‘બીજી વાર હિંમત નહીં થાય...’, દિલ્હી બ્લાસ્ટ બાદ અમિત શાહે આતંકીઓને આપી ચીમકી, NSA ડોભાલ, IB ચીફ સાથે મોટી બેઠક
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ગુનેગારોને કડક સજા આપવામાં આવશે, જેને દુનિયા જોઈ શકે. આ દરમિયાન, ગુરુવારે સાંજે ગૃહમંત્રીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ રહી છે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ગુપ્તચર બ્યુરોના વડા સહિત અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દિલ્હી બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી દુનિયાને એક મજબૂત સંદેશ મળશે કે કોઈ પણ ભારત પર ફરી હુમલો કરવાની હિંમત નહીં કરે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં બોલતા તેમણે કહ્યું કે, ‘જે લોકોએ આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને તેની પાછળના લોકોને કાયદા સામે લાવવામાં આવશે અને સજા કરવામાં આવશે. ભારત સરકાર અને ગૃહ મંત્રાલય આ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.’
તેમણે કહ્યું કે, ‘દિલ્હી આતંકવાદી હુમલાના ગુનેગારોને આપવામાં આવેલી સજાથી દુનિયાને સંદેશ જશે કે આપણા દેશમાં આવા હુમલાનો વિચાર પણ ન કરવો જોઈએ. આ કાર બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કડક સજા આપવાનો વડાપ્રધાન મોદીનો સંકલ્પ ચોક્કસપણે પૂર્ણ થશે. વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં આતંકવાદ સામે ભારતની લડાઈને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ગુપ્ત માહિતી શેરિંગ, સરહદ સુરક્ષા અને સંયુક્ત તપાસના ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે સહયોગ વધ્યો છે, અને ભારતના કાર્યને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. આવી ઘટનાઓને અલગ-ઠાલગ કરીને જોઈ શકાય નહીં અને તેના પર પ્રતિક્રિયાથી દેશનો સંકલ્પ વધુ મજબૂત હોવો જોઈએ.
અમિત શાહના નિવેદન બાદ એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, દિલ્હી હુમલા બાદ ગુનેગારોને શું સજા આપવામાં આવશે? શું આતંકીઓના ખાત્મા માટે ફરી એક વખત ઓપરેશન સિંદૂર જેવુ કોઈ ઓપરેશન હાથ ધરવામાં આવશે? પાકિસ્તાન સાથે કનેક્શન જોડાયા બાદ શું ફરી એક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp