નવજોત કૌર સિદ્ધૂના ‘500 કરોડ’વાળા નિવેદન પર કોંગ્રેસે કરી કાર્યવાહી, કરાયા સસ્પેન્ડ
નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નવજોત કૌર સિદ્ધુએ મુખ્યમંત્રીની ખુરશી માટે 500 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કરતાં ટિપ્પણી કરી હતી અને કોંગ્રેસે આ મામલે તેમના પર કાર્યવાહી કરતાં સસ્પેન્ડ કર્યા છે.
નવજોત સિદ્ધૂના નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.. સોમવારે (8 ડિસેમ્બર) કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વારિંગે તેમની સામે કાર્યવાહી કરી. એક આદેશમાં વારિંગે જણાવ્યું કે, ‘ડૉ. નવજોત કૌર સિદ્ધુને તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’
શનિવાર (6 ડિસેમ્બર)ની સાંજે મીડિયા સાથે વાત કરતા,નવજોત કૌર સિદ્ધુએ કહ્યું હતું કે જો કોંગ્રેસ તેમના પતિને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરે છે, તો તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરશે. તેમની પાસે કોઈપણ પાર્ટીને આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને ‘સુવર્ણ રાજ્ય’માં પરિવર્તિત કરી શકે છે. પૈસાની માંગ વિશે પૂછવામાં આવતા સિદ્ધુએ જવાબ આપ્યો, કોઈએ માંગણી કરી નથી, પરંતુ જે કોઈ 500 કરોડવાળી સુટકેસ આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે.’
પંજાબમાં વધતા રાજકીય વિવાદ બાદ નવજોત કૌર સિદ્ધુએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે નિવેદનને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે મારા સીધા નિવેદનને કેવી રીતે તોડી-મોડી રજૂ કરવામાં આવ્યું છે. મેં ફક્ત એટલું જ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય અમારી પાસે કંઈ માંગ્યું નથી. જ્યારે મને પૂછવામાં આવ્યું કે શું નવજોત બીજી પાર્ટીમાંથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે કે નહીં, ત્યારે મેં કહ્યું કે અમારી પાસે મુખ્યમંત્રી પદ માટે કોઈ આપવા માટે પૈસા નથી.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. X પોસ્ટમાં તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પર પ્રહાર કરતાં લખ્યું કે, ‘હું એક અસંવેદનશીલ, બેજવાબદાર, નૈતિક રૂપે બેઇમાન અને ભ્રષ્ટ અધ્યક્ષનો સાથ આપવાનો ઇનકાર કરું છું. હું પોતાના બધા ભાઈઓ અને બહેનો માટે ઊભી છું, જેમને તેમની અક્ષમતા અને બેજવાબદાર વ્યવહારથી દુઃખ થયું છે. હું તેમને અધ્યક્ષ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરું છું. મને આશ્ચર્ય છે કે મુખ્યમંત્રી તેમને કેમ બચાવી રહ્યા છે?’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp