વડોદરા: વડોદરાના બહુચર્ચિત સ્વીટી પટેલ (Sweety Patel) કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ હવે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે. પીઆઈ અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીકાર્યું છે કે તેણે જ પત્ની સ્વીટી પટેલની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ લાશને સળગાવી દેવામાં આવી હતી.
વડોદરા ગ્રામ્ય એસઓજીના ઇન્સ્પેક્ટર અજય દેસાઈની (Ajay Desai) પત્ની ગત 4 જૂનના રોજ ગુમ થયાની ફરિયાદ સ્વીટીના પરિજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. આ મામલે વડોદરા પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ બે મહિના બાદ પણ વડોદરા પોલીસને પગેરું મળ્યું ન હતું. ત્યારબાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાના આદેશ આપ્યા હતા. જ્યારે એટીએસ દ્વારા ટેકનિકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથમાં લીધા બાદ તપાસમાં અનેક ઘટનાઓમાં અજય દેસાઈની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી. તપાસમાં સ્વીટી પટેલ અને અજય દેસાઈ વચ્ચેની વોટ્સએપ ચેટ પણ મળી આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે સ્વીટી પટેલ ગુમ થયાના દિવસે રાત્રે એક વાગ્યે અજય દેસાઈ પોતાની કાર રિવર્સ કરી બંગલામાં દાખલ કરે છે. ત્યારબાદ રાત્રે 1 વાગ્યે કરજણની એક હોટેલમાં માલિકને ફોન કરી કાર બહાર નીકળે છે. કરજણ ટોલનાકા ઉપર પણ તેની કાર દેખાઈ હતી પરંતુ હોટેલના સીસીટીવી ફૂટેજ ગુમ થઇ ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ભરૂચના દહેજના જે મકાનમાંથી માનવ અસ્થિ મળ્યા તે મકાનની માલિકી પણ કરજણના હોટેલ માલિકની છે. અજય દેસાઈના મોબાઈલનું લોકેશન પણ એ જ સ્થળે દેખાયું હતું.
આ પુરાવાઓ સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સઘન પૂછપરછ કરતા અજય દેસાઈએ પોતે જ પત્નીની હત્યા કરી લાશ સળગાવી દીધી હોવાનું કબૂલ કર્યું હતું.
4 જૂનના રોજ અજય દેસાઈના ઘરે તેમની અને પત્ની સ્વીટી વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે લગ્ન સબંધો અંગે તકરાર ચાલતી હતી. ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યાના સુમારે પત્ની અને બાળકો ઊંઘમાં હતા ત્યારે અજય દેસાઈએ સ્વીટી પટેલની ઊંઘમાં જ ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
હત્યા કર્યા બાદ અજય દેસાઈએ લાશને પોતાની કારમાં મૂકી બહાર નીકળ્યો હતો. તેમજ સ્વીટીને શોધવા આવેલ વ્યક્તિને કહ્યું હતું કે તેઓ સ્વીટીને શોધવા જાય છે. ત્યારબાદ સ્વીટી પટેલની લાશ ઘરેથી 49 કિમી દૂર અટાલી સ્થિત એક બંધ હોટેલમાંથી મળી આવી હતી. જ્યાં લાકડા, પુંઠા અને ઘાસ નાંખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. આ હોટેલ અજય દેસાઈના મિત્રની છે પરંતુ વર્ષો પહેલા બાંધકામ અધૂરું છોડી દેવાતા અવાવરું બની ગઈ છે.