કમિશનર ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો!

કમિશનર ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો!

03/17/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કમિશનર ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો!

ગુજરાત ડેસ્ક : આપણા દેશમાં સામાન્ય માણસ કાયદાની જટિલતા અને પોલીસના વલણથી પરેશાન છે, આથી ઘણી વખત સામાન્ય વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવતો નથી અથવા પોલીસ સ્ટેશને જતો નથી. પરંતુ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) ગૌતમ પરમારે જે કર્યું તે ખરેખર વખાણવા લાયક છે. ફરિયાદીઓ સાથે કેવો અનુભવ થાય છે એનો જાત અનુભવ લેવા ખુદ ત્રણ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. તેમણે જે કર્યું તેનાથી કદાચ સામાન્ય માણસનો પોલીસ પર વિશ્વાસ વધશે. આ સાથે સામાન્ય લોકોને પરેશાન કરનારા પોલીસકર્મીઓને પણ સંદેશ મળશે કે કાયદાથી મોટું કોઈ નથી.


ફરિયાદ ભાવનગરમાં જઈને નોંધાવો

16 માર્ચ, બુધવારના રોજ  JCP ગૌતમ પરમાર સામાન્ય કપડામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પોતાની ઓળખ છતી કર્યા વિના, ગૌતમ પરમારે અહીં હાજર પોલીસ કોન્સ્ટેબલને કહ્યું કે તેની સાથે રહેલી મહિલા તેની ભત્રીજી છે અને તેનો પતિ તેને માર મારે છે અને તેથી મહિલાએ  તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. પોલીસ કોન્સ્ટેબલે કહ્યું કે તમે અહીં કેમ ફરિયાદ આપો છો, આ મહિલાનું પિયર ભાવનગરમાં છે, તો ફરિયાદ ભાવનગરમાં જઈને નોંધાવો.


કમિશનરે સામાન્ય માણસની જેમ આજીજી કરી

આ પછી ગૌતમ પરમારે ફરજ પરના કોન્સ્ટેબલને અહીં ફરિયાદ કરવા જણાવ્યું હતું. પરંતુ કોન્સ્ટેબલે તેને લેવાની ના પાડી દીધી હતી. કોન્સ્ટેબલે કહ્યું કે જો ઝઘડો થયો હોય તો સારવારનું સર્ટિફિકેટ લઈ આવો અથવા એવા ચાર સાક્ષીઓને લઈ આવો, જેઓ કહે છે કે તેણે માર મારતા જોયાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ગૌતમ પરમારે ઘણી વખત કોન્સ્ટેબલને સામાન્ય માણસની જેમ આજીજી કરી હતી, પરંતુ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધી ન હતી. આ પછી ગૌતમ પરમારે ACPને ફોન કરીને તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.


કાંગડા પીઠ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો

કાંગડા પીઠ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો

આ પછી કમિશનર એક મહિલા કોન્સ્ટેબલ સાથે કાંગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ કોન્સ્ટેબલને કહ્યું, 'સાહેબ, મારી સ્કૂટી ચોરાઈ ગઈ છે, એમાં એક પર્સ છે અને પર્સમાં મારો પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ છે, આ બધું સ્કૂટીની ડેકીમાં  હતું, ફરિયાદ કરવાની છે.'

પોલીસ કોન્સ્ટેબલે પહેલા ગૌતમ પરમાર અને તેની સાથે રહેલી મહિલાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલે કહ્યું કે પહેલા આજુબાજુમાં તપાસ કરો પછી આવો. આવી ફરિયાદો નોંધી શકાતી નથી. આ અંગે ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, સ્કુટીની ડેકીમાં પાસપોર્ટ છે, તેથી ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

આ સંભાળીને કોન્સ્ટેબલે ગુસ્સામાં કહ્યું, 'તમારા પાસપોર્ટમાં કોઈ ગડબડ હશે, તેથી તમે પાસપોર્ટને ખોવાયેલો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, મારે પહેલા તમારી જ ધરપકડ કરવી પડશે.'

આ પછી ગૌતમ પરમાર દ્વારા એસીપીને બોલાવી હાજર કોન્સ્ટેબલો વિરુદ્ધ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરાવી અને જવાબદાર કોન્સ્ટેબલોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


આ જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બે પોલીસ સ્ટેશન જેમાં અમરાઈવાડી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનની કમિશનર દ્વારા સિવિલ કપડામાં મુલાકાત લેવામાં આવી હતી. અને ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના કર્મચારી ગૌતમ પરમારને ઓળખી જતા ગૌતમ પરમાર દાણીલીમડા પોલીસ સ્ટેશનથી રવાના થઇ ગયા હતા. પરંતુ અહીં વાત સામાન્ય જનતા સાથેના પોલીસના વ્યવહાર અને વર્તનની થઈ રહી છે. ત્યારે જોઈન્ટ કમિશનરને પણ જાણ થઇ કે પોલીસ કેવા પ્રકારની કામગીરી કરી રહી છે.


આ રીતે સિંઘમ બની પોલીસ સ્ટેશન જવા માટે ગૌતમ પરમારે શું કારણ આપ્યું?

પરમારે આ રીતે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે તેમની જ ઓફિસમાં કામ કરતી વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં તેની બહેનના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા  ગયા હતા, પરતું ત્યાં તેમની ફરિયાદ લખવામાં આવતી ન હતી. આનાથી તેમને ખ્યાલ આવ્યો કે જ્યારે પોલીસ સ્ટાફની જ આ હાલત છે તો પોલીસ સ્ટેશનોમાં સામાન્ય માણસનું શું થતું હશે. આથી તેઓ સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ત્યાં તેમણે જે વર્તન જોયું તેનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top