આ દેશમાં 7.6ની તીવ્રાતાના ભૂકંપના ઝટકા અનુભવાયા, 20 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત; એકની હાલત ગંભીર
ઉત્તર જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પેસિફિક કિનારા પર 70 સેમી સુધીની સુનામી આવી હતી, જેમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક ગંભીર છે. સરકારે કહ્યું હતું કે, તેઓ સુનામી અને ભૂકંપથી થયેલા નુકસાનનો અંદાજો લગાવી રહ્યા છે. જે જાપાનના મુખ્ય હોન્શુ ટાપુના ઉત્તરીય પ્રદેશ, આઓમોરીના કિનારાથી લગભગ 50 માઇલ દૂર, પ્રશાંત મહાસાગરમાં રાત્રે 11:15 વાગ્યે આવ્યો હતો. જાપાન હવામાન એજન્સી (JMA)એ ઉત્તરપૂર્વીય કિનારા પરની તમામ સુનામી સલાહો પાછી ખેંચી લીધી છે, જે દર્શાવે છે કે હવે કોઈ ભય નથી.
વિદેશી મીડિયા અનુસાર, એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, ‘મેં ક્યારેય આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો નથી.’ જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આઓમોરીના દક્ષિણમાં આવેલા ઇવાટે પ્રાંતના કુજી બંદર પર 70 સેમી સુધીની સુનામી માપવામાં આવી હતી અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 સેમી સુધીની સુનામી અનુભવાઈ હતી.
પરમાણુ પ્લાન્ટનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું. પરમાણુ નિયમન સત્તામંડળે જણાવ્યું હતું કે, આઓમોરીમાં રોક્કાશો ફ્યુઅલ રિપ્રોસેસિંગ પ્લાન્ટમાં લગભગ 118 ગેલન પાણી છલકાયું હતું, પરંતુ સલામતીને લઈને કોઈ ચિંતા નથી. જાપાન હવામાન એજન્સીના એક અધિકારીએ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘આગામી થોડા દિવસોમાં વધુ શક્તિશાળી અને તેજ ભૂકંપ આવવાની અપેક્ષા છે.’
ભૂકંપ બાદ, JMAએ ઉત્તરીય ટાપુ હોક્કાઇડોથી ટોક્યોની પૂર્વમાં ચિબા પ્રાંત સુધીના વિશાળ વિસ્તાર માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં લોકોને એક અઠવાડિયામાં બીજા શક્તિશાળી ભૂકંપની શક્યતા માટે સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
વડાપ્રધાન સાને તાકાઈચીએ જણાવ્યું હતું કે સોમવારે ઉત્તર જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ સરકારે રાત્રે 11:16 વાગ્યે (સ્થાનિક સમય) એક કટોકટી ટાસ્ક ફોર્સની સ્થાપના કરી હતી. સ્થાનિક લોકોને વધુ આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી હતી, કારણ કે આ વિસ્તાર પહેલા પણ શક્તિશાળી ભૂકંપથી પ્રભાવિત થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp