દિવાળીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે લોકોને કરી ખાસ અપીલ
આગામી થોડા જ સમયમાં દિવાળી આવી જવાની છે. ત્યારે દિવાળી પર્વના દિવસોમાં લોકોને ચૂનો લગાવવા માટે ગઠિયાઓ સક્રિય થઈ ગયાં છે, જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકોને ખાસ અપીલ કરી છે.
સુરતમાં દિવાળીના પર્વ દરમિયાન લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે. આ સમયે ઠગબાજો પોલીસના વેશમાં લોકોને રોકી તેમની બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જો કોઈ પણ વ્યક્તિ લોકોને પોલીસ તરીકેની ઓળખ આપે અને બેગ ચેક કરવા માગે તો તેને બેગ ન આપવી. આવા લોકોથી શહેરીજનોને સાવધ રહેવા તેમણે અપીલ કરી હતી. આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક 112 નંબર પર સંપર્ક કરી શકાય છે.
સુરત શહેર પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, દિવાળી દરમિયાન કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભીડ ભાડ વાળા વિસ્તારમાં પુરૂષ અને મહિલા પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે.
હીરા બજાર, ટેક્સટાઇલ બજાર, ઝવેરી બજાર અને અન્ય ભરચક માર્કેટોમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.
ખરીદીના સ્થળોએ પુરુષ અને મહિલા પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં તૈનાત રહેશે અને ગઠિયાઓ પર સતત નજર રાખશે.
સી-ટીમની મહિલા પોલીસકર્મીઓ પણ બોડીવોર્ન કેમેરા સાથે બજારમાં વોચ રાખશે, જેથી છેતરપિંડી કરનારાઓને તાત્કાલિક પકડી શકાય.
આ તમામ પગલાંનો હેતુ એ છે કે સુરતની જનતા કોઈ પણ ચિંતા વગર દિવાળીના તહેવારની ખરીદી કરી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp