ઈકોનોમી કયાં અને માર્કેટ કયાં? બજારનું ધ્યાન હવે બજેટનાં સંકેતો પર

ઈકોનોમી કયાં અને માર્કેટ કયાં? બજારનું ધ્યાન હવે બજેટનાં સંકેતો પર

01/18/2021 Business

જયેશ ચિતલીયા
માર્કેટ ટ્રેન્ડ
જયેશ ચિતલીયા
ફાયનાન્સીયલ એક્સપર્ટ

ઈકોનોમી કયાં અને માર્કેટ કયાં? બજારનું ધ્યાન હવે બજેટનાં સંકેતો પર

આખરે બજારે થોડો થાક ખાવાનું અને આરામ કરવાનું પસંદ કર્યુ, ગયા શુક્રવારે કરેકશન સાથે વાત બની. ૫૦ હજાર નજીક જઈ રહેલો સેન્સેકસ ૪૯ હજાર તરફ પાછો વળી ગયો, જો કે માર્કેટ મુડ હજી તેજીનો   છે. હા, પ્રોફિટ બુક કરી લેવામાં શાણપણ લાગ્યું સારી વાત કહી શકાય, હવેપછીના દિવસોમાં માર્કેટની નજર બજેટનાં સંકેતો પર રહેશે. અલબત્ત, હજી પણ નફો ઘરમાં લઈ લેવાનો અવસર ગણાય

બજાર ગાંડાની જેમ વધે છે, તમારે ડાહયા થઈને રહેવું પડશે એવું ગયા સપ્તાહમાં આપણે કહયું હતું, જો કે રોકાણકારો કેટલાં ડાહયા થયા અને તેમણે કેટલો અને શેમાં પ્રોફિટ બુક કર્યો એ તો તેઓ જ જાણે, પરંતુ બજારને વિદેશી રોકાણનો કેફ ચઢયો હોવાનું લાગે છે. ગયા સોમવારે બજારે કરેકશનની ધારણા વચ્ચે વધારો જ નોંધાવ્યો, મંગળવારે કરેકશન લાવ્યા બાદ આખરે તો નવી ઊંચાઈ જ બતાવી હતીમાર્કેટની ટોપ કયાં? આ સવાલ હવે પુછાતો નથી, બલકે હવે અમારે ખરીદવું કે કેમ એવું પુછાય છે. સ્માર્ટ ઈન્વેસ્ટરો નફો લઈને થોડો સમય કવોરેન્ટાઈનમાં જવા લાગ્યા છે. જો કે આશાવાદી લોકો વિદેશી રોકાણનો પ્રવાહ આવ્યા જ કરશે, સ્ટીમ્યુલસ પેકેજના નાણાં ભારતીય માર્કેટમાં આવશે તે વધુ ઊંચે લઈ જશે એવી અપેક્ષા સાથે વર્તમાન ભાવે પણ ખરીદી કરી રહયા છે. આ વર્ગ લાંબા ગાળા માટે ખરીદી કરતો હશે તો ઠીક છે,અન્યથા ઊંચા ભાવે ભેરવાઈ શકે.

આમ ને આમ ચાલ્યું તો સેન્સેકસ થોડા દિવસમાં જ 50,000 થઈ જશે, જેની આગાહી 2021 માટે થઈ હતી, કિંતુ આ તો હજી 2021નો પહેલો જ મહિનો છે. એમાં વળી બજેટની જાહેરાતનો દિવસ સાવ નજીક આવી ગયો છે, વધુમાં નાણાં પ્રધાને આ વખતના બજેટ માટે ઊંચી આશા જગાવી છે. બજારની ધારણા મુજબ આ વખતે બજેટ ઢગલાબંધ અને આક્રમક  રિફોર્મ્સ લઈને આવશે. ખૈર, આપણે હાલ તો બજારમાં નફો લેતા જવામાં ડહાપણ રહેશે. મોટા ઘટાડામાં ખરીદી સિલેકટિવ રાખવી જોઈશે. આગામી દિવસોમાં કેટલાંક આઈપીઓ આવી રહયા હોવાથી તેમાં પણ નાણાં પ્રવાહ જશે.

ગયા સપ્તાહમાં સેન્સેકસ 49,000 ને પાર કરી ગયો હતો, જેમાં વિદેશી રોકાણકારોના રોકાણ પ્રવાહનું પરિબળ મુખ્ય હતું. તેમાં પણ આઈટી-ટેક સ્ટોકસની રેલીનો મહત્તમ ફાળો હતો, તેમાં પણ હજી બારીક નજર કરીએ તો ટીસીએસના પરિણામ અને તેના ભાવની ખાસ્સી અસર હતી. આમ ઈન્ડેકસમાં વેઈટેજ ધરાવતા સ્ટોકસની કેવી અસર થાય છે તેનું આ વધુ એક ઉદાહરણ કહી શકાય, જો કે મજાની અને સારી વાત એ છે કે હાલના દિવસોમાં માર્કેટ બ્રોડબેઝડ બનતું જાય છે, સ્મોલ અને મિડકેપ સ્ટોકસ પણ સતત વધી રહયા છે. તેજી લાર્જકેપ સ્ટોકસ પુરતી મર્યાદિત રહી નથી, આ સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેજીના નામે અન્ય કેટેગેરીના નબળાં શેર ચાલવા માંડયા તો નથી ને ? નહીંતર ભેરવાઈ જશો ભાઈ.

સેન્સેકસના ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા

સેન્સેકસની રસપ્રદ ચાલ પર નજર કરીએ તો તેને 40હજારથી 41 હજાર થતા 21 દિવસ લાગ્યા હતા, 41 થી 42 હજાર થતા 3 દિવસ, 42 થી 43 હજાર થતા માત્ર એક દિવસ, 43થી 44 હજાર થતા સાત દિવસ, 44 થી 45 હજાર થતા 12 દિવસ, 45 થી 46 હજાર થતા 3 દિવસ, 46 થી 47 હજાર થતા 13 દિસવ , 47 થી 48 હજાર થતા 6 દિવસ અને 48 થી 49 હજાર થતા માત્ર પાંચ દિવસ લાગ્યા હતા. આમ સેન્સેકસને 40 હજારથી 49 હજાર ઉપર પહોંચતા કેવળ 71 દિવસ લાગ્યા હતા. અર્થાત, ફકત 71 દિવસમાં નવ હજાર પોઈન્ટનો વધારો થયો કહેવાય.


રિઝર્વ બેંકની ચિંતા

રિઝર્વ બેંકની ચિંતા

રિઝર્વ બેંકે ગયા સપ્તાહમાં ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપતા કહયું હતું કે રિઅલ ઈકોનોમી અને ફાઈનાન્સીયલ માર્કેટ વચ્ચેનો ગેપ બગડતો જાય છે. માર્કેટ ઈકોનોમી સાથે ચાલવાની વાત તો બાજુએ રહી, તેની સાવ વિરુધ્ધ ચાલી રહયું છે. આનો અર્થ એ થઈ શકે કે  શેરબજારના આ ઉછાળા ગંભીરપણે જોખમી ગણી શકાય. બેંકોની ગ્રોસ એનપીએ ઊંચી જઈ રહી છે, જેની અસર કોર્પોરેટ સેકટર પર હોય જ, જયારે કે માર્કેટ વધ્યા કરીને નવાઈ પમાડે તેવું વર્તન કર્યા કરે છે. રિઝર્વ બેંકના ભુતપુર્વ ગર્વનર રઘુરામ રાજને પણ શેરબજારની તેજી પ્રત્યે શંકા વ્યકત કરી છે અને તેને અર્થતંત્ર સાથે કોઈ સબંધ નહી હોવાનો મત દર્શાવ્યો છે. જો કે અત્યારે તો વિદેશી પ્રવાહિતા ભારતીય તેજીને ઈંધણ આપતી રહે છે

બજારે થાક ખાધો-લોકોએ નફો

બુધવારે બજાર જાણે નાની-મોટી વધઘટ બાદ થાક ખાતું હોય તેમ અંતમાં ફલેટ રહયું હતું.  બજારની ચાલ જોતા તે  વધઘટના ચકકરમાં ઘુમી રહયું હોવાનું લાગતું હતું. રોજેરોજની  વોલેટિલિટીને ધ્યાનમાં લેવામાં આવે તો બજાર ઘટયા બાદ પાછું વધી જાય છે, વધ્યા બાદ પાછું ઘટી જાય છે. અર્થાત પ્રોફીટ બુકિંગ થાય છે અને ખરીદી પણ થાય છે. બજાર એક મોટી આશામાં ચાલી રહયું છે કે યુએસ પેકેજને પગલે  ભારતમાં રોકાણ પ્રવાહ વધશે. આ આશાને પરિણામે ટ્રેન્ડ સતત બુલિશ રહે છે. માર્કેટ સતત નવી ઊંચાઈ સાથે આગળ વધે છે.એક તરફ જોઈએ તો ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનનો દર નીચે આવ્યો છે. જયારે કે ડિસેમ્બરનો ઈન્ફલેશનનો દર પણ નીચે આવ્યો છે. વ્યાજદર આ સંજોગોમાં ઘટવાની શકયતા દેખાતી નથી.

