૨૦૨૦ માં સેન્સેકસ ૨૧ હજાર પોઈન્ટ વધ્યોઃ ૨૦૨૧માં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે

૨૦૨૦ માં સેન્સેકસ ૨૧ હજાર પોઈન્ટ વધ્યોઃ ૨૦૨૧માં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે

01/04/2021 Business

જયેશ ચિતલીયા
માર્કેટ ટ્રેન્ડ
જયેશ ચિતલીયા
ફાયનાન્સીયલ એક્સપર્ટ

૨૦૨૦ માં સેન્સેકસ ૨૧ હજાર પોઈન્ટ વધ્યોઃ ૨૦૨૧માં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે

શેરબજારનું વિતેલું વરસ અદભુત રહયું કહી શકાય. અર્થતંત્રની અવદશા વચ્ચે માત્ર એક વરસથી પણ ઓછાં સમયમાં બજાર આટલું બધું (૨૧ હજાર પોઈન્ટ જેટલું)  વધ્યું હોવાની પહેલી ઘટના છે. ૨૦૨૧ નો પ્રથમ દિવસ તેજીના ટોન સાથે શરુ થયો, પરંતુ ૨૦૨૦ના અનુભવને આધારે નવા વરસ ૨૦૨૧માં શું બની શકે અને રોકાણકારોએ શું યાદ રાખવું સમજી લેવામાં સાર

------

2020 નું વરસ શેરબજાર માટે કેવું રહયું એ ચર્ચાની જરૂર રહી નથી એટલું  સ્પષ્ટ છે, પણ હવે 2021માં શું થશે એ સવાલ મહત્ત્વનો છે, રોકાણકાર વર્ગ અને ટ્રેડર વર્ગ આ વિશે ખાસ વિચારે છે. સેન્ટીમેન્ટ તો બુલિશ છે, આર્થિક રિકવરીની આશા ઊંચી છે. વિદેશી રોકાણના પ્રવાહની ધારણા પણ આશાસ્પદ છે.સરકાર તરફથી આર્થિક સુધારાના પગલાંનું જોર વધે એવી શકયતા નકકર બની છે. તેથી ઈન્વેસ્ટરોને શંકા કરતા આશા વધુ છે. જોકે શેરબજારની ચાલની આગાહી થઈ શકે નહીં, માત્ર ધારણા બાંધી શકાય, જે સાચી પડે યા ખોટી પણ પડે. જેથી નવા વરસના આરંભે આ વખતે આપણે શેરબજારમાં  સોદા-રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કાયમી સાત સાદી વાતને સમજી લઈએ. આ નવા વરસે જો ઈન્વેસ્ટર તરીકે  નવા સંકલ્પ  લેવાના હો તો આ વિતેલા વરસની સાત વાત સમજી  લેશો.


સ્ટોક માર્કેટના સ્પેશ્યલ સેવન

સ્ટોક માર્કેટના સ્પેશ્યલ સેવન

પહેલી વાત, સદીમાં એકવાર આવે એવી કારમી-નકારાત્મક ઘટનામાં પણ સંયમ પાળીને રોકાણને જાળવી રાખીએ, તેનું યોગ્ય આયોજન કરીએ, પેનિકમાં ન આવી જઈએ તો એક જ વરસની અંદર બજાર આપણને નવા-વધુ સારા પરિણામ આપી શકે છે. અલબત્ત, આ માટે આપણું ફાઈનાન્સીયલ પ્લાનિંગ બરાબર હોવું અનિવાર્ય ગણાય.

બીજી વાત, આ આર્થિક આયોજન એટલે આપણી મુળભુત જરૂરીયાતનું આયોજન. જેમ કે આપણે કટોકટીના સંજોગો માટે ઈમરજન્સી ફંડ જાળવી –જમા રાખ્યું હોય, મિનિમમ છ મહિના માટે. આ સાથે આપણે મેડિકલેઈમ પોલીસી યોગ્ય રકમની જાળવી રાખી હોય, આપણે નોકરી જાય કે નોકરીમાં પગાર કાપ આવે તો બીજા વૈકલ્પિક કામ કરી શકીએ એવી આર્ટ આપણામાં વિકસાવી રાખી હોય. આપણે લાઈફ સ્ટાઈલને કરકસર અને બચતલક્ષી બનાવી રાખવા ઉપરાંત ખોટા ખર્ચ અને જવાબદારીમાંથી મુકત રાખી હોય. આવા સમયમાં  હાઉસવાઈફ પણ એવા ઘણા કામ કરી શકે યા વિકસાવી શકે જે બુરાં સમયને કંઈક અંશે હળવા બનાવી શકે. આ સમય (બુરો સમય) પણ નીકળી જશે એવું મનોબળ જાળવી રાખવાની ક્ષમતા પણ કેળવવી પડે.

