વધુ એક દિગ્ગજ નેતાની કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી? નવી પાર્ટી બનાવશે તેવી અટકળો

વધુ એક દિગ્ગજ નેતાની કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી? નવી પાર્ટી બનાવશે તેવી અટકળો

12/04/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક દિગ્ગજ નેતાની કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી? નવી પાર્ટી બનાવશે  તેવી અટકળો

પોલિટીકસ ડેસ્ક: દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટી જેમતેમ કરીને એક રાજ્યમાં સ્થિતિ ઠીક કરે ત્યાં બીજા રાજ્યમાં સમસ્યા ઉભી થઇ જાય છે. પેટાચૂંટણીઓમાં પાર્ટીનું પ્રદર્શન સુધર્યું હતું ત્યાં મમતા બેનર્જીની ટીએમસી કોંગ્રેસ તોડવામાં લાગી હતી, તે પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ પાર્ટીથી અલગ થઇ ગયા છે અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે. હવે પાર્ટીના વધુ એક વરિષ્ઠ નેતા બળવો કરવાના મૂડમાં છે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. 

કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ પાર્ટી છોડીને નવો પક્ષ સ્થાપશે તેવી ચર્ચાઓ રાજનીતિક વર્તુળોમાં શરૂ થઇ ગઈ છે. જોકે, આ અંગે તેમણે કે કોંગ્રેસ પાર્ટીએ કોઈ અધિકારીક નિવેદન આપ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદના સરકાર અને કાશ્મીર પ્રત્યેના વલણને જોતા આવી અટકળો લગાવવામાં આવી રહી છે. 


G-23 સમૂહમાંના નેતા

ગુલામ નબી આઝાદની ગણના G-23 નેતાઓમાં થાય છે. આ એ નેતાઓનો સમૂહ છે જેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ગયા વર્ષે પત્ર લખીને પાર્ટીમાં ધરમૂળથી બદલાવ લાવવાની અને પૂર્ણકાલીન અધ્યક્ષની નિમણૂંક કરવાની માગ મૂકી હતી. જોકે, G-23 એ કોઈ અધિકારીક સમૂહનું નામ નથી, આ નામ અન-અધિકારીક રીતે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચા દરમિયાન વપરાય છે. 


તાજેતરમાં જ રેલી સંબોધતા કહ્યું હતું, ‘કોંગ્રેસની 300 બેઠકો આવવાની શક્યતા નહીંવત’

તાજેતરમાં જ રેલી સંબોધતા કહ્યું હતું, ‘કોંગ્રેસની 300 બેઠકો આવવાની શક્યતા નહીંવત’

અહીં એ પણ નોંધવું જરૂરી છે કે કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતી વખતે ગુલામ નબી આઝાદે જે રીતે ભાષણ આપ્યું હતું તેને જોતા આ અટકળોને બળ મળી રહ્યું છે. તેમણે કોંગ્રેસના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાર્ટી આવતી લોકસભા ચૂંટણીમાં પણ 300 બેઠકો મેળવી શકે તેવું લાગતું નથી. આ વાત તેમણે અનુચ્છેદ 370 હટાવવા સંદર્ભે કહી હતી. 

તેમણે કહ્યું હતું કે, કલમ 370 માત્ર લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર જ પુનઃસ્થાપિત કરી શકે છે. સરકાર બનાવવા માટે 300 સાંસદોની જરૂર છે. સરકાર બનાવવા માટે અમારી પાસે 300 સાંસદો ક્યારે હશે?  સાથે તેમણે અનુચ્છેદ 370 હટાવવાનું આડકતરી રીતે સમર્થન કરતા કહ્યું હતું કે, કાશ્મીરના લોકો અને પક્ષોની મુખ્ય માગણી પૂર્ણ રાજ્યનો દરજ્જો અને વહેલી વિધાનસભા ચૂંટણી હોવી જોઈએ.


ઘણા સમર્થકો રાજીનામા આપી ચૂક્યા છે

અન્ય નોંધનીય વાત એ છે કે, છેલ્લા બે અઠવાડિયામાં કાશ્મીર કોંગ્રેસમાંથી ગુલામ નબી આઝાદના ઘણા સમર્થક નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા આપી ચૂક્યા છે. જેમાં કેટલાક ધારાસભ્યો પણ સામેલ છે. આ નેતાઓએ પાર્ટીના સ્થાનિક નેતૃત્વ સાથે નારાજગી વ્યક્ત કરીને રાજીનામા આપી દીધા હતા. 

ગુલામ નબી આઝાદના નિવેદનોએ કોંગ્રેસની ઊંઘ પહેલેથી જ ઉડાડી દીધી છે. તેઓ પાર્ટીમાં વર્ષોથી કાર્યરત છે અને કાશ્મીરમાંથી આવે છે. તેઓ ચાર દાયકાઓથી રાજ્યસભા સાંસદ છે. વર્ષ 2014 માં તેઓ કાશ્મીરમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેઓ નવી પાર્ટી બનાવે તો ઘણા નેતાઓનો સાથ મળી શકે તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top