વધતા કેસને લઈને વાલીઓ ચિંતામાં : પ્રાથમિક શિક્ષણ ફરી ઓનલાઈન કરવા માગ

વધતા કેસને લઈને વાલીઓ ચિંતામાં : પ્રાથમિક શિક્ષણ ફરી ઓનલાઈન કરવા માગ

12/31/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વધતા કેસને લઈને વાલીઓ ચિંતામાં : પ્રાથમિક શિક્ષણ ફરી ઓનલાઈન કરવા માગ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી ગતિ પકડી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં બે અંકોમાં દૈનિક કેસ નોંધાઈ રહ્યા હતા, જે આંકડો હવે 573 પર આવીને અટક્યો છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ 97 જેટલા થઇ ગયા છે. જોકે, બીજી તરફ વધી રહેલા રસીકરણના કારણે સંક્રમણ વધુ હોવા છતાં હોસ્પિટલમાં બહુ ઓછા લોકોએ દાખલ થવું પડી રહ્યું છે, જે એક રાહતની વાત છે.


મેગા ડ્રાઈવ થકી કિશોરોને રસી અપાશે

હાલ વયસ્કોનું રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ વડાપ્રધાને જાહેરાત કરી છે તે અનુસાર, ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના કિશોરોને પણ રસી આપવામાં આવશે. ગુજરાતમાં પણ ત્રીજીથી આ અભિયાનનો પ્રારંભ થશે અને મેગા ડ્રાઈવ થકી કિશોરોને રસી અપાશે. જોકે, પંદરથી ઓછી વયના બાળકો જેઓ શાળાએ જઈ રહ્યા છે તેમના વાલીઓ ચિંતિત છે.


કોરોનાના વધતા કેસને જોતા ઘણા વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. જોકે, શાળાઓ અધિકારીક રીતે બંધ ન થઇ હોવાથી હજુ ઘણા બાળકો શાળાએ આવી રહ્યા છે. તેને જોતા શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે દસમીથી શિક્ષણનું માધ્યમ ફરીથી ઓનલાઈન રાખવામાં આવે.


ધોરણ 6 થી 8ના વર્ગો પણ બંધ કરવા

શાળા સંચાલક મંડળ દ્વારા 10 જાન્યુઆરીથી પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારબાદ પણ જો કેસ વધે તો ધોરણ 6 થી 8ના વર્ગો પણ બંધ કરવા અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં આગળના વર્ગો બંધ કરવા જોઈએ તેવી રજૂઆત શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને પત્ર લખીને સરકાર સમક્ષ કરવામાં આવી છે.


ઘણી શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને શિક્ષણ ચાલી રહ્યા છે. પરંતુ જે શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ જ કરી દેવાયું છે અને ફક્ત ઓફલાઈન શિક્ષણ જ ચાલે છે, તે શાળાના વાલીઓમાં ચિંતાનો માહોલ છે.

બીજી તરફ, સરકારે શાળાઓ બંધ કરવાને લઈને હજુ સુધી કંઈ કહ્યું નથી. અગાઉ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બાળકોના રક્ષણ માટે તમામ પગલાં લેવામાં આવશે. પરંતુ શાળાઓ બંધ કરવાનો તેમણે આડકતરી રીતે ઇનકાર કર્યો હતો.


શાળાઓમાં કોરોના સંક્રમણ વધ્યું

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ પણ નોંધાઈ ચુક્યો છે. શહેરની શાળાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં એક જ દિવસમાં 11 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 6 દિવસમાં 38 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે. સુરત શહેર સહિત રાજ્યભરમાં કોવિડ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top