ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું ૮૦ વર્ષની વયે નિધન

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું ૮૦ વર્ષની વયે નિધન

07/01/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું ૮૦ વર્ષની વયે નિધન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મજગતના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું (Arvind Rathod) નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર રહેતા હતા. આજે સવારે ૮૦ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો તેમજ અનેક નાટકોમાં પણ મહત્વના રોલ કર્યા હતા. ઉપરાંત કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ તેઓ અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.

અરવિંદ રાઠોડ તેમની સંવાદો બોલવાની શૈલી માટે જાણીતા હતા. તેમજ ફિલ્મોમાં તેમના ઉત્કૃષ્ટ અભિનયને લઈને લોકપ્રિય પણ બન્યા હતા. તેમણે ભાદર તારા વહેતા પાણી, મણિયારો, મા ખોડલ તારો ખમકારો, સોન કંસારી, મહાસતી સાવિત્રી, જાગ્યા ત્યાંથી સવાર વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ ઉપરાંત તેમણે જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે અને કોરા કાગઝ વગેરે જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉપરાંત તેમણે બા રિટાયર થાય છે જેવા નાટકોમાં પણ અભિનય કર્યો હતો.

તેમના પિતા દરજીકામ સાથે સંકળાયેલા હતા પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાને બદલે તેમણે શાળા-કોલેજકાળથી જ નાટકોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. એફ.આર ઈરાનીના આટક ‘મોટા ઘરની વહુ’માં અભિનય કર્યા બાદ તેમણે અમદાવાદમાં રહીને કેટલાક નાટકોમાં અભિયન કર્યો હતો.

વર્ષ ૧૯૬૭માં તેઓ મુંબઈ આવ્યા હતા અને અહીં તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. રાજ કપૂરે તેમને મેરા નામ જોકરમાં એક રોલ પણ આપ્યો હતો. ત્યારબાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ભાદર તારા વહેતા પાણીમાં તેમણે ભજવેલી ખલનાયકની ભૂમિકાથી તેઓ એટલા લોકપ્રિય થયા કે ત્યારબાદ સતત ૪૬ જેટલી ફિલ્મો સુધી તેમણે ખલનાયકની જ ભૂમિકા ભજવી હતી.

અરવિંદ રાઠોડના નિધનથી ગુજરાતી ફિલ્મજગતને મોટી ખોટ પડી છે, તેમજ સોશિયલ મીડિયા ઉપર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top