ભારતને જવાબ આપવાની લ્હાયમાં પાકિસ્તાનની ફરી ફજેતી થઇ! : લોન્ચ થતાં જ મિસાઈલ ફેઈલ ગઈ

ભારતને જવાબ આપવાની લ્હાયમાં પાકિસ્તાનની ફરી ફજેતી થઇ! : લોન્ચ થતાં જ મિસાઈલ ફેઈલ ગઈ

03/19/2022 World

SidhiKhabar

SidhiKhabar

ભારતને જવાબ આપવાની લ્હાયમાં પાકિસ્તાનની ફરી ફજેતી થઇ! : લોન્ચ થતાં જ મિસાઈલ ફેઈલ ગઈ

વર્લ્ડ ડેસ્ક: ગુરુવારે પાકિસ્તાનની ફરી એકવાર ભારે ફજેતી થઇ હતી. ભારતે ભૂલથી પાકિસ્તાન તરફ મિસાઈલ લોન્ચ કર્યા બાદ ગુરુવારે પાકિસ્તાની સેના એક મિસાઈલનું પરીક્ષણ કરવા માટે ગઈ હતી પરંતુ આ પરીક્ષણ નિષ્ફળ ગયું હતું અને મિસાઈલ રસ્તો ભટકીને નીચે પડી ગઈ હતી!

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ગુરુવારે બપોરના સમયમાં સિંધના જમશુરુ વિસ્તારમાં લોકોએ આકાશમાંથી કંઇક નીચે પડતું જોયું હતું. જે રોકેટ કે કોઈ મિસાઈલ જેવું દેખાતું હતું. પ્રક્ષેપણની થોડી જ ક્ષણો બાદ તે રસ્તો ભટકી ગઈ અને ટુકડા થઈને જમીન પર પડી હતી. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ પણ આ સમાચાર આપ્યા છે.


સમાચાર વહેતા થયા બાદ પુષ્ટિ થઇ હતી કે આસમાનમાંથી ટપકેલો આ પદાર્થ બીજું કંઈ નહીં પરંતુ પાકિસ્તાનની ફેઈલ મિસાઈલ હતી. જે પાકિસ્તાનના સિંધ ટેસ્ટિંગ રેંજમાંથી ફાયર કરવામાં આવી હતી. પહેલા આ મિસાઈલનું પરીક્ષણ સવારે 11 વાગ્યે કરવામાં આવનાર હતું પરંતુ તકનીકી ખરાબીના કારણે એક કલાક મોડું પરીક્ષણ થયું હતું. જોકે, તેમાં પણ તેમણે કશું ઉકાળી લીધું ન હતું કારણ કે તે પછી પણ મિસાઈલ રસ્તો ભટકી ગઈ હતી!

પાકિસ્તાન સહિત દુનિયાભરના મીડિયાએ આ બાબતની નોંધ લીધી હોવા છતાં આશ્ચર્યજનક રીતે પાકિસ્તાની સેના કે સરકાર તરફથી આ બાબતે હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી. જોકે, સોશિયલ મીડિયા ઉપર આ મામલે ખૂબ ચર્ચા થઇ રહી છે તો મિસાઈલનો વિડીયો પણ વાઈરલ થયો છે, જેમાં મિસાઈલ નીચે પડતી જોઈ શકાય છે.


પાકિસ્તાન તરફથી કોઈ નિવેદન નહીં

સ્થાનિક અધિકારીઓએ ફજેતીથી બચવા માટે કોઈ પણ પ્રકારના મિસાઈલ પરીક્ષણનો ઇનકાર કર્યો છે. સ્થાનિક તંત્રએ કહ્યું કે, આ એક નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ હતો જેને નજીકની સરહદેથી જ ફાયર કરવામાં આવ્યો હતો. પરંતુ મોર્ટારની રેંજ પાંચ કિલોમીટરની હોય છે અને પાકિસ્તાનની આ મિસાઈલ ખાસ્સું અંતર કાપીને ભટકી હતી.

જોકે, ક્યાંક ચર્ચા એવી પણ થઇ રહી છે કે ભારતે ભૂલથી મિસાઈલ છોડ્યા બાદ તેના જવાબમાં પાકિસ્તાને આમ કર્યું હોય શકે. પાકિસ્તાની સમાચાર એજ્ન્સી કોન્ફલિક્ટ ન્યૂઝ તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવી કે ભારત તરફથી ભૂલથી બ્રહ્મોસ મિસાઈલ છોડવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી આમ કરવામાં આવ્યું હોય શકે. જોકે, આ બાબતે કોઈ અધિકારીક નિવેદન હજુ સુધી આવ્યું નથી.


થોડા દિવસો પહેલા ભારતે ભૂલથી મિસાઈલ ફાયર કરી દીધી હતી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાની સેનાએ ફરિયાદ કરી હતી કે ભારત તરફથી પાકિસ્તાનમાં બસોથી ત્રણસો કિલોમીટર અંદર મિસાઈલ ધસી આવી હતી. જે બાદ ભારત સરકારે અધિકારીક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તકનીકી ચેકિંગ દરમિયાન ભૂલથી મિસાઈલ ફાયર થઇ ગઈ હતી. જે મામલે હાલ તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top