આજે બીજું નોરતું : મા બ્રહ્મચારિણી વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે બીજું નોરતું : મા બ્રહ્મચારિણી વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

10/18/2020 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે બીજું નોરતું : મા બ્રહ્મચારિણી વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

નવરાત્રીનો તહેવાર આખા ભારતમાં ખૂબ હર્ષોલ્લસ સાથે ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવારમાં મા મહાકાળી, મા મહાલક્ષ્મી અને મા મહાસરસ્વતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. નવરાત્રીમાં કુલ નવ દિવસો હોય છે અને એ રીતે આપણે આ દિવસો દરમિયાન રોજ કોઈ એક દેવીના સ્વરૂપનું પૂજન-ભક્તિ કરવાના હોય છે. આમ ત્રણેય દેવીઓના કુલ નવ સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વરૂપો પણ નવદુર્ગા તરીકે જાણીતાં છે.

નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસો દરમિયાન માતા પાર્વતીના ત્રણ સ્વરૂપોની પૂજા થાય છે. મધ્યના ત્રણ દિવસ લક્ષ્મી માતાના ત્રણ સ્વરૂપોની પૂજા થાય છે. અને અંતિમ ત્રણ દિવસો દરમિયાન સરસ્વતી માતાના ત્રણ સ્વરૂપોની પૂજા થાય છે.

ગઈકાલે પ્રથમ નોરતા નિમિત્તે આપણે આદિશક્તિ દુર્ગાના સ્વરૂપની ભક્તિ કરી, જે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતા પાર્વતી પર્વતરાજ હિમાલયના પુત્રી હતા. આથી એમને ‘શૈલપુત્રી’ નામે ઓળખવામાં આવે છે.

આજે નવરાત્રીનો બીજો દિવસ છે. અને આજે દુર્ગા માતાના બીજા સ્વરૂપ એવા ‘બ્રહ્મચારિણી’ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સચ્ચિદાનંદમય બ્રહ્નસ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ એમનો સ્વભાવ છે. તેઓ ગૌરવપૂર્ણ અને પૂર્ણ જ્યોતિર્મય છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

શારદીય નવરાત્રી દ્વિતીય તિથી  ૧૭ ઓક્ટોબર, રાત્રે નવ વાગ્યાથી ૧૮ ઓક્ટોબર, સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનીટ સુધી રહેશે.

પૌરાણિક કથા

નારદજીના આદેશ મુજબ ભગવાન શિવને પતીસ્વરૂપે પામવા માટે દેવીએ અનેક વર્ષો સુધી કઠિન તપસ્યા કરી. આ બધા વર્ષો દરમિયાન એમણે જીવિત રહેવા માટે એમણે માત્ર ફળ-ફૂલનો જ આહાર તરીકે ઉપયોગ કર્યો. આ તપસ્યા દરમિયાન દેવીએ કઠિન ઠંડી, ભારે વરસાદ અને કઠોર ગરમી સહન કર્યા. અંતે એમની તપસ્યા સફળ થઇ. આ રીતે વર્ષો સુધી અતિશય કઠિન ગણાય એવી તપસ્યા કરવી, એ પણ એક મોટી સિદ્ધિ છે. જે લોકો મા બ્રહ્મચારિણીને ખરા અંતરથી ભજે છે, એમને પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને સામાજિક જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ જેવા ગુનો માણસને બહુ મોટી સિદ્ધિ અપાવે છે. એટલું જ નહિ પણ આ ગુણો જેનામાં હોય એનામાં જીવતેજીવ દૈવી અંશ રહેલો હોય છે. માતા બ્રહ્મચારિણીનું પૂજન કરનારમાવા ગુણોની વૃદ્ધિ થાય છે.

આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે. આ શક્તિ જાગ્રત થવાથી સાધકનું જીવન સફળ થઇ શકે અને એની સામે આવનારા કોઇપણ પ્રકારનાં વિઘ્નોનો સામનો આસાનીથી કરી શકે. એવી ધાર્મિક માન્યતા સાધકોમાં રહેલી છે.

શ્લોક

મા બ્રહ્મચારિણીની પૂજા કરવા માટેનો મંત્ર  મુજબ છે :

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

 

મા બ્રહ્મચારિણીની પૂજા કઈ રીતે કરશો?

મા બ્રહ્મચારિણીને સફેદ રંગ પસંદ છે. આથી બની શકે તો પૂજા દરમિયાન શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા. લાલ રંગના કપડા ઉપર માતાજીની મૂર્તિ અથવા ફોટો રાખીને જમણા હાથમાં અક્ષત, ફૂલ અને જળ ધારણ કરી કળશ ઉપર માતાજીનું આહવાન કરવું જોઈએ. ત્યાર બાદ ધૂપ, દિપ, અક્ષત, જળ અને નૈવેદ્યથી માતાનું પૂજન અર્પિત કરવું. મા ને સફેદ વસ્તુપ જેવી કે ખાણ, સાકર અને પંચામૃતનો ભોગ ધરાવવો.

પ્રત્યેક સામાન્ય વ્યક્તિ માટે આરાધના કરવા યોગ્ય આ શ્લોક સરળ અને સ્પષ્ટ છે. જગદંબા માતાની ભક્તિ મેળવવા માટે આ કડીઓ કંઠસ્થ કરી નવરાત્રી વેળાએ બીજા દિવસે એનો જાપ કરવો જોઇએ.

या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

‌‍‍શ્લોકનો અર્થ : હે મા! સર્વત્ર વિરાજમાન અને બ્રહ્મચારિણીના રૂપમાં પ્રસિધ્ધ અંબે, આપને મારાં વારંવાર પ્રણામ છે અથવા હું આપને વારંવાર પ્રણામ કરું છું.

 

મા બ્રહ્મચારિણીની ઉપાસનાનું ફળ

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે.

તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

દુર્ગા પૂજાનાં દ્વિતિય દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી, મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

આપ અને આપના પરિવાર ઉપર મા બ્રહ્મચારિણીની કૃપા અવિરત વરસતી રહે એવી શુભકામનાઓ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top