જામનગર : કોવિડ હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓની જાતીય સતામણી મામલે રાજ્ય સરકારના તપાસના આદેશ

જામનગર : કોવિડ હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓની જાતીય સતામણી મામલે રાજ્ય સરકારના તપાસના આદેશ

06/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જામનગર : કોવિડ હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓની જાતીય સતામણી મામલે રાજ્ય સરકારના તપાસના આદેશ

જામનગર/ગાંધીનગર: કોરોનાકાળ દરમિયાન દર્દીઓની દેખરેખ માટે નીમવામાં આવેલ મહિલા એટેન્ડન્ટ પૈકી કેટલીક મહિલાઓ દ્વારા સુપરવાઈઝર ઉપર જાતીય સતામણીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જેની જાણ રાજ્ય સરકારને થતા મુખ્યમંત્રીએ કડક તપાસના આદેશ આપ્યા છે તેમજ આ માટે સમિતિ બનાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોનાકાળ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓની દેખરેખ માટે લગભગ ૫૦૦ જેટલી એટેન્ડન્ટ યુવતીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જે પૈકી કેટલીક મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર ઉપર જાતીય સતામણી અને અઘટિત માંગણીઓનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે સુપરવાઈઝર તેમને શારીરિક સબંધો બાંધવા માટે દબાણ કરતો તેમજ જો કોઈ મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતી હતી.

ઉપરોક્ત ઘટનાની જાણ મુખ્યમંત્રી રૂપાણીને થતા તેમણે જામનગરના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરી આ મામલે યોગ્ય તપાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. જે સંદર્ભે કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનામાં કસુરવાર કોઈને પણ છોડવામાં નહીં આવે : પ્રદીપસિંહ જાડેજા 

આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરિત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સૂચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતિ બનાવીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે.

પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીનની સમિતિ બનાવાઈ 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસિ. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ (ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. આ સમિતિએ તપાસ શરૂ કરીને મહિલા એટેન્ડન્ટના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા.

ગૃહમંત્રી પ્રદીપસિંહે ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દીકરીઓ રોજગારી માટે જ્યાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતું હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહીં અને કોઇને પણ છોડશે નહીં. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top