પંજાબ બાદ વધુ એક કોંગ્રેસશાસિત રાજ્યના સીએમ બદલાશે? ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

પંજાબ બાદ વધુ એક કોંગ્રેસશાસિત રાજ્યના સીએમ બદલાશે? ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

10/02/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબ બાદ વધુ એક કોંગ્રેસશાસિત રાજ્યના સીએમ બદલાશે? ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના હાલ સારા દિવસો ચાલી રહ્યા નથી. પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંઘ પાર્ટી છોડવાનું મન બનાવી ચુક્યા છે. તેઓ ખુદ આ વાતનો ઉલ્લેખ અનેક વખત કરી ચુક્યા છે. પંજાબ કોંગ્રેસમાં નવજોતસિંઘ સિદ્ધુએ પણ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ ધરી દીધું છે અને તેમને મનાવવામાં પ્રયાસો ચાલુ છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસશાસિત રાજ્ય છત્તીસગઢમાં વિવાદ થવાની વકી છે.

આખા દેશમાં માત્ર ત્રણ રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોય. જેમાંથી એક રાજ્ય પંજાબમાં હાલમાં જ મુખ્યમંત્રી બદલી નાંખવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો છત્તીસગઢમાં પણ સીએમ બદલાવાની શક્યતા છે. સૂત્રો અનુસાર, રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઇ શકે છે અને અન્ય કોઈ નેતાને સીએમ બનાવવામાં આવી શકે છે.


અઢી-અઢી વર્ષના સીએમ પદને લઈને વિવાદ

છત્તીસગઢ સરકારના અઢી વર્ષ પૂર્ણ થયા ત્યારથી સતત ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી પદ અઢી-અઢી વર્ષ માટે પહેલા ભૂપેશ બઘેલ અને ત્યારબાદ ટીએસ સિંહદેવને આપવાની વાત થઇ હતી. જેથી બંને જૂથોના ધારાસભ્યો હાલ દિલ્હી પહોંચી રહ્યા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટેકો આપતા ધારાસભ્યો દિલ્હીની અવરજવર કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં બઘેલ સમર્થક 35 ધારાસભ્યો દિલ્હીમાં હશે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ ધારાસભ્યો પાર્ટીના ટોચના નેતૃત્વને મળ્યા વગર પરત નહીં આવે. રાયપુરમાં ટીએસ સિંહદેવ કેમ્પના ધારાસભ્ય દ્વારા આપેલા નિવેદન બાદ ભૂપેશ બઘેલ જૂથના ધારાસભ્ય નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


જુલાઈમાં પાર્ટી હાઈકમાન્ડે બંનેને દિલ્હી બોલાવ્યા હતા

છત્તીસગઢમાં 2018 માં કોંગ્રેસની સરકાર બન્યા બાદથી જ બઘેલ અને સિંહદેવ વચ્ચેના સંબંધો સહજ રહ્યા નથી. જૂન 2021 માં બઘેલે મુખ્યમંત્રી પદના અઢી વર્ષ પૂરા કર્યા પછી, આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવના જૂથે દાવો કર્યો હતો કે હાઈકમાન્ડે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા મામલે સહમતિ દર્શાવી હતી. રાજ્યમાં મુખ્યમંત્રી પદના વિવાદ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે વિવાદ ઉકેલવા ઓગસ્ટમાં બઘેલ અને સિંહદેવને દિલ્હી બોલાવ્યા હતા. જ્યારે બઘેલ દિલ્હીમાં હતા, ત્યારે કોંગ્રેસના 70 માંથી 54 ધારાસભ્યોએ તેમના સમર્થનમાં દિલ્હીની મુલાકાત લીધી હતી.

દિલ્હીથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી બઘેલે પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટીના નેતા રાહુલ ગાંધી તેમના આમંત્રણ પર રાજ્યની મુલાકાત માટે સંમત થયા છે. બઘેલે એમ પણ કહ્યું હતું કે જેઓ અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદની વાત કરી રહ્યા છે તેઓ રાજ્યમાં રાજકીય અસ્થિરતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. બઘેલ અને સિંહદેવે રાષ્ટ્રીય રાજધાનીમાં હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ નેતૃત્વના મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે, પરંતુ રાજ્યમાં બે જૂથો વચ્ચેનો વિવાદ ઓછો થયો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top