ત્રીજી વાત, માર્ચમાં કોરોનાની અસરનો આરંભ થતા બજાર કેવું તુટી ગયું હતું અને કેવા સ્તરે નીચે ગયું હતું એ બધાંને યાદ હશે, જેમને યાદ ન હોય તો આ જોઈ લો. સેન્સેકસ અને નિફટી એ સમયે અનુક્રમે ૨૫૯૦૦ અને ૭૬૦૦ આસપાસ હતા, જે ૩૧ ડિસેમ્બરના અંતે ૪૭૭૦૦ અને ૧૩૯૦૦ આસપાસ પહોંચી ગયા હતા.  આમ માત્ર નવ જ મહિનામાં કેટલો વધારો થયો તે આંખ સામે છે. માર્ચના  સમયમાં જયારે બધાં ગભરાટમાં હતા ત્યારે જેમણે ખરીદવાની હિંમત કરીને સારા સ્ટોકસ જમા કરવાનું શરૂ કર્યુ તેમને પૂછો આ માત્ર આઠ-નવ મહિનામાં જ  (એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં) કેટલી મુડી વૃધ્ધિ મેળવી લીધી હતી. જેઓ પાંચ વરસે માંડ કમાય તેટલી કમાણી માત્ર  આઠેક મહિનામાં  કરી લીધી હતી.    


ચોથી વાત, શેરબજારમાં સાચો શેર સિલેકટ કરવો પડે છે, લાંબો સમય આપવો પડે છે, વૈવિધ્યકરણ રાખવું પડે છે. એક સાથે રોકાણ કરવાને બદલે ધીમે-ધીમે ઘટતી બજારમાં સ્ટોકસ જમા કરતા રહેવું પડે છે. સટ્ટા કરતા રોકાણનો માર્ગ બહેતર બને છે. સટ્ટો કરવામાં ખોટું નથી, પરંતુ એ જોખમ લેવાની ક્ષમતા હોય તો જ કરાય. ગ્લોબલ ઘટનાઓ પર નજર રાખવી પડે, કિંતુ લોંગ ટર્મ ઈન્વેસ્ટરોએ તેનાથી પેનિકમાં આવી જવાનું ટાળવું જોઈએ. વધઘટ અથવા ઉથલપાથલ કે પછી વોલેટિલિટી એ બજારની પ્રકૃતિ-સ્વભાવ છે, તેનાથી ગભરાઈ કે અંજાઈ જવાને બદલે તેનો લાભ લેતા શીખવું પડે છે. 

પાંચમી વાત, શેરબજાર હોય કે જીવન નથિંગ ઈઝ પરમેનન્ટ (કાયમ કંઈ રહેતું નથી). લગભગ દર પાંચ વરસે એક જોરદાર તેજી આવે છે અથવા એક મંદી આવે છે. તમારી બજારમાં એન્ટ્રી અને એકિઝટ કયારે થવી બહેતર  એ તમારે સમજીને નકકી કરવું પડે. આ માટે સમય-સંજોગ અને શેરબજારના ટ્રેન્ડનો અભ્યાસ પણ કરવો પડે અથવા યોગ્ય સલાહ મેળવવી જોઈએ. બાકી ટિપ્સ કલ્ચરથી દુર રહેવાનો વિવેક પણ જાળવવો પડે.

છઠઠી વાત, શેરબજાર માફક ન આવતું હોય, સમજાતું ન હોય, જોખમ લેવાની તૈયારી કે ઈચ્છા ન હોય તો આ માર્કેટનો લાભ લેવાનો બીજો માર્ગ છે, મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ પાસે અઠળક વેરાયટી છે, વિકલ્પો -સાધનો છે, જે નાનાથી માંડી હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને પણ વિભિન્ન તક આપે છે. યોગ્ય સલાહકાર મારફત આ માર્ગે પણ સંપત્તિ સર્જન થઈ શકે છે.

સાતમી વાત, સંજોગો બદલાતા રહેશે, બચત અને રોકાણની ભાષા શીખવી જ પડશે. આગામી સમય વધુ પડકારવાળો પણ હોઈ શકે. જગત આખું સમસ્યા-પડકારોથી સભર છે. જે સક્ષમ અને સ્માર્ટ બની શકશે તે ટકી શકશે અને વિકસી શકશે.

 નવા વરસે ઉપરની સાત વાતોને ફરીવાર યાદ કરવા જેવી અને  અનુસરવા જેવી પણ છે. આ વરસે તાજેતરમાં જ  બિગબુલ હર્ષદ મહેતાના જીવન અંગેની વેબ સિરીઝે ઘણા પાઠ શીખવ્યા છે. અતિરેક કોઈનો પણ ચાલતો નથી. બજારમાં પ્રોફિટ બુક કરવાનો સંતોષ પણ રાખવો જોઈએ. 


