તમામ પાર્ટીની સંમતિથી પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન

તમામ પાર્ટીની સંમતિથી પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન

01/17/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

તમામ પાર્ટીની સંમતિથી પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન

પોલિટીકસ ડેસ્ક: કેન્દ્રીય ચૂંટણીપંચ (EC) દ્વારા, પંજાબ વિધાનસભાની (Punjab Assembly Election 2022) જાહેર કરેલી ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીની જગ્યાએ 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. લગભગ તમામ રાજકીય પક્ષોએ તારીખ બદલવાની માંગણી કરી હતી. પાર્ટીઓ તરફથી મતદાનની તારીખ બદલવા અંગે પત્ર મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચે આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે એક બેઠક યોજી હતી. 


કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) રજુઆત કરી હતી કે, અગાઉ જાહેર કરેલ મતદાનની તારીખે, ગુરુ રવિદાસ જયંતિ (Guru Ravidas Jayanti) છે અને આ અવસર પર દલિત સમુદાયના ઘણા લોકો વારાણસી (Varanasi) અને અન્ય તીર્થસ્થળો પર ગુરપરબ મનાવવા જાય છે. આવી સ્થિતિમાં તેઓ મતદાન કરી શકશે નહીં અને મતદાનના અધિકારથી વંચિત રહી જશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ બદલવા પર વિચાર કરવો જોઈએ. સીએમએ ઓછામાં ઓછા છ દિવસ ચૂંટણી સ્થગિત કરવાની માગ કરી હતી. પંજાબના મુખ્યપ્રધાન બાદ, ભાજપે (BJP) પણ ચૂંટણીની તારીખ બદલવા કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.


સંત રવિદાસની જયંતી પર સમુદાયના લાખો લોકો વારાણસી જાય છે

અત્રે જણાવવાનું કે પંજાબ દેશનું એવું રાજ્ય છે, જ્યાં સૌથી વધુ દલિત વસ્તી રહે છે. રાજ્યમાં દલિતોની વસ્તી 32 ટકાની આસપાસ છે. સંત રવિદાસની જયંતી પર સમુદાયના લાખો લોકો વારાણસી જાય છે. તેથી ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી ન રાખવામાં આવે. કારણ કે રવિદાસ જયંતીના કારણે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો તે દિવસે રાજ્યની બહાર હશે.


નોંધનીય છે કે હાલ પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. વિધાનસભા ચૂંટણીમાં પંજાબ લોક કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ અને ભાજપ વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠકો ઉપર 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતુ. CM ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ આ જ વાત ભાજપે પણ ચૂંટણી પંચ સમક્ષ કરી હતી. ચૂંટણી પંચે, પંજાબના મુખ્ય પ્રધાન અને ભાજપની રજૂઆતને ધ્યાને લઈને વિધાનસભાની તારીખમાં ફેરફાર કર્યો છે. જો કે મતગણતરીના દિવસમાં કોઈ ફેરફાર નથી. એટલે કે, 20મી ફેબ્રુઆરીએ યોજાનાર પંજાબ વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ આગામી 10 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવશે.


ચૂંટણીનો નવો કાર્યક્રમ

- જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ: 25 જાન્યુઆરી 2022 (મંગળવાર)
- ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2022 (મંગળવાર)
- ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ: 2 ફેબ્રુઆરી 2022 (બુધવાર)
- ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ: 4 ફેબ્રુઆરી 2022 (શુક્રવાર)
- મતદાનની તારીખ: 20 ફેબ્રુઆરી 2022 (રવિવાર).
- મતોની ગણતરી 10 માર્ચ 2022 (ગુરુવાર)ના રોજ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top