ભાજપના દિગ્ગજ નેતા પક્ષ છોડીને ટીએમસીમાં જોડાશે? મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અટકળો તેજ

ભાજપના દિગ્ગજ નેતા પક્ષ છોડીને ટીએમસીમાં જોડાશે? મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અટકળો તેજ

11/24/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપના દિગ્ગજ નેતા પક્ષ છોડીને ટીએમસીમાં જોડાશે? મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અટકળો તેજ

પોલિટીકસ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને લઈને અનેક પ્રકારની અટકળો હંમેશા ચાલતી રહે છે. ભૂતકાળમાં પણ તેમના પાર્ટી છોડવાના સમાચારો વહેતા થયા હતા. હવે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળતા ફરીથી અટકળો તેજ બની છે. 

મમતા બેનર્જી હાલ રાજધાનીના પ્રવાસે છે. અહીં તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ઉપરાંત તેમણે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જી સાથે મુલકાત બાદ સુબ્રમણ્યમ સ્વામી ટીએમસીમાં જોડાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.


મમતા બેનર્જીની સરખામણી રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ સાથે કરી

મમતા સાથે મુલાકાત બાદ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું જેટલા પણ રાજનેતાઓ સાથે મળ્યો કે કામ કર્યું છે, તેમાંથી મમતા બેનર્જી જેપી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવા જ છે. આ લોકોની કથની અને કરણીમાં ફેર નથી હોતો. ભારતીય રાજકારણમાં આ એક દુર્લભ ગુણ છે.


સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપ છોડવા અંગે કે ટીએમસીમાં જોડાવા અંગે કશું સ્પષ્ટ કર્યું નથી. જોકે, તેમની મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ અને ટ્વીટમાં તેમની પ્રશંસા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે સુબ્રમણ્યમ હવે ભાજપ છોડીને ટીએમસીના સ્વામી બની શકે છે.


લાંબા સમયથી પાર્ટીમાં, પણ કદ વધ્યું નથી

સુબ્રમણ્યમ સ્વામી 2014 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ રાજ્યસભામાં ભાજપમાંથી સાંસદ છે. જોકે, લાંબા સમયથી પાર્ટીમાં હોવા છતાં તેમને પાર્ટીમાં મોટું સ્થાન મળ્યું નથી કે મંત્રીમંડળમાં પણ સમાવવામાં આવ્યા નથી. 2014 ની ચૂંટણીમાં પાર્ટીની જંગી બહુમતીથી જીત બાદ તેઓ નાણામંત્રી બને તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તે શક્ય બન્યું ન હતું. ઉપરાંત, હાલમાં જ ભાજપ રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત થઇ તેમાંથી પણ તેમને બાકાત રાખવામાં આવ્યા હતા. 


ભાજપ, સરકારની ટીકા કરતા રહ્યા છે

ભાજપ, સરકારની ટીકા કરતા રહ્યા છે

સુબ્રમણ્યમ સ્વામી નેતા ભલે ભાજપના હોય પરંતુ સમયે-સમયે તેઓ પોતાની જ પાર્ટી કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બયાનબાજી કરવા માટે જાણીતા છે. જેથી પાર્ટીમાં તેમને બાગી નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પીએમ મોદીને અને તેમની સરકારની અનેક નીતિઓ અંગે પણ ટીકા કરી ચૂક્યા છે. ખાસ કરીને આર્થિક મામલાઓ ઉપર તેઓ સરકારને ઘેરતા રહ્યા છે. 

અટકળો પાછળનું બીજું એક કારણ એ પણ છે કે હવે તેમની રાજ્યસભા સાંસદ તરીકેની ટર્મ પૂરી થવા જઈ રહી છે. ભાજપ અને સરકાર વિશે તેમની ટિપ્પણીઓ અને વિવિધ મુદ્દે તેમણે લીધેલા સ્ટેન્ડને જોતા પૂરેપૂરી શક્યતા છે કે ભાજપ તેમને સાંસદમાંથી પણ પડતા મૂકે. જો તેમ થાય તો તેઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ શકે છે.


હાલમાં જ મમતા બેનર્જીનો પક્ષ લીધો હતો

આ ઉપરાંત તેમણે હાલમાં જ મમતા બેનર્જીનો પક્ષ પણ લીધો હતો. મમતા બેનર્જી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઇટલી  જવાના હતા પરંતુ વિદેશ મંત્રાલયે તેમને પરવાનગી આપી ન હતી. ત્યારે તેમણે સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે આખરે શા માટે પરવાનગી આપવામાં નથી આવી રહી? 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top