‘એન્ટિલિયા કેસ’માં NIAએ દાખલ કરેલ ચાર્જશીટમાં શું સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે?

‘એન્ટિલિયા કેસ’માં NIAએ દાખલ કરેલ ચાર્જશીટમાં શું સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે?

09/09/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

‘એન્ટિલિયા કેસ’માં NIAએ દાખલ કરેલ ચાર્જશીટમાં શું સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે?

મુંબઈ: ભારત કે કોઈ પણ દેશમાં પોલીસ તંત્ર ગુનાઓને રોકવા અને સમાજમાં બનતા અનિચ્છનીય બનાવો રોકવા અને તેના ગુનેગારોને કોર્ટ સુધી લઇ જવા માટે હોય છે. પણ જ્યારે આ જ પોલીસ વિભાગના કેટલાક તત્વો દ્વારા આતંકીઓની જેમ બોમ્બ પ્લાન્ટ કરવા કે પોતાને બચાવવા માટે કોઈની હત્યા કરવાના કાવતરા ઘડ્યા હોવાનું બહાર આવે ત્યારે તંત્ર પર જ આંગળી ચિંધાય છે.

મુંબઈનો બહુચર્ચિત ‘એન્ટિલિયા કેસ’ એવો જ એક કેસ છે, જેણે ઘણા સમયથી મુંબઈ પોલીસને જ કઠેડામાં ઉભી રાખી દીધી છે. આ જ કેસમાં મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાજેની નોકરી ગઈ, મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહની ખુરશી ગઈ અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સત્તા પણ ગઈ. હવે, આ કેસની તપાસ કરતી એજન્સી NIAએ ચાર્જશીટ દાખલ કરી છે. 10 હજાર પાનાંની આ ચાર્જશીટ અનેક મોટા અને મહત્વના ખુલાસા કરે છે.


આ કેસમાં શું-શું બન્યું?

ચાર્જશીટમાં શું કહેવામાં આવ્યું છે તે પહેલા એ જાણવું જરૂરી છે કે આ કેસમાં ક્યારે અને શું-શું બન્યું.

25 ફેબ્રુઆરી 2021 ના દિવસની સવાર મુંબઈ અને આખા દેશ માટે બ્રેકિંગ ન્યુઝ લઈને આવી હતી. કારણ કે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર-જે એન્ટિલિયા નામે દેશભરમાં જાણીતું છે-ની બહાર એક સ્કોર્પિયો ગાડી મળી આવી અને આ ગાડીમાં હતા; વિસ્ફોટકો.

આ વિસ્ફોટક સાથે એક પત્ર પણ મળ્યો, જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને મારી નાંખવાની ધમકી અપાઈ હતી. સ્વાભાવિક રીતે આ પ્રકારની ઘટના સામે આવતા શંકાની સોય કોઈ આતંકવાદી સંગઠન તરફ વળવાની હતી. આ કેસમાં પણ એવું જ થયું. આતંકી સંગઠન ‘જૈશ-ઉલ-હિંદ’ તરફથી જવાબદારી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું અને કેસની તપાસ સોંપવામાં આવી મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર સચિન વાજેને.


મનસુખ હિરેનની હત્યા થઇ અને તપાસ NIA ને સોંપાઈ

મનસુખ હિરેનની હત્યા થઇ અને તપાસ NIA ને સોંપાઈ

સચિન વાજે મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઇન્ટેલિજન્સ યુનિટનો હેડ હતો. પરંતુ તપાસ શરૂ થયાના 10 દિવસમાં જ સચિન વાજેની ભૂમિકા પર જ શંકા ઉભી થવા માંડી. તેનું કારણ એ હતું કે વિસ્ફોટક જે ગાડીમાં મળ્યા તેના માલિક એક વેપારી હતા; મનસુખ હિરેન. જેને વાજે પેહેલથી ઓળખતો હતો. મનસુખ હિરેનની લાશ 10 દિવસ બાદ એટલે કે પાંચ માર્ચે મળી આવી. શરૂઆતમાં હિરેને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવામાં આવ્યું પણ તેમના પરિવારે આરોપ વાજે ઉપર લગાવ્યો અને આ સમગ્ર કેસની તપાસ NIA ને સોંપી દેવામાં આવી. ત્યારબાદ NIA જેમ-જેમ કેસની તપાસ કરતી ગઈ તેમ તેમણે પ્રથમ વાજે અને તેની સાથે અન્ય ઘણાને પકડ્યા.


NIA દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ શું કહે છે?

