Maharashtra Elections 2024 Rift Within MVA: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન બુધવારે (20 નવેમ્બર) સમાપ્ત થયું. તેના એક દિવસ બાદ, રાજ્યના મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસના નેતા નાના પટોલે અને શિવસેના (UBT) નેતા સંજય રાઉત વચ્ચે વાકયુદ્વ શરૂ થઈ ગયું છે. જો કે મહાવિકાસ આઘાડી (MVA) રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, પરંતુ પરિણામો અગાઉ જ MVAમાં દરારના સંકેત દેખાઈ રહ્યા છે.
વાસ્તવમાં, મતદાન પૂર્ણ થયા બાદ, એક્ઝિટ પોલના પરિણામો આવ્યા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિ ગઠબંધનની સરકાર બનાવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ એક્ઝિટ પોલના પરિણામો બાદ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA)ની સરકાર બનશે.
સંજય રાઉતે તરત જ આ નિવેદનને ફગાવી દીધું હતું. તેણે કહ્યું કે, 'હું આ વાતને સ્વીકાર નહીં કરું અને કોઈ પણ તેને સ્વીકાર નહીં કરે. અમે સાથે બેસીને નક્કી કરીશું કે શું નાના પટોલેએ આવું કહ્યું છે અને શું નાના પટોલે પાસે કોંગ્રેસની કમાન છે. આવી જાહેરાતો કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આવવાની જરૂર છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કહ્યું છે કે જો તમે મુખ્યમંત્રી બની રહ્યા છો તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધીએ તેની જાહેરાત કરવી જોઈએ.
મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણીને લઈને મતભેદો હતા. વ્યાપક ચર્ચા બાદ સહમતી બનવા છતા, MVAના ભાગીદારોએ નેતૃત્વના સવાલને વણઉકેલ્યો છોડી દીધો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બુધવારે એક જ તબક્કામાં 288 બેઠકો પર યોજાઈ હતી. 23 નવેમ્બર શનિવારના રોજ મતગણતરી થશે.
તમામ એક્ઝિટ પોલ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે. લોકશક્તિ મરાઠી રુદ્રના એક્ઝિટ પોલમાં મહાયુતિને 128થી 142 બેઠકો મળવાની ધારણા છે જ્યારે મહાવિકાસ અઘાડીને 125થી 140 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ સિવાય અન્યના ખાતામાં 18-23 સીટો જવાની શક્યતા છે.
MATRIZEના એક્ઝિટ પોલમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. MATRIZEએ મહાયુતિને 150-170 બેઠકો, મહાવિકાસ અઘાડીને 110-130 બેઠકો અને અન્યને 8-10 બેઠકો મળવાની આગાહી કરી છે.
પી માર્કના એક્ઝિટ પોલમાં નજીકની હરીફાઈની આગાહી કરવામાં આવી છે. પી માર્કે મહાયુતિને 137-157 સીટો, MVAને 126-146 સીટો અને અન્યને 2-8 સીટો આપી છે.
પીપલ્સ પલ્સનો એક્ઝિટ પોલ સૌથી રસપ્રદ છે. જેમાં મહાયુતિની એકતરફી જીતની આગાહી કરવામાં આવી છે. મહાયુતિને 175-195 બેઠકો મળવાની ધારણા છે જ્યારે મહાવિકાસ અઘાડીને માત્ર 85-112 બેઠકો મળવાની ધારણા છે. પીપલ્સ પલ્સે અન્યને 7-12 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરી છે.
ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલમાં મહાયુતિને 152-160 સીટો જ્યારે મહાવિકાસ અઘાડીને 130-138 સીટો આપવામાં આવી છે. નાના પક્ષો અને અપક્ષોને 6-8 બેઠકો મળવાની ધારણા છે.
JVC સર્વેમાં મહાયુતિને 150-167 સીટો આપવામાં આવી છે. મહાવિકાસ આઘાડીને 107-125 બેઠકો આપવામાં આવી છે જ્યારે અન્યને 13-14 બેઠકો આપવામાં આવી છે.