સેન્સેકસના  5000 પોઈન્ટના કુદકા

સેન્સેકસના  5000 પોઈન્ટના કુદકા

શેરબજારની 2020ની તેજી વિશેના  અભ્યાસમાં જાણવા મળેલી  એક રસપ્રદ બાબત એ છે કે સેન્સેકસના દરેક પાંચ હજાર પોઈન્ટના વધારામાં કયારે –કયારે કેટલા દિવસ લાગ્યા. આ અભ્યાસ 23 માર્ચથી નોંધાયો છે. સેન્સેકસ 26 હજારથી 31 હજાર થતા માત્ર 11 દિવસ લાગ્યા. 31 હજારથી 36 હજાર થતા તેને 57 દિવસ લાગ્યા, 36 હજારથી 41 હજાર થતા 88 દિવસ લાગ્યા અને 41 હજારથી 46 હજાર થતા માત્ર 23 દિવસ લાગ્યા હતા. હવે 2021માં 50 હજાર થતા કેટલો સમય લાગશે એની પ્રતિક્ષા બજાર કરશે. આ ગોલ્ડન ફિગર કેટલા સમયમાં આવશે અને આવતા પહેલાં કેવી વોલેટિલિટી બતાવશે એ તો આગામી સમય જ કહી શકશે. આ માટેની ઉમ્મીદ તો ઊંચી છે.

સેન્સેકસનો ૨૦ હજાર પોઈન્ટના વધારો

એક વરસમાં સેન્સેકસમાં ૫૫૦૦ પોઈન્ટનો વધારો થયો ગણાય, જો કે કોરોના-લોકડાઉનના શર઼ુઆતના દિવસોમાં  સેન્સેકસ ઘટીને નીચામાં ૨૫,૯૦૦ સુધી ગયો હતો, એ તુલનાએ  જોઈએ તો આ ડિસેમ્બરમાં તે ૪૭ હજાર ઉપર ટકીને  ૨૦ હજાર પોઈન્ટ વધ્યો ગણાય.  નવા વરસમાં સેન્સેકસ ૫૦ હજારને પાર કરશે એવી આગાહી તો કયારની થઈ ચુકી છે. તેને આ મુકામ પર પહોંચાડવાના પરિબળો પણ થનગની રહયા છે. ઈન શોર્ટ, ભારતીય અર્થતંત્ર અને બજારની લોંગ ટર્મ સ્ટોરી અત્યારે તો ઉજવળ હોવાનો આશાવાદ આસમાને લાગે છે. એક વરસથી પણ ઓછાં સમયમાં ૨૦ હજાર પોઈન્ટનો વધારો થયો હોવાની શેરબજારની આ પહેલી જ ઘટના છે.

વરસનો આરંભ શુભ મંગલ

વિતેલા સપ્તાહમાં બજાર મહદઅંશે તેજીમય રહયું હતું. ગયા સોમવારથી શુક્રવાર સુધી સતત તેજીમય રહેવા માટે માર્કેટ પાસે પોઝિટિવ પરિબળો હતા. બેન્ચમાર્ક ઈન્ડેકસે સતત નવી ઊંચાઇ હાંસલ કરી હતી. વિદેશી રોકાણકારોએ અઢળક નેટ ખરીદી કરી હતી. વેકિસન બહુ મોટું પોઝિટિવ પરિબળ બન્યું હતું, જયારે કોરોનાની મંદ પડેલી ગતિ અને હાનિ પણ બજાર માટે સારા સમાચાર બની ગયા હતા. જીએસટી કલેકશન પણ મહિનામાં ઊંચી સપાટીએ ગયું હતું, જે આર્થિક રિકવરીની સાક્ષી પુરતું હતું. હવે ૨૦૨૧માં આર્થિક રિકવરી વેગ પકડશે, વિદેશી રોકાણ પ્રવાહ આવતો રહેશે, કોર્પોરેટ અર્નિગ્સ પણ વધશે એવી આશા સાથે નવા વરસમાં તેજીનો ટ્રેન્ડ ચાલશે એવું માનવામાં આવે છે, જેમાં નવાઈ પામવા જેવું નથી, કિંતુ આ સાથે બે વાત નોંધવી જોઈશે, એક કે આ વરસે વધઘટનું પ્રમાણ વધુ રહેશે અને ૨૦૨૦માં જેટલું બજાર વધ્યું તેટલું આ વરસે વધશે નહીં. જો કે સેન્સેકસ ૫૦૦૦૦ ને પાર કરી જાય તો નવાઇ નહી અને નિફટી ૧૫૦૦૦ ને વટાવી દે એવું બની શકે. નિફટી ૧૪,૦૦૦ ઉપર અને સેન્સેકસ ૪૭૮૦૦ ઉપર  આ પહેલી જાન્યુઆરીએ જ થઈ ગયો હતો. બજાર સતત બ્રોડબેઝડ બની રહયું છે એ પણ સારા સંકેત છે.


આટલું સમજી રાખો

આટલું સમજી રાખો

2021માં માર્કેટ વોલેટાઈલ રહેશે , 2020 જેવી તેજીની સ્પીડ 2021માં નહી હોય, બજાર વધુ પડતું વધી ગયું છે, જેથી હવે લાંબા ગાળાનું રોકાણ જ વર્તમાન ભાવે થઈ શકે, બાકી દરેક મોટા ઘટાડામાં થોડી  ખરીદી અને દરેક મોટા ઉછાળામાં થોડું પ્રોફિટ બુકિંગ કરવાની સમજણ સાથે ચાલવામાં શાણપણ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top