માત્ર 22 દિવસમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ સોલ્વ કરનાર રાકેશ અસ્થાનાને હવે દિલ્હી પોલીસની કમાન

માત્ર 22 દિવસમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ સોલ્વ કરનાર રાકેશ અસ્થાનાને હવે દિલ્હી પોલીસની કમાન

07/28/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

માત્ર 22 દિવસમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ સોલ્વ કરનાર રાકેશ અસ્થાનાને હવે દિલ્હી પોલીસની કમાન

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાની (Rakesh Asthana) નિમણૂંક કરવામાં આવી છે. તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થનાર હતા પરંતુ એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ પહેલા તેઓ બીએસએફના (BSF) ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા.

ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ અધિસૂચનામાં જણાવવામાં આવ્યું કે, ‘BSFના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના કમિશ્નર નિયુક્ત કરવામાં આવે છે. સક્ષમ પ્રાધિકારીએ ITBPના ડાયરેક્ટર જનરલ એસએસ દેસવાલને BSF ના ડાયરેક્ટર જનરલ પદનો વધારાનો હવાલો સોંપવા માટે સ્વીકૃતિ આપી છે. તેઓ આ પદ ઉપર યોગ્ય અધિકારી મળવા અથવા આગલા આદેશ સુધી પદભાર સંભાળશે. રાકેશ અસ્થાનાને તાત્કાલિક રિલીવ આપવા અનુરોધ કરવામાં આવે છે જેથી તેઓ દિલ્હી પોલીસના કમિશ્નર તરીકે પદભાર ગ્રહણ કરી શકે.’

રાકેશ અસ્થાના 1984 ના બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. આ પહેલા તેઓ બીએસએફના ડાયરેક્ટર જનરલ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB) ચીફના પદ પર નિયુક્ત હતા. તેઓ સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચના એસપી પણ રહી ચુક્યા છે તેમજ રાંચીના ડીઆઈજી તરીકે પણ તેમણે કામ કર્યું છે.

લાલુપ્રસાદ યાદવની ધરપકડ કરી હતી

વર્ષ 1994 માં તેમણે પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસની તપાસ કરી હતી. ત્યારબાદ તેમને બિહારના બહુચર્ચિત ચારા ગોટાળાની તપાસ સોંપવામાં આવી હતી, જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ધરપકડ પણ કરી હતી. વર્ષ 1996 માં તેમણે લાલુપ્રસાદ યાદવ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં તેમણે લાલુપ્રસાદ સાથે 6 કલાક સુધી પૂછપરછ પણ કરી હતી.

ગોધરા કાંડની તપાસ પણ કરી હતી

રાકેશ અસ્થાનાએ વર્ષ 2002 ના ગોધરાકાંડની તપાસ પણ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટના આદેશ પર આરકે રાઘવનની આગેવાનીમાં ગઠિત SITએ પણ યોગ્ય ઠેરવી હતી. અમદાવાદમાં 26 જુલાઈ, 2008 ના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ રાકેશ અસ્થાનાએ કરી હતી. તેમણે આ કેસ માત્ર ૨૨ જ દિવસમાં સોલ્વ કરી દીધો હતો.

સુરતના પોલીસ કમિશ્નર રહી ચુક્યા છે, આસારામ-નારાયણ સાંઈના કેસની તપાસ પણ કરી હતી

અસ્થાના સુરતના પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા છે. આસારામ બાપુ અને નારાયણ સાંઈના કેસમાં તપાસ કરી હતી અને તેમાં બંનેની ધરપકડ પણ થઇ હતી. આ ઉપરાંત રાકેશ અસ્થાનાએ એનસીબીના ચીફ રહેતા દિલ્હી, મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરોમાં ડ્રગ્સ ઓપરેશન કર્યા હતા.

મોદી-શાહના નજીકના અધિકારી

રાકેશ અસ્થાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અસ્થાના તેમના નજીકના પોલીસ અધિકારી માનવામાં આવતા હતા. હવે તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર પદે નિયુક્ત થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top