વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ના પ્રખ્યાત અભિનેતાનું 36 વર્ષની વયે નિધન, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ના પ્રખ્યાત અભિનેતાનું 36 વર્ષની વયે નિધન, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

12/02/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ના પ્રખ્યાત અભિનેતાનું 36 વર્ષની વયે નિધન, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

ગ્લેમર ડેસ્ક: ખૂબ પસંદગી પામેલી વેબ સિરીઝ મિર્ઝાપુરમાં ‘લલિત’નું પાત્ર ભજવીને ચાહકોના પ્રિય બનેલા 36 વર્ષીય અભિનેતા બ્રહ્મા મિશ્રાનું નિધન થયું છે. ‘મિર્ઝાપુર’ના જ લીડ એક્ટર દિવ્યેંદુ શર્માએ ઇન્સ્ટાગ્રામ ઉપર બ્રહ્મા મિશ્રા સાથેની તસવીર શેર કરીને આ સમાચાર આપ્યા છે. 

દિવ્યેન્દુએ ઇન્સ્ટાગ્રામ ઉપર બંનેની તસવીર શેર કરીને કહ્યું, ‘RIP બ્રહ્મા મિશ્રા. આપણો લલિત હવે નથી રહ્યો. તેના માટે પ્રાર્થના કરીએ.’ સમાચાર જાણ્યા બાદ મિર્ઝાપુર અને બ્રહ્માના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.


એક અહેવાલ અનુસાર, બ્રહ્માને 29 નવેમ્બરના રોજ છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ ડોક્ટરનો સંપર્ક કરી, દવા લઇ ઘરે પરત ફર્યા હતા. પરંતુ ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ અટેક જ માનવામાં આવે છે, પરંતુ હોસ્પિટલની પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. 

એક્ટરનું મૃત્યુ લગભગ ત્રણ દિવસ પહેલા થયું હતું અને આજે મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને તેમના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ પોલીસે જઈને જોતા ઘરનો દરવાજો અંદરથી લોક હતો, તેથી ચાવી બનાવનારની મદદ લઈને ઘરમાં જઈને જોતા એક્ટરની લાશ ડિ-કમ્પોઝ હાલતમાં મળી આવી હતી. 

પોલીસનું અનુમાન છે કે, એક્ટર જ્યારે બાથરૂમમાં હતા ત્યારે હાર્ટ અટેક આવ્યો હશે અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. હાલ તેમનો મૃતદેહ કૂપર હોસ્પિટલ ખાતે ઓટોપ્સી માટે મોકલી આપવામાં આવ્યો છે. 


બ્રહ્મા મિશ્રા મુંબઈના વર્સોવા વિસ્તારના એક ફ્લેટમાં એકલા જ રહેતા હતા. તેઓ છેલ્લા ચાર વર્ષથી ભાડે રહેતા હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું. એક્ટરના ભાઈ સંદીપ મિશ્રાને જાણકારી આપી દેવામાં આવી છે અને તેઓ મુંબઈ આવવા માટે રવાના થઇ ચૂક્યા છે.

બ્રહ્મા મિશ્રાએ અનેક ફિલ્મો અને સિરીયલોમાં કામ કર્યું હતું. પરંતુ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં સાઈડ રોલથી તેમને ખાસ ઓળખ અને એટલી જ લોકચાહના મળી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે તે રોલ તેમના જીવનનો શ્રેષ્ઠ અને યાદગાર રોલ હતો.

મિર્ઝાપુર ઉપરાંત તેઓ અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 36 વર્ષીય એક્ટરે 2013 માં ‘ચોર ચોર સુપર ચોર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’માં તેમણે ખુદાદદ ખાનનો રોલ પણ ભજવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top