શાળાઓ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ કરેલ અરજી પર સુપ્રીમે કહ્યું-આ બધું કરવા કરતા ભણવા પર ધ્યાન આપો

શાળાઓ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ કરેલ અરજી પર સુપ્રીમે કહ્યું- આ બધું કરવા કરતા ભણવા પર ધ્યાન આપો!

09/20/2021 Education

SidhiKhabar

SidhiKhabar

શાળાઓ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ કરેલ અરજી પર સુપ્રીમે કહ્યું-આ બધું કરવા કરતા ભણવા પર ધ્યાન આપો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કારણે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શાળાઓ અનિયમિત રીતે ચાલી રહી છે. કેટલાક રાજ્યોએ કોરોનાની અસર ઓછી થતા વર્ગો શરૂ કર્યા છે ક્યાંક હજુ પણ ઓનલાઈન વર્ગો જ ચાલી રહ્યા છે. મોટાભાગના રાજ્યોએ આમ તો શાળાઓ શરૂ કરી દીધી છે પરંતુ પ્રાથમિક વર્ગો હજુ પણ શરૂ થયા નથી.


ઓનલાઈન વર્ગો વિદ્યાર્થીઓના શારીરિક-માનસિક વિકાસ પર અસર કરી રહ્યા છે : અરજદાર

દેશભરમાં શાળાઓમાં ફરીથી ઓફલાઈન વર્ગો શરૂ કરવાની માગ સાથે દિલ્હીના એક ધોરણ ૧૨ ના વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે, શાળાઓ ન ખોલવાનો નિર્ણય ન માત્ર વિદ્યાર્થીઓના હિતો માટે હાનિકારક સાબિત થઇ રહ્યો છે પરંતુ તે ભેદભાવપૂર્ણ અને અન્યાયી છે. ઓનલાઈન વર્ગો બાળકોના શારીરિક અને માનસિક વિકાસ ઉપર અસર કરી રહ્યા છે અને તેથી જે-તે સરકારોએ ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવા જોઈએ કારણ કે હવે કોરોનાની અસર ઓછી થઇ ગઈ છે.

અરજીમાં અમર પ્રેમ પ્રકાશ નામના દિલ્હીના વિદ્યાર્થીએ પોતાને વિદ્યાર્થીઓના એક મોટા વર્ગની લાગણીઓનો અવાજ બની રહ્યો છે તેમ કહીને ઉમેર્યું હતું કે કેટલાક વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવી સ્થિતિમાં નથી.


આવી અરજીઓ કરવા કરતા ભણવા પર ધ્યાન આપવું જોઈએ : કોર્ટ

આ અરજી ઉપર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે કહ્યું કે, બાળકે આ પ્રકારની અરજીઓ કરવા કરતા અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. અમે એમ નથી કહી રહ્યા કે આ પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારની માગ કરવામાં આવી છે તે અયોગ્ય છે. તેમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

બાળકોએ આ પ્રકારની અરજીઓ કરવાથી દૂર રહેવું જોઈએ તેમ કહી કોર્ટે ઉમેર્યું કે, જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા નિયમો છે અને તમામને એક જ આદેશથી જોડી શકાય નહીં.


જુદા-જુદા રાજ્યોમાં સ્થિતિ અલગ-અલગ છે, અમે આવા આદેશ ન આપી શકીએ, એ સરકારને કરવા દઈએ : કોર્ટ

કોર્ટે કહ્યું, અમે શાસન લઇ શકતા નથી. અમે એવા ન્યાયિક આદેશ ન આપી શકીએ જેમાં તમામ બાળકોને શાળાએ મોકલવા માટે કહેવામાં આવ્યું હોય. એ કામ રાજ્ય સરકારોને કરવા દઈએ. તેઓ પણ ઈચ્છે છે કે બાળકો શાળામાં જાય. પરંતુ દરેક રાજ્યોમાં જુદા-જુદા જિલ્લાઓ છે, વસ્તીની રીતે પણ તમામ રાજ્યો જુદા છે. આ પ્રકારે એક સમાન આદેશ તમામ રાજ્યોને આપી શકાય નહીં.

કોર્ટે કહ્યું કે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ થઇ ગયા છે. પરંતુ નાની વયના બાળકોને શાળાએ મોકલવા એ જોખમી સાબિત થઇ શકે છે કારણ કે શાળામાં ઘણા બાળકો ભેગા થાય છે. સાથે શિક્ષકોનું રસીકરણ પણ જરૂરી છે તેમ કોર્ટે ઉમેર્યું.

કોર્ટે અરજદારને કોરોનાની બીજી લહેરની યાદ અપાવતા કહ્યું કે, દેશે વિનાશક અને જીવલેણ બીજી લહેર જોઈ છે. હજુ ત્રીજી લહેરની સંભાવના છે. બેન્ચે કહ્યું કે અમે એમ નથી કહી રહ્યા કે તે એટલી જ ઘાતક હશે પરંતુ તેમ છતાં જોખમ લઇ શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે, અનેક રાજ્યોએ શાળાઓ શરૂ કરી હતી પરંતુ કેસ વધતા ફરી બંધ કરવી પડી તેવા પણ અનેક કિસ્સાઓ બન્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top