કેન્દ્ર સરકારે દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા વિસ્ફોટને આતંકવાદી ઘટના માની છે. સરકારે જણાવ્યું હતું કે આ ઘટના એક જઘન્ય ગુનો છે. મંત્રીમંડળે ઝડપી તપાસનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં,ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારે લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવી અને તેના પર શોક વ્યક્ત કર્યો હતો. મંત્રીમંડળે હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં, મંત્રીમંડળે હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. મંત્રીમંડળે ઝડપી તપાસનો નિર્દેશ આપ્યો હતો અને ખાતરી આપી હતી કે ગુનેગારોને ટૂંક સમયમાં ઓળખી કાઢવામાં આવશે અને વિલંબ કર્યા વિના તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રસ્તાવ વાંચતા કહ્યું હતું કે, 10 નવેમ્બરના રોજ રાષ્ટ્ર વિરોધી તાકતોએ લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ કરીને એક જઘન્ય આતંકવાદી હુમલો કર્યો હતો. મંત્રીમંડળ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી. આ પ્રસ્તાવમાં પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડનારા તબીબી કર્મચારીઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
મંત્રીમંડળે વિસ્ફોટને ‘કાયર અને ઘૃણાસ્પદ કૃત્ય’ ગણાવ્યો, જેમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરે છે. આ ઘટનાના પ્રતિભાવમાં વિશ્વભરની સરકારો તરફથી મળેલા એકતા અને સમર્થન બદલ મંત્રીમંડળે આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીમંડળે આ કટોકટીના સમયમાં સુરક્ષા એજન્સીઓ, વહીવટી અધિકારીઓ અને નાગરિકો દ્વારા દર્શાવવામાં આવેલી હિંમત, તત્પરતા અને માનવતાની પ્રશંસા કરી હતી.
મંત્રીમંડળે તપાસને અત્યંત તત્પરતા અને વ્યાવસાયિકતા સાથે આગળ વધવાના નિર્દેશ આપતા કહ્યું કે, સરકાર વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. પોતાના સંકલ્પને પુનરાવર્તિત કરતા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, સરકાર તમામ નાગરિકોના જીવન અને સુખાકારીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સોમવાર સાંજે, દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્તલ થયા છે.