એજન્સીએ દાખલ કરેલ આ ચાર્જશીટમાં મુંબઈ પોલીસના બરતરફ કરાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાજેએ શા માટે અને કેવી રીતે સમગ્ર આયોજન ઘડ્યું તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મનસુખ હિરેનની હત્યા કેવી રીતે થઈ અને આમાં તેની સાથે કોણ સામેલ હતા તે બધું જ વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે.

ચાર્જશીટ અનુસાર, વાજે અમીરોને ડરાવીને તેમની પાસેથી વસૂલી કરવા માંગતો હતો. અન્ય એક કારણ એ પણ હતું કે તે તેની છબી ફરી ચમકાવવા માંગતો હતો. કારણ કે એક ફર્જી એન્કાઉન્ટરમાં વાજેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2020 માં જ તેને ફરી બહાલ કરવામાં આવ્યો. દેખીતી વાત હતી કે જો અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળ્યાના કેસની તપાસ તેના હાથમાં આવે અને કેસનો ઉકેલ આવે તો તેની છબીને અસર પડે.


વાજેએ કઈ રીતે સમગ્ર પ્લાનિંગ કર્યું હતું?

વાજેએ કઈ રીતે સમગ્ર પ્લાનિંગ કર્યું હતું?

જેના કારણે સચિન વાજેએ બહુ મહેનતથી આ પ્લાનિંગ ઘડ્યું હતું. જે માટે તેણે મુંબઈની એક હોટેલમાં 100 રાત્રિ માટે એક રૂમ બુક કરાવ્યો હતો. જે કોઈ સુશાન ખેમકર નામના ફર્જી આઈડીથી બુક થયો હતો. જેનો ઉપયોગ વાજે સેફ હાઉસ તરીકે કરતો. તેણે અગાઉથી નક્કી કરી રાખ્યું હતું કે ગાડી કોની વપરાશે. જેથી તેણે પોલીસનું દિમાગ વાપરીને ઘટનાના એક અઠવાડિયા અગાઉ જ મનસુખ હિરેન પાસે ગાડી ચોરી થઇ ગઈ હોવાની ખોટી ફરિયાદ દાખલ કરાવડાવી હતી.

અગાઉ મીડિયા અહેવાલોમાં અનેક વખત ઉલ્લેખ થઇ ચુક્યો છે કે 25 ફેબ્રુઆરીએ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર બીજા કોઈએ નહીં પણ ખુદ વાજેએ જ મૂકી હતી. આ વાત ઉપર NIAએ ચાર્જશીટમાં મહોર લગાવી છે. તેણે ગાડીની નંબર પ્લેટ બદલી નાંખી હતી અને જયારે તે ગાડી મૂકવા જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ એક ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટની ગાડી પણ હતી, જે વાજેનો જ એક સાથી ચલાવતો હતો અને તેને તેણે કહી રાખ્યું હતું કે આ એક ‘સિક્રેટ મિશન’ છે.


પૂર્વ મુંબઈ સીપી પરમબીરસિંહની પણ સંડોવણી

પૂર્વ મુંબઈ સીપી પરમબીરસિંહની પણ સંડોવણી

વિસ્ફોટકો ભરેલી ગાડી મૂક્યા બાદ બીજું કામ વાજેએ કર્યું, તેમાં આતંકવાદી સંગઠનને સંડોવવાનું. તે માટે ટેલીગ્રામ એપ્લીકેશન ઉપર જૈશ-ઉલ-હિંદ નામના સંગઠન તરફથી જવાબદારી લેવામાં આવી. અહીં મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનું નામ પણ સામે આવે છે. ચાર્જશીટ અનુસાર પરમબીર સિંહે આતંકી સંગઠનની સંડોવણીનો હવાલો આપીને તપાસને ગેરમાર્ગે દોરી હતી. એક સાયબર એક્સપર્ટના નિવેદન અનુસાર, પરમબીર સિંઘે રિપોર્ટમાં આતંકી સંગઠનની ભૂમિકાનો ઉલ્લેખ કરવા પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.

5 ઓગસ્ટના રોજ સાયબર એક્સપર્ટે એનઆઈએ સમક્ષ પરમબીરસિંહના કહેવા પર રિપોર્ટમાં ફેરફાર કર્યાની કબૂલાત કરી હતી. તેમણે કહ્યું, મુંબઈના સીપીની (કમિશ્નર ઓફ પોલીસ) વિનંતી પર મેં તેમની ઓફિસમાં બેસીને મારા લેપટોપ પર એક ફકરાનો એક રિપોર્ટ તૈયાર કર્યો, જે મેં તેમને બતાવ્યો. રિપોર્ટ વાંચ્યા બાદ પરમબીરસિંઘે મને એન્ટિલિયા કેસમાં જવાબદારી લેતા ટેલિગ્રામ ચેનલ પર 'જૈશ-ઉલ-હિન્દ'ના પોસ્ટરો લગાવવા કહ્યું.’


