંત્ર માટે જબરદસ્ત ઊચા ગ્રોથનો અભિપ્રાય દર્શાવ્યો છે. તેની દ્રષ્ટિએ ભારત સૌથી ઝડપી ગતિએ વિકાસ તરફ આગળ વધશે. ગ્લોબલ નાણાં સંસ્થા જેપી મોર્ગનના અભ્યાસ મુજબ ભારતીય માર્કેટમાં ભાવ ઊંચા જવા માટે હજી સ્કોપ છે. આમ તો આર્થિક રિકવરી હજી ઝડપથી રિકવર થશે, કિંતુ લોકોનો વિશ્વાસ અને વેતન-કમાણી  એટલી મજબુત બની નથી, જો કે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં નિફટી ૧૫,૦૦૦ સુધી જઈ શકે છે.

તાજેતરનાં બીજા એક સારા સમાચાર પ્રમાણે   સિંગાપોરનું નામાંકિત સોવરેન વેલ્થ ફંડ જીઆઈસી ભારતમાં આગામી છ મહિના બાદ  અંદાજિત ત્રણ અબજ ડોલરનું નવું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. આ ફંડ સંપૂર્ણપણે ભારતીય ઈકિવટી ફોકસ્ડ ફંડ હશે. જીઆઈસી વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું ફંડ છે. જે ભારતમાં 2011 થી કાર્યરત છે.

સરકારને સમયની જર઼ુરીયાત મુજબ નાણાં ભંડોળ મળી રહે એ માટે કેબિનેટે સ્પેકટ્રમ ઓકશનને મંજુરી આપી દીધી છે, વધુમાં કેબિનેટે સુગર એકસપોર્ટ સબસિડી અર્થે ૩૫૦૦ કરોડ ર઼ુપિયાની ફાળવણી મંજુર કરી છે.

એફઆઇઆઇની સતત નેટ ખરીદી

એક રસપ્રદ આંકડા કહે છે, અત્યારની તેજીમાં વિદેશી રોકાણકારોનો સિંહફાળો રહયો છે અને આ ફાળો ભારતીય અર્થંતંત્ર પ્રત્યેના ઊંચા આશાવાદને કારણે જ હોવાનું સાબિત કરવાની જરૂર નથી, આ જાહેર સત્ય છે. વિદેશી રોકાણકારોએ મે 2020 થી ડિસેમ્બર મધ્ય સુધીમાં ભારતીય ઈકિવટીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ નેટ રોકાણ કર્યુ છે. ડિસેમ્બરની 7 થી 11 તારીખમાં તેમણે રોજના ધોરણે 3500 થી 4000 કરોડ રૂપિયાથી વધુ નેટ ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે.

ગ્લોબલ ડેવલપમેન્ટ પર નજર

આગામી દિવસોમાં બજારની ચાલ યુએસ સ્ટીમ્યુલસ પેકેજ તેમ જ બ્રેકિઝટ અંગેના ગ્લોબલ ડેવલપમેન્ટ પર આધાર રાખશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી કરાતા ફોરેન ઈન્વેસ્ટરો ભારતીય સમાન ઈમરજિંગ માર્કેટમાં વધુ રોકાણ કરવા પ્રેરાશે.  અલબત્ત, હાલ માર્કેટ માટે કોઈ નેગેટિવ પરિબળ નજર પડતું નથી, કિંતુ સમય અનુસાર એલર્ટ રહેવામાં સાર રહેશે. આ ઉપરાંત પ્રોફિટ બુકિંગની ઊંચી શકયતા છે, જે નિમિત્તે કરેકશન આવી શકે. અલબત્ત, સમય-સંજોગ મુજબ  પ્રોફીટ બુકિંગ કરવું જરુરી પણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top