સુરત : ધીરુ ગજેરાની ભાજપમાં ઘરવાપસી, જાણો પાર્ટીનો ખેસ પહેર્યા બાદ તેમણે શું કહ્યું

સુરત : ધીરુ ગજેરાની ભાજપમાં ઘરવાપસી, જાણો પાર્ટીનો ખેસ પહેર્યા બાદ તેમણે શું કહ્યું

07/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : ધીરુ ગજેરાની ભાજપમાં ઘરવાપસી, જાણો પાર્ટીનો ખેસ પહેર્યા બાદ તેમણે શું કહ્યું

સુરત: સુરતના (Surat) વરિષ્ઠ નેતા ધીરુ ગજેરા (Dhiru gajera) ફરી ભાજપમાં (BJP) આવ્યા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના (CR Patil) હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. ઉધના ખાતેના પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ તેમજ સુરતના ભાજપના ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ધીરુ ગજેરાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ધીરુ ગજેરાએ ભાજપમાં આવ્યા બાદ જણાવ્યું કે, ‘’દિલીપ સંઘાણી અને ભરત બોઘરા સાથે વાતચીત થઇ અને ત્યારબાદ હું ભાજપમાં જોડાયો છું. તેઓ મારા ખુબ નજીકના વ્યક્તિઓ છે અને તેમના કહેવા પ્રમાણે સીઆર પાટીલે મને સમય આપ્યો અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગ્રીન સિગ્નલ આપતા હું મારા ઘરે પરત ફર્યો છું. જીવનના અંતિમ શ્વાસ સુધી હવે ભાજપ માટે જ કામ કરીશ.’

14 વર્ષનો વનવાસ પૂરો થયો, અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરીશ  

તેમણે કહ્યું હતું કે, ‘આજે બરાબર 14 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું. 14 વર્ષનો એક પ્રકારે વનવાસ ભોગવ્યો છે. તેમણે કહ્યું કે, 14 વર્ષમાં ઘણું જોઈ લીધું છે. નેતૃત્વ આવું જ હોવું જોઈએ. હવે જીવનના અંતિમ શ્વાસ સુધી ભાજપ માટે જ કામ કરીશ. પાર્ટી જે કામ આપે તે કરીશ.’

બીજી તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે, ધીરુ ગજેરા પોતાના ઘરે પરત ફર્યા છે ત્યારે અમે પણ તેમને સહર્ષ સ્વીકાર્યા છે. તેમના આવવાથી પાર્ટીને લાભ થશે અને પક્ષ વધુ મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજકીય વર્તુળમાં ચર્ચા ઉઠી હતી કે સુરતના મોટા ગજાના પાટીદાર નેતા ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, આ વાતની તેમણે પણ પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓ સીઆર પાટીલને મળ્યા હતા, જ્યાં તેમણે ભાજપમાં જોડાવા અંગે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાટીલે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરતા ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતા તેઓ ભાજપમાં જોડાશે. તેમણે કહ્યું હતું કે, જિદ્દી સ્વભાવને કારણે તેમને પરત ફરવામાં મોડું થયું.

જિદ્દી સ્વભાવને કારણે પરત ફરવામાં મોડું થયું

ધીરુ ગજેરાએ કહ્યું હતું કે,  મને અવારનવાર અંગત શુભેચ્છકો તરફથી ભાજપમાં જોડાવા અંગે કહેવામાં આવ્યું પરંતુ મારા જિદ્દી સ્વભાવને કારણે પરત ફરવામાં મોડું થઇ ગયું. સાથે તેમણે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવશે નહીં એમ કહી આડકતરી રીતે ‘આપ’ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેતી હોય છે. ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ ત્રીજો મોરચો શરૂ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સફળ રહ્યા નથી.

વર્ષ ૧૯૯૫ થી વર્ષ ૨૦૦૭ સુધી તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા રહ્યા હતા. આ દરમિયાન તેઓ ધારાસભ્ય પણ રહ્યા હતા. ત્યારબાદ ધીરુ ગજેરા ૨૦૧૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ રહ્યા હતા. જોકે, ભાજપના કુમાર કાનાણી સામે તેઓ હારી ગયા હતા. આ ચૂંટણીમાં હાર બાદ વર્ષ ૨૦૧૮ માં તેમણે સુરત કોંગ્રેસમાં જૂથવાદને કારણે તેમને જીત ન મળી હોવાનું કહી રાજીનામુ ધરી દીધું હતું. હવે તેઓ ફરી ભાજપમાં આવ્યા છે.

(Photo Credit: BJP Gujarat)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top