મનસુખ હિરેનની હત્યા શા માટે અને કઈ રીતે થઇ?

આ કેસ સાથે અન્ય એક કેસ જોડાયેલો છે, હત્યાનો. સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની હત્યા વાજેએ જ કરાવી હતી. ચાર્જશીટમાં એ પણ જણાવાયું છે કે મનસુખ હિરેનની હત્યા કઈ રીતે અને કયા સંજોગોમાં કરવામાં આવી હતી.

ચાર્જશીટમાં લખ્યું છે કે, વાજે ઈચ્છતો હતો કે વિસ્ફોટકો અને ધમકીવાળો પત્ર મૂકવાની જવાબદારી મનસુખ હિરેન લઇ લે, તેણે તેને આશ્વાસન આપ્યું હતું કે તે હિરેનને જલ્દીથી જામીન પર છોડાવી લેશે. પણ મનસુખ હિરેને આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

સચિન વાજેને લાગ્યું કે જો મનસુખ હિરેન સુધી તપાસ પહોંચી ગઈ (જે પહોંચવાની જ હતી) અને તેણે આખો પ્લાન એજન્સી સામે ખુલ્લો મૂકી દીધો તો તેની બાજી બગડી જશે. જેથી વાજેએ મુંબઈ પોલીસના પૂર્વ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા અને બાકીના આરોપીઓ સાથે મળીને મનસુખ હિરેનની હત્યાનો પ્લાન બનાવ્યો. તેમાં સુનીલ માને નામના એક પોલીસ અધિકારીને પણ સામેલ કરવામાં આવ્યો.

સચિન વાજે મનસુખ હિરેનની હત્યા કરીને તેના મૃત્યુને એક આત્મહત્યા તરીકે ખપાવવા માંગતો હતો. તેણે હિરેનને કહ્યું કે તેઓ લેખિતમાં એક ફરિયાદ આપે કે એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેને હેરાન કરી રહી છે. વાજેએ તેની ઓફિસમાં એક વકીલને બોલાવીને ફરિયાદનો ડ્રાફ્ટ તૈયાર કરાવ્યો. જેનાથી એવો ભાવ ઉત્પન્ન થતો હતો કે મનસુખ હિરેન માનસિક રીતે પરેશાન છે.

4 માર્ચે પોલીસ અધિકારી સુનીલ માનેએ પોતાને ઇન્સ્પેકટર તાવડે નામ આપીને મનસુખ હિરેનને મળવા બોલાવ્યો. વાજેએ આ ફોનકોલ્સ માટે અલગ-અલગ નવા સિમ અને મોબાઈલ પણ ખરીદી રાખ્યા હતા. મનસુખ હિરેન પહોંચ્યા બાદ સુનીલ તેને હત્યારાને સોંપી દે છે. તેઓ ગાડીમાં મનસુખ હિરેનનું ગળું દબાવીને હત્યા કરી નાંખે છે અને ત્યારબાદ શબને નજીકના નાળામાં ફેંકી દે છે. આ માટે વાજેએ 45 લાખ આપ્યા હોવાનું ખુલ્યું છે.


માત્ર 11 મિનીટમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો

રિપોર્ટ અનુસાર, મનસુખ હિરેનની હત્યાને માત્ર 11 મિનીટમાં અંજામ આપવામાં આવ્યો હતો. સુનીલ માને તેને સફેદ રંગની કારમાં લઈને સુરેખા હોટેલ પહોંચ્યો. ત્યારબાદ તેની પાસેથી ફોન લઈને તેને લાલ રંગની ટવેરા કારમાં બેસાડી આપવામાં આવ્યો. હિરેનને ડ્રાઈવરની પાછળ વાળી સીટ પર બેસાડ્યા અને તેની બંને તરફ બે માણસો બેસી ગયા. જ્યારે સૌથી છેલ્લે આવતી સીટ પર પહેલેથી જ એક માણસ બેઠેલો હતો. તેણે પૂરી તાકાતથી હિરેનનું માથું પકડીને રૂમાલથી મોં અને નાક દાબી દીધા હતા.

આ તમામ વિગતો ચાર્જશીટના અને તેની સાથે સબંધિત વિવિધ મીડિયા અહેવાલોને આધારે આપવામાં આવી છે. હવે આ ચાર્જશીટ ઉપર કોર્ટમાં કેસ ચાલશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top