 ગુરુવારનો આરંભ પણ ઠંડો થયો હતો. જો કે વધઘટ બાદ ગુરુવારે પણ બજાર સામાન્ય પ્લસ બંધ રહયું હતું. સેન્સેકસ ૯૨ પોઈન્ટ અને નિફટી ૩૦ પોઈન્ટ વધીને બંધ રહયા હતા. હવે વધવું કે ઘટવું એવી મુંઝવણમાં બજાર લાગતું હતું અને ખરીદવું કે વેચવું એવી મુંઝવણમાં રોકાણકારો જણાતા હતા.


સપ્તાહનો અંત સુખાંત

સપ્તાહનો અંત સુખાંત

વિતેલા સપ્તાહનો અંત નેગેટિવ થયો હોવાછતાં તે સુખદ અંત કહી શકાય. કારણ કે જેની લાંબા સમયથી જરુર હતી એ  ખરું કરેકશન બજારે શુક્રવારે બતાવ્યું કહી શકાય. યુએસ માર્કેટમાં જોબ સમસ્યા, યુરોપિયન માર્કેટમાં લોકડાઉન, ભારતીય માર્કેટના ઊંચા વેલ્યુએશન, ચીનમાં પણ હજી મોટો વર્ગ લોકડાઉન હેઠળ, વગેરે કારણો બજાર માટે નેગેટિવ બન્યા હતા, જેને પરિણામે  સેન્સેકસ ૫૪૯ પોઈન્ટ તુટીને ૪૯ હજાર નજીક પહોંચી ગયો અને નિફટી ૧૬૨ પોઈન્ટ ઘટીને ૧૪૪૦૦ નજીક પહોંચી ગયો હતો. આ કરેકશન આવશ્યક હતું, જે દેર આયે દુરસ્ત  આયે કહી શકાય. અલબત્ત, નફો બુક થવાનું કારણ કામ કરી ગયું હતું, હવે માર્કેટ વર્તમાન સ્તરેથી વધુ ઊંચે જવાનું કઠિન લાગતા અને બજેટના દિવસ નજીક આવતા સાવચેતીનો અભિગમ પણ કામ કરવા લાગ્યો છે. જો કે સેન્ટીમેન્ટ પોઝિટીવ હોવાનું જણાયું હતુંહવેપછી બજારની નજર બજેટ પર મંડાયેલી રહેશે.

સારા સમાચારનાં સંકેત

એક સારા સમાચાર સંકેત એ છે કે સરકાર હવે ઈએસઆઈસી (એમ્પલોયી સ્ટેટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન) ના કોરપસ ફંડના 15 ટકા રકમનું ઈકિવટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની મંજુરી આપવાનું વિચારે છે. જે બજેટમાં જાહેર થવાનું શકય છે. જેમ એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડનું રોકાણ આ સાધનોમાં કરવા દેવાય છે તેમ ઈએસઆઈસીના ફંડનું પણ કરવા દેવાશે એવી શકયતા બજાર માટે તેજીના વધુ એક નકકર નિર્દેશ સમાન કહી શકાય.

ભારતીય ઈકોનોમી માટે સારા અહેવાલ એ છે કે વિશ્વની ટોચની અને સૌથી મુલ્યવાન કંપની ટેસ્લાએ ભારતમાં પોતાની સબસિડીયરી કંપની સ્થાપી છે. જેની શરૂઆત આર એન્ડ ડી યુનિટથી થશે અને ત્યારબાદ ઈલેકટ્રિક કારનો ઉત્પાદન પ્લાન્ટ સ્થપાશે.

અગ્રણી આઈટી કંપનીઓની કામગીરી સહિત કોર્પોરેટ પરિણામની સારી અસર બજાર પર જોવા મળતી હતી.

તાતા ગ્રુપની કંપનીઓ હાલના દિવસોમાં સતત સક્રિય હોવાનું અને તેમના ભાવમાં પોઝીટિવ કરન્ટ જોવાયો છે. આ ગ્રુપની જુદી-જુદી કંપનીઓના શેરમાં માત્ર એક મહિનામાં જ  સાત થી 47 ટકાની રેન્જમાં વળતર  છુટયું છે. બિઝનેસ હાઉસ તરીકે તાતા ગ્રુપ હાલ ટોપ પર છે.

આટલું યાદ રાખો

મરજિંગ માર્કેટમાં ભારતીય માર્કેટ હાલ સૌથી મોંઘું માર્કેટ બન્યું છે. મોટાભાગના સ્ટોકસના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચી ગયા છે. સ્મોલ-મિડકેપ સ્ટોકસ પણ વધી રહયા છે.વિકસિત માર્કેટમાં યુએસ સૌથી મોંઘું બની ગયું છે. આ બંને પડશે ત્યારે સાથે પડશે એમ